4 વર્ષ બાદ દેશથી બહાર નીકળ્યો તાનાશાહ, પોતાની ખાસ ટ્રેનથી જઈ રહ્યો છે આ દેશ

PC: marathi.abplive.com

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉન સોમવારે (11 સપ્ટેમ્બર) રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા માટે રશિયા ગયા હતા. મીડિયા સૂત્રો દ્વારા દક્ષિણ કોરિયાના મીડિયાને ઉલ્લેખીને આની પુષ્ટિ કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઉત્તર કોરિયાના નેતા પોતાની સ્પેશિયલ ટ્રેનમાં રશિયા જવા માટે રવાના થયા હતા. રિપોર્ટ અનુસાર, યુક્રેન યુદ્ધમાં ઉત્તર કોરિયા દ્વારા રશિયાને હથિયાર આપવા પર કિમ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ચર્ચા થઈ શકે છે.

મીડિયા સૂત્રોએ આપેલા રિપોર્ટ અનુસાર, ઉત્તર કોરિયાની ટ્રેન સંભવતઃ રવિવારે સાંજે ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગથી નીકળી હતી. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, કિમ જોંગ-ઉન અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે મંગળવારે ખાસ મુલાકાત થઈ શકે છે. સ્થાનિક ન્યૂઝ એજન્સી અને અન્ય કેટલીક મીડિયા સંસ્થાઓએ પણ આવા જ સમાચાર પ્રકાશિત કર્યા હતા. જાપાનની સ્થાનિક ન્યૂઝ એજન્સીએ રશિયન અધિકારીઓને ઉલ્લેખીને કહ્યું છે કે, કિમ જોંગ-ઉન કદાચ પોતાની ખાનગી ટ્રેનમાં રશિયા જઈ રહ્યા છે. જોકે, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય, સંરક્ષણ મંત્રાલય અને નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસે હજુ સુધી આ માહિતીની પુષ્ટિ કરી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે અમેરિકન અધિકારીઓએ દાવો કર્યો હતો કે, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે આ મહિનાની અંદર થશે. અમેરિકન અધિકારીઓએ એવો પણ દાવો કર્યો છે કે, બંને દેશો વચ્ચે હથિયારોની ખરીદીની ડીલ થઈ શકે છે.

અમેરિકન અધિકારીઓનો દાવો છે કે, યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને હથિયારોની સખત જરૂર છે, આવી સ્થિતિમાં તે ઉત્તર કોરિયા સાથે હથિયારોની ડીલ કરી શકે છે. બીજી તરફ ઉત્તર કોરિયા પાસે બોમ્બ અને બંદૂકોની કોઈ કમી નથી. દુનિયાભરના પ્રતિબંધોનો સામનો કરી રહેલા ઉત્તર કોરિયાને આર્થિક સંકટના કારણે પૈસાની જરૂર પડી રહી છે, આવી સ્થિતિમાં બંનેની જરૂરિયાતો એકબીજાથી પૂરી થતી જણાય છે.

જાપાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, રશિયન સરહદી શહેર ખાસાનના મુખ્ય રેલ્વે સ્ટેશન પર સુરક્ષા વધારી દેવામાં આવી છે, જ્યાંથી કિમ જોંગ-ઉન રશિયામાં પ્રવેશ કરશે તેવી અપેક્ષા છે. તાજેતરની દરખાસ્તોએ યુક્રેન યુદ્ધ વચ્ચે પરમાણુ સશસ્ત્ર ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચે ગાઢ લશ્કરી સંબંધોનો સંકેત આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp