41 વર્ષીય બેરોજગાર દીકરાએ માતા-પિતા પર ઠોક્યો કેસ, કહ્યું-મને આજીવન આપે વળતર

PC: thesun.co.uk

તમે બેરોજગાર હો અને તમને કોઈ કામ ન મળતું હોય તો તમે શું કરશો? તમે રોજગાર મેળવવા માટે વધુ મહેનત કરશો અથવા તો કોઈક નવો રસ્તો શોધીને પોતાની આવક મેળવવા પ્રયત્ન કરશો, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ બેરોજગારે માતા-પિતા સામે જ કેસ કર્યો હોય અને વળતર માંગ્યું હોય? એવી જ કંઈક એક ઘટના સામે આવી છે, જ્યાં એક શખ્સે પોતાના માતા-પિતા પર કેસ કરીને આજીવન મેન્ટેનેન્સ ખર્ચ આપવાની અજીબોગરીબ માંગણી કરી નાખી.

આ 41 વર્ષીય એક શખ્સ છેલ્લા ઘણા વર્ષોથી બેરોજગાર છે અને હવે તેણે પોતાના માતા-પિતા પર જ કેસ ઠોકી દીધો છે. ઓક્સફોર્ડ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી કાયદાકીય અભ્યાસ કર્યા છતાં આ વ્યક્તિ છેલ્લા એક દશકથી બેરોજગાર છે, ફૈઝ સીદ્દિકી નામના આ શખ્સનું કહેવું છે કે તે પોતાના માતા-પિતા પર નિર્ભર છે. ફૈઝ સીદ્દિકી ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી ડિગ્રી મેળવી ચૂક્યો છે અને વકીલની તાલીમ પણ લઇ ચૂક્યો છે. એ છતાં તેણે પોતાના પરિવાર પર કેસ ઠોક્યો છે અને માંગણી કરી છે કે તેના માતા-પિતા તેને આજીવન આર્થિક રૂપે મદદ કરતાં રહે.

તમને જણાવી દઈએ કે માતા-પિતા દુબઈમાં રહે છે. તેમનો લંડનમાં એક ફ્લેટ પણ છે. આ ફ્લેટમાં છેલ્લા 20 વર્ષથી ફૈઝ સીદ્દિકી ભાડું આપ્યા વિના રહેતો હતો. લંડનના હાયડી પાર્કમાં સ્થિત આ ફ્લેટની કિંમત 1 મિલિયન પાઉન્ડથી પણ વધારે છે. ફૈઝની માતા રક્ષંદા 69 વર્ષીય છે. તે હાલમાં આ શખ્સને દર અઠવાડિયે 400 પાઉન્ડ એટલે કે 40 હજાર રૂપિયા પહોંચાડે છે. એક મહિનામાં લગભગ એક લાખ રૂપિયાની રકમ ફૈઝને આપે છે. એ સિવાય તેઓ ફૈઝના બિલો પણ ચૂકવે છે. જોકે ફૈઝ અને તેના માતા-પિતા વચ્ચેના ઝઘડા બાદ તેઓ હવે ફૈઝને સપોર્ટ કરવા માંગતા નથી.

ફૈઝનું કહેવું છે કે તે આર્થિક સપોર્ટનો હકદાર છે કેમ કે બાળપણથી ખરાબ સ્વાસ્થયના કારણે તેના કરિયર અને લાઈફને ખૂબ નુકસાન પહોંચ્યું છે અને જો તેમના માતા-પિતા તેને સપોર્ટ નહીં કરે તો તેના માનવાધિકારોનું ઉલ્લંઘન થશે. રક્ષંદા અને જાવેદના વકીલ જસ્ટિન વારશૉએ કહ્યું હતું કે ફૈઝના માતા-પિતા છેલ્લાં ઘણા વર્ષોથી પોતાના પુત્રની ડિમાન્ડ ઝેલી રહ્યા છે, પરંતુ હવે તેઓ એમ કરવા માંગતા નથી. આ પહેલા વર્ષ 2018મા ફૈઝે ઓક્સફોર્ડ યુનિવર્સિટી પર પણ કેસ કર્યો હતો અને 1 મિલિયન પાઉન્ડની માંગણી કરી હતી. તેનો દાવો હતો કે ઓક્સફોર્ડમાં અભ્યાસનું સ્તર સારું નહોતું, જેના કારણે તે એક ટોપ અમેરિકી લૉ કૉલેજમાં એડમિશન લેતા ચૂકી ગયો હતો. જોકે ફૈઝના આ કેસને કોર્ટે રિજેક્ટ કરી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp