ભારતીય ન્યૂઝ ચેનલોને પાકિસ્તાનમાં બંધ કરવાનું આવ્યું ફરમાન

PC: hindustantimes.com

પાકિસ્તાનની ઇલેક્ટ્રોનિક મીડિયા પર નજર રાખનારી સંસ્થાએ શુક્રવારે આખા દેશમાં સ્થાનિક કેબલ ટી.વી. ઓપરેટરોને ભારતીય ચેનલોનું પ્રસારણ બંધ કરવાનો આદેશ આપ્યો છે અને તેનું ઉલ્લંઘન થવા પર સખત કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા નિયામક ઓથોરિટી (PEMRA)એ એક નિવેદનમાં કહ્યું કે, અલગ-અલગ ઓપરેટર પહેલા પણ તેમના અને સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા છે.

શુક્રવારે PEMRAએ પોતાના સ્થાનિક કાર્યાલયોને આદેશ આપ્યો હતો કે તે કેબલ ઓપરેટરો દ્વારા ભારતીય ચેનલોનું પ્રસારણ કરીને નિયમોનું ઉલ્લંઘન કરવાના ખબરોની તપાસ કરે. PEMRAએ એક નિવેદનમાં કહ્યું કે, ‘ઓથોરિટીના લાઇસન્સ પ્રાપ્ત ચેનલો સિવાય કોઈ પણ ચેનલને કેબલ ટી.વી. નેટવર્ક પર પ્રસારણની મંજૂરી નહીં આપવામાં આવે અને જો કોઈ ઓપરેટર આદેશની અવગણના કરતા જોવા મળે છે તો તેમની વિરુદ્ધ ઓથોરિટી કાયદા મુજબ સખત કાર્યવાહી કરશે.

કરાચી ક્ષેત્રીય કાર્યાલયે અલગ-અલગ વિસ્તારમાં અચાનક નિરીક્ષણ કર્યું અને ડિજિટલ કેબલ નેટવર્ક, હોમ મીડિયા કમ્યુનિકેશન્સ (પ્રાઇવેટ) લિમિટેડ, શાહજેબ કેબલ નેટવર્ક અને સ્કાઈ કેબલ વિઝન જેવા કેબલ ઓપરેટરો પર છાપેમારી કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઓથોરિટીની પ્રવર્તન ટીમોએ સિંધના હૈદરાબાદ અને પંજાબના મુલ્તાન ક્ષેત્રમાં આ જ પ્રકારના છાપેમારી કરીને ગેરકાયદેસર ઉપકરણ જપ્ત કર્યા અને ઉલ્લંઘનકર્તાઓને કારણ બતાઓ નોટિસ જાહેર કરી છે.

પાકિસ્તાન અગાઉ પણ ઘણી વખત ભારતીય ફિલ્મો અને ટી.વી. ચેનલો પર પ્રતિબંધ લગાવી ચૂક્યું છે. પહેલી વખત તેણે વર્ષ 1965ના યુદ્ધ બાદ ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ લગાવ્યો હતો, જે દશક સુધી ચાલુ રહ્યો. જો કે, વર્ષ 2008માં દ્વિપક્ષીય સંબંધમાં સુધાર બાદ તેને હટાવી દેવામાં આવ્યો. કાશ્મીર મુદ્દા પર બંને દેશો વચ્ચે તણાવ બાદ વર્ષ 2016માં પાકિસ્તાનમાં ભારતીય કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. લાહોર હાઇ કોર્ટે વર્ષ 2018માં પ્રતિબંધ વિરુદ્ધ નિર્ણય આપ્યો, પરંતુ ઓક્ટોબર 2018માં સુપ્રીમ કોર્ટે હાઇ કોર્ટના નિર્ણયને પલટી દીધો અને ફરી પ્રતિબંધ લગાવી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp