પોલીસનો દાવો- ઇમરાનના ઘરમાં સંતાયા છે 30-40 આતંકવાદી, મકાનને ઘેર્યું
પાકિસ્તાનમાં રોજ નવી બવાલ જોવા મળી રહી છે. પોલીસે દાવો કર્યો છે કે, ઇમરાન ખાનના જમન પાર્ક સ્થિત ઘરમાં 30-40 આતંકી સંતાયા છે. ત્યારબાદ પોલીસે ઇમરાન ખાનના ઘરને ચારેબાજુથી ઘેરી લીધુ છે. ઇમરાન ખાન પર લાહોરના કોર કમાન્ડરના ઘર પર હુમલાનો આરોપ છે. બુધવારે પંજાબ પ્રાંતની અંતરિમ સરકારે ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ને 24 કલાકનું અલ્ટીમેટર આપતા ઇમરાન ખાનના ઘરે છૂપાયેલા 30-40 આતંકવાદીઓને સોંપવાનું ફરમાન જાહેર કરી દીધુ છે.
જિયો ન્યૂઝે પ્રાંતના કાર્યવાહક સૂચના મંત્રી આમિર મીરના હવાલાથી કહ્યું, PTI ક્યાં તો આ આતંકીઓને સરકારને સોંપે નહીં તો કાયદો પોતાનું કામ કરશે. તેમણે એવુ પણ કહ્યું કે, સરકાર આ આતંકીઓની હાજરી અંગે જાણતી હતી કારણ કે તેમની પાસે વિશ્વસનીય ગુપ્ત જાણકારી હતી. મીરે કહ્યું, જે ઇન્ટેલિજન્સ રિપોર્ટ મળ્યો, તે ચોંકાવનારો હતો. મીરે કહ્યું કે, 9 મેના રોજ થયેલી હિંસા સુનિયોજિત હતી. કોર કમાન્ડરના ઘર પર થયેલા હુમલામાં સામેલ ઘણા લોકો ઇમરાન ખાનના સંપર્કમાં હતા.
અલ કાદિર ટ્રસ્ટ મામલામાં કરપ્શનને લઇને પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાન વિરુદ્ધ ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં સુનાવણી હતી. તેઓ કોર્ટ પહોંચ્યા. બહાર હજારોની સંખ્યામાં તેમના સમર્થક હાજર હતા. પરંતુ, કોર્ટ જતા પહેલા જ નેશનલ અકાઉન્ટેબિલિટી બ્યૂરો (NAB) અને પાકિસ્તાન રેન્જર્સે તેમને અરેસ્ટ કરી લીધા હતા.
ધરપકડને ગેરકાયદેસર ગણાવતા ઇમરાન ખાનના સમર્થકોએ વિરોધ-પ્રદર્શન શરૂ કરી દીધા. ત્યારબાદ તેણે હિંસકરૂપ ધારણ કરી લીધુ. પેશાવર, કરાચી, ઇસ્લામાબાદ, મર્દન, ગુજરાંવાલા ઉપરાંત દેશના વિવિધ શહેરોમાં વિરોધ-પ્રદર્શન થયા. ઇમરાન ખાનના સમર્થકોએ ઘણા નાના-મોટાં વાહનોમાં આગ લગાવી દીધી અને તોડફોડ કરી. ત્યારબાદ તેમણે લાહોર સ્થિત PM આવાસ પર હુમલો કર્યો. ત્યાં પેટ્રોલ બોમ્બ ફેંક્યા અને ડઝનો વાહનોમાં આગ લગાવી દીધી. તેઓ લાહોર કેન્ટના કોર્પ્સ કમાન્ડરના ઘરમાં ઘૂસી ગયા અને ત્યાં આગ લગાવી. આ ઉપરાંત, રાવલપિંડીમાં તેમણે સેનાની હેડ ઓફિસ પર હુમલો કર્યો અને ત્યાં પણ પથ્થરમારો પણ કર્યો.
ઇમરાનના સમર્થકોની આ હરકતને પાકિસ્તાની સરકારે એક્ટ ઓફ ટેરરિઝ્મ ગણાવ્યું. પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીરે કહ્યું કે, હિંસાની પાછળ ઇમરાન ખાનનો હાથ છે અને હિંસાની યોજના બનાવનારા, ઉશ્કેરનારા અને ભડકાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp