'કુરાન સળગાવનારાઓ, મુસ્લિમો તમને નહીં છોડે', ઈસ્લામિક દેશની ચેતવણી

PC: hindi.opindia.com

છેલ્લા કેટલાક મહિનાઓથી યુરોપિયન દેશોમાંથી મુસ્લિમોના પવિત્ર પુસ્તક 'કુરાન'ના અપમાનના અહેવાલો આવી રહ્યા છે. ગયા મહિને સ્વીડન અને ડેનમાર્કમાંથી કુરાન સળગાવવાના અને ફાડવાના અહેવાલો સામે આવ્યા હતા. હવે નોર્વેમાં આવા જ એક ઈસ્લામ વિરોધી પ્રદર્શનમાં કુરાનને બાળવાની તૈયારી ચાલી રહી હતી, જેને તુર્કીની મદદથી અટકાવી દેવામાં આવી છે. દરમિયાન, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના વડાએ કહ્યું છે કે કુરાન સળગાવનારાઓને મુસ્લિમો ક્યારેય બક્ષશે નહીં.

નોર્વેમાં વિરોધ પ્રદર્શનમાં કુરાન બાળવું ગેરકાયદેસર નથી. સ્વીડન અને ડેનમાર્કની ઘટનાઓથી પ્રેરિત થઈને કેટલાક ઈસ્લામિક વિરોધી લોકો આ અઠવાડિયે શુક્રવારે નોર્વેમાં કુરાનને બાળવાના હતા. તુર્કીના વિદેશ મંત્રાલયે એના સંકેત મળતાની સાથે જ નોર્વેના રાજદૂતને ફરિયાદ કરવા બોલાવ્યા, જેના કલાકો પછી ગુરુવારે ઇસ્લામિક વિરોધી પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું હતું કે, પ્રદર્શનકારીઓના એક જૂથે શુક્રવારે ઓસ્લોમાં તુર્કી દૂતાવાસની બહાર કુરાનની નકલ સળગાવવાની યોજના બનાવી હતી. તેમણે કહ્યું, 'કુરાન બાળવી એ નોર્વેમાં રાજકીય વિચારો વ્યક્ત કરવાનો કાનૂની માર્ગ છે. પરંતુ સુરક્ષાના કારણોસર આ પ્રદર્શન રોકી દેવામાં આવ્યું છે.'

તુર્કીએ ગુરુવારે નોર્વેમાં ઈસ્લામ વિરોધી લોકો દ્વારા કુરાનને બાળવાની યોજનાની સખત નિંદા કરી હતી. તુર્કીએ આ પગલાને ઉશ્કેરણીજનક ગણાવ્યું હતું. તુર્કીના વિદેશ મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું કે મંત્રાલયે પ્રદર્શન રોકવા માટે કહ્યું છે.

નોર્વેના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, 'અમારા રાજદૂતે તુર્કી દ્વારા બોલાવવામાં આવતા નોર્વેમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાના બંધારણીય અધિકારનો ઉલ્લેખ કર્યો, અને કહ્યું કે, નોર્વેની સરકાર આયોજિત પ્રદર્શનમાં ન તો સમર્થન આપે છે કે ન તો તેમાં ભાગ લે છે. પોલીસ ત્યારે જ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકી શકે છે જ્યારે લોકો પર જોખમ હોય.'

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના વડા મેજર જનરલ હોસૈન સલામીએ ગુરુવારે યુરોપમાં કુરાનની અપમાનની આ ઘટનાઓ પર આકરી પ્રતિક્રિયા આપી હતી. તેણે કુરાનનું અપમાન કરનારાઓને સજાની ધમકી આપી હતી.

ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી IRNAએ મેજરને ઉલ્લેખીને કહ્યું કે, 'આજે અમે ઈસ્લામ અને કુરાનના રક્ષક છીએ... જે લોકો કુરાન બાળી રહ્યા છે, અમે તે લોકોને કહેવા માંગીએ છીએ કે, આ જ આગ એક દિવસ તમારા શરીરને પકડી લેશે. અને તમે લાશ બની જશો. આજથી તમે બધા બચીને જ રહેશો, અને દરરોજ રાત્રે ખરાબ સપના જુઓ, ભલે દાયકાઓ પસાર થઈ જાય, પરંતુ મુસ્લિમો તમને છોડશે નહીં.'

ગયા મહિને સ્વીડનમાં, ઘણા શહેરોમાં કટ્ટર દક્ષિણપંથી લોકોએ કુરાનની નકલોને આગ લગાવી હતી. નેધરલેન્ડમાં પણ એક કટ્ટર દક્ષિણપંથી ઈસ્લામ વિરોધી નેતાએ દેશની સંસદની સામે કુરાન પર ઉભા રહીને કુરાનની નકલ ફાડી નાંખી. પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોતી રહી અને તેમણે કોઈ કાર્યવાહી કરી ન હતી. તુર્કી સહિત વિશ્વભરના મુસ્લિમ દેશો અને સંગઠનોએ આ તમામ ઘટનાઓ સામે સખત વાંધો ઉઠાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp