- World
- રાહુલે અમેરિકામાં ટ્રક ડ્રાઈવરને પૂછ્યું-કેટલા કમાઓ છો?જવાબ સાંભળીને દંગ રહી જશો
રાહુલે અમેરિકામાં ટ્રક ડ્રાઈવરને પૂછ્યું-કેટલા કમાઓ છો?જવાબ સાંભળીને દંગ રહી જશો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે. તેણે તાજેતરમાં વોશિંગ્ટનથી ન્યૂયોર્ક સુધીની 190 Kmની મુસાફરી ટ્રકમાં કરી હતી. આ દરમિયાન તેણે ટ્રકના ડ્રાઈવર તેજિંદર ગિલ સાથે પણ વાત કરી હતી. રાહુલે આ વાતચીતનો વીડિયો પણ શેર કર્યો છે. રાહુલે મુસાફરી દરમિયાન ટ્રક ડ્રાઈવરની માસિક કમાણી અંગે પણ સવાલ કર્યો હતો. જ્યારે ડ્રાઈવર તેજિન્દર ગિલે તેની મહિનાની કમાણી જણાવી તો રાહુલ પણ દંગ રહી ગયો.

રાહુલ ગાંધીએ આ અગાઉ પંજાબમાં પણ ટ્રક ટ્રીપ કરી હતી. ત્યારબાદ તેણે અમૃતસરમાં ટ્રક ડ્રાઈવરો સાથે વાત કરીને તેમની સમસ્યાઓ જાણી હતી. હવે રાહુલ અમેરિકામાં ટ્રકમાં મુસાફરી કરતો જોવા મળ્યો હતો. રાહુલે ટ્રક ડ્રાઈવરની બાજુની સીટ પર બેસીને આ યાત્રા કરી હતી. આ દરમિયાન રાહુલે કહ્યું કે, અમેરિકાની ટ્રકો ભારત કરતા વધુ આરામદાયક છે. આ ડ્રાઇવરની સુવિધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. ભારતમાં જે ટ્રકો છે તે ડ્રાઈવરની આરામની પરવા કરતા નથી. તે ટ્રક, ડ્રાઇવરો માટે નથી બનાવવામાં આવી.
આ દરમિયાન તેજિન્દર ગિલે જણાવ્યું કે, અહીં ટ્રકમાં સલામતી ઘણી વધારે છે. અહીં કોઈ પોલીસકર્મી પરેશાન કરતું નથી. ચોરીનો ભય નથી. ઓવરસ્પેન્ડિંગમાં ચોક્કસપણે ચલણ કાપવામાં આવે છે.

રાહુલે ટ્રક ડ્રાઈવરને પૂછ્યું કે તમે મહિને કેટલા કમાઈ લો છો?, તેના પર ડ્રાઈવર તેજિન્દર ગીલે કહ્યું કે, જો તમે અમેરિકામાં ગાડી ચલાવો છો તો એક મહિનામાં 4-5 લાખ રૂપિયા સરળતાથી કમાઈ શકો છો. અમારો ટ્રક ડ્રાઈવર આરામથી 8-10 હજાર ડોલર કમાઈ લે છે. એટલે કે, ભારતીય ચલણ અનુસાર, તમે એક મહિનામાં 8 લાખ રૂપિયા કમાઈ શકો છો. આ સાંભળીને રાહુલ પણ આશ્ચર્યચકિત થઈ ગયો, તે કહે છે, કેટલા... 8 લાખ રૂપિયા. તેના પર ટ્રક ડ્રાઈવર કહે છે કે, આ ઈન્ડસ્ટ્રીમાં ઘણા પૈસા છે. જેમની પાસે રોકાણ કરવા માટે પૈસા નથી તેમના માટે આ વિકલ્પ સારો છે.
રાહુલે તેજિન્દર ગિલને કહ્યું કે, તમે ભારતમાં ટ્રક ચાલકોને શું સંદેશ આપવા માંગો છો? આના પર તેજિંદરે કહ્યું, તમે લોકો ખૂબ જ સખત કામ કરી રહ્યા છો. તમને ખુબ ખુબ શુભેચ્છાઓ. તમે લોકો ખૂબ મહેનત કરો છો, પરિવારથી દૂર રહો છો. અહીં ટ્રક ચલાવીને પરિવારનું સારી રીતે ભરણપોષણ કરી શકાય છે. પરંતુ ભારતમાં ટ્રક ચલાવીને પરિવારનું ભરણપોષણ કરી શકાતું નથી.

રાહુલ આગળ કહે છે કે, ભારતમાં એક બીજી વાત છે, ત્યાં ટ્રક ડ્રાઈવરની પાસે ટ્રક નથી હોતી, ટ્રક કોઈ બીજાની હોય છે, અને તે પોતે ટ્રક ચલાવતા હોય છે.
તેના પર ડ્રાઈવર કહે છે કે, અહીં કોઈની પાસે પૈસા નથી. બેંક લોનમાંથી ડાઉન પેમેન્ટ આપીને ટ્રક લઈએ છીએ. ભારતમાં લોન માટે મિલકતના કાગળો જરૂરી છે. લોન માટે ગરીબો પાસે મિલકતના કાગળો હોતા નથી. એટલા માટે તેઓ કોઈની પણ ટ્રક ચલાવતા રહે છે.
ટ્રક ચાલકે રાહુલને પૂછ્યું ગીત સાંભળશો? આના પર રાહુલ કહે છે, હા, લગાવો. ટ્રક ડ્રાઈવર કહે છે કે, અમારી વિનંતી છે રાહુલજી. સિદ્ધુ મુસેવાલા અમારા કોંગ્રેસના કાર્યકર હતા, તેમને ન્યાય મળ્યો નથી. રાહુલ કહે છે - હા બરાબર છે, તેનું ગીત વગાડો 295... હું પણ તેને ઘણો પસંદ કરતો હતો.
તેજિંદરે વધુમાં કહ્યું કે, ત્યાં BJPના ભક્તો રોજગાર, શિક્ષણ, સારો માનવી બનવાની વાત નથી કરતા. ગત વખતે લોકોએ તેમને જીતાડ્યા હતા, પરંતુ મોંઘવારી એટલી વધી ગઈ છે કે, હવે લોકો સમજી ગયા છે. આ પછી રાહુલ ગાંધીએ ટ્રક ડ્રાઈવર સાથે નાસ્તો પણ કર્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ રાહુલ સાથે તસવીરો પણ ખેંચાવી હતી.

