લગ્નનો ઇરાદો નથી, 20 ઑગસ્ટે અંજૂની થશે ઘર વાપસી, નસરુલ્લાએ બતાવ્યો આખો પ્લાન

રાજસ્થાનના ભિવાડીથી પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખ્વાના એક અંતરિયાળ ગામમાં નસરુલ્લા નામના વ્યક્તિને મળવા ગયેલી અંજૂ 20 ઑગસ્ટે ભારત પરત ફરશે. અંજૂ પાસે પાકિસ્તાનના 30 દિવસના વિઝા છે અને તેની સમાપ્તિ 20 ઑગસ્ટે થઈ રહી છે. ત્યારે તે પાકિસ્તાનથી ભારત આવવા રવાના થશે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અંજૂ અને નસરુલ્લાની ફેસબુક પર મુલાકાત થઈ હતી અને ત્યારથી બંને વાતચીત કરવા લાગ્યા હતા. પછી ફોન નંબર પણ શેર કરતા વૉટ્સએપ પર વાતો થવા લાગી.
પાકિસ્તાની મીડિયામાં કહેવામાં આવ્યું હતું કે, થોડા દિવસોમાં અંજૂ અને તેની સગાઈ થશે, પછી અંજૂ ભારત જતી રહેશે. એટલું જ નહીં દાવો કરવામાં આવ્યો હતો કે, અંજૂ ફરી એક વખત પાકિસ્તાન આવશે અને ત્યારે બંને લગ્ન કરી લેશે. જો કે, હવે પોતે નસરુલ્લાએ જ પાકિસ્તાની મીડિયાના દાવાઓને ખોટા બતાવ્યા છે. નસરુલ્લાએ જણાવ્યું કે, અંજૂ માત્ર તેને મળવા માટે અહીં આવી છે. નસરુલ્લાએ (ઉંમર 29 વર્ષ) જણાવ્યું કે, તેની 34 વર્ષીય અંજૂ સાથે લગ્ન કરવાની કોઈ યોજના નથી.
અંજૂનો જન્મ ઉત્તર પ્રદેશના કેલોર ગામમાં થયો હતો અને તે રાજસ્થાનના અલવરમાં રહેતી હતી. નસરુલ્લા અને અંજૂની મિત્રતા વર્ષ 2019માં ફેસબુકના માધ્યમથી થઈ હતી. પેશાવરથી લગભગ 300 કિલોમીટર દૂર કુલશો ગામથી ફોન પર નસરૂલ્લાએ કહ્યું કે, અંજૂ પાકિસ્તાન આવી છે અને અમારી લગ્ન કરવાની કોઈ યોજના નથી. તે 20 ઑગસ્ટના રોજ વિઝા અવધિ સમાપ્ત થવા પર પોતાના દેશ પરત આવતી રહેશે. અંજૂ મારા ઘરમાં પરિવારની અન્ય મહિલાઓ સાથે બીજા રૂમમાં રહે છે. અંજૂ કાયદેસર વિઝા પર પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખ્વા વિસ્તારના કબાયલી જિલ્લાના ઉપરી દીરમાં નસરુલ્લાને મળવા આવી છે.
પાકિસ્તાનના આંતરિક મંત્રાલય દ્વારા નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની ઉચ્ચ આયોગને મોકલવામાં આવેલા સત્તાવાર દસ્તાવેજ મુજબ, અંજૂને માત્ર ઉપરી દીર જિલ્લા માટે 30 દિવસના વિઝા મંજૂર કરવામાં આવ્યા છે. નસરુલ્લા શેરિંગલ સ્થિત યુનિવર્સિટીમાં સાયન્સમાં સ્નાતક છે અને 5 ભાઈઓમાં સૌથી નાનો છે. તેણે સ્થાનિક અધિકારીઓને આપેલી એફિડેવિટમાં કહ્યું કે, તેની મિત્રતામાં પ્રેમનો કોઈ અંશ નથી અને અંજૂ 20 ઑગસ્ટે ભારત જતી રહેશે. એફિડેવિટ મુજબ, તે ઉપરી દીર જિલ્લાથી પણ બહાર નહીં જાય. જિલ્લા પોલીસ અધિકારી મુશ્તાકે કહ્યું કે, વિઝા દસ્તાવેજો મુજબ તે 20 ઑગસ્ટે પાછી જતી રહેશે.
મુશ્તાકે રવિવારે અંજૂની પોતાના કાર્યાલયમાં પૂછપરછ કરી અને તેના દસ્તાવેજોની તપાસના આધાર પર અનાપત્તિ પ્રમાણ પત્ર જાહેર કરવામાં આવ્યું. નસરુલ્લાએ કહ્યું કે, જિલ્લા પ્રશાસને તેને પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરી છે અને અંજૂ તેના પરિવાર સાથે સુરક્ષિત છે. પશ્તુન બહુધા ગામના લોકો ઈચ્છે છે કે અંજૂ સુરક્ષિત ભારત આવતી રહે કેમ કે તેઓ નથી ઇચ્છતા કે આ ઘટનાથી તેમના સમુદાયની બદનામી થાય. અંજૂના પતિ અને રાજસ્થાનના રહેવાસી અરવિંદે આશા વ્યક્ત કરી કે જલદી જ તેની પત્ની આવી જશે. અંજૂની 15 વર્ષીય દીકરી અને 6 વર્ષનો દીકરો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp