26th January selfie contest

રશિયા 36 કલાક યુક્રેન પર હુમલો નહીં કરે, આ વ્યક્તિના કારણે પુતિને આદેશ આપ્યો

PC: sabkuchgyan.com

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં 6 જાન્યુઆરીની બપોરથી 7 જાન્યુઆરીની મધ્યરાત્રિ સુધી 36 કલાકના યુદ્ધવિરામ માટે સેનાને આદેશ આપ્યો હતો. ઓર્થોડોક્સ ક્રિસમસની ઉજવણી માટે આ જાહેરાત કરવામાં આવી છે. પુતિને પોતાના સંબોધનમાં કહ્યું કે, ઓર્થોડોક્સ ક્રિસમસના અવસર પર 6 અને 7 જાન્યુઆરીએ યુક્રેન પર કોઈ હુમલો નહીં થાય. યુદ્ધવિરામની ઓફર કરતાં, પુતિને રશિયન સૈન્યને યુક્રેન પર 36 કલાક સુધી ગોળીબાર ન કરવા સૂચના આપી છે.

પુતિને કહ્યું કે, તેઓ રશિયન ઓર્થોડોક્સ ચર્ચના વડા, પેટ્રિઆર્ક કિરીલની અપીલને અનુસરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ઓર્થોડોક્સ ક્રિસમસના અવસર પર ચર્ચના વડાએ યુદ્ધવિરામની અપીલ કર્યા પછી રશિયન સેનાને આદેશ આપવામાં આવ્યો હતો. પુતિને યુક્રેનને પણ કામચલાઉ યુદ્ધવિરામમાં સામેલ થવાનું આહ્વાન કર્યું છે. સંઘર્ષ શરૂ થયા બાદ આ પ્રથમ યુદ્ધવિરામ હશે.

અહીં તમને જણાવી દઈએ કે, રશિયન ઓર્થોડોક્સ ચર્ચના વડા પેટ્રિઆર્ક કિરીલ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના સાથી છે. જ્યારે, તે યુક્રેન પરના આક્રમણના અગ્રીમ સમર્થક પણ છે. જો કે, તેમના આ સમર્થનથી અન્ય ઘણા પાદરીઓ નારાજ થયા છે.

તમને બતાવી દઈએ કે, રશિયાએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ યુક્રેન પર અનેક હવાઈ હુમલા કર્યા હતા. એક નિવેદન અનુસાર, પુતિને કહ્યું, 'મોટી સંખ્યામાં રૂઢિચુસ્ત નાગરિકો યુદ્ધ ઝોનમાં રહે છે, તેથી અમે યુક્રેનિયન પક્ષને યુદ્ધવિરામમાં જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ અને તેમને નાતાલના આગલા દિવસે તેમજ ઈસા મસીહના જન્મદિવસ પર સેવાઓમાં ભાગ લેવાનો અવસર આપીએ છીએ.'

આમ જોવા જઈએ તો, સમગ્ર વિશ્વમાં દર વર્ષે 25 ડિસેમ્બરે ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ વિશ્વના 12 ટકા ખ્રિસ્તીઓ ઉજવણી માટે 7 જાન્યુઆરી સુધી રાહ જુએ છે. હકીકતમાં, ઓર્થોડોક્સ ક્રિસમસ વિશ્વભરમાં લગભગ 260 મિલિયન લોકો દ્વારા ઉજવવામાં આવે છે. આ લોકો રશિયા અને ગ્રીસ જેવા પૂર્વ યુરોપના બહુમતી-ઓર્થોડોક્સ દેશોમાં અને ઇથોપિયા, ઇજિપ્ત અને અન્ય સ્થળોએ રહે છે.

રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓ માને છે કે, ઈસુ ખ્રિસ્તનો જન્મ 25 ડિસેમ્બરે થયો હોવાના એવા કોઈ ઐતિહાસિક પુરાવા નથી. તેઓ માને છે કે, ઈતિહાસ મુજબ તે રોમન સમ્રાટ સીઝર ઓગસ્ટસ (જેને ઓક્ટાવીયસ તરીકે પણ ઓળખવામાં આવે છે) હતા, જેમણે આ તારીખ (ડિસેમ્બર 25) લોકોને એક સાથે લાવવા માટે લાવી હતી, જેમાંથી ઘણા મૂર્તિઓની પૂજા કરતા હતા.

ઈસુ ખ્રિસ્તના જન્મને સત્તાવાર રીતે ક્યારે માન્યતા આપવી જોઈએ, તે અંગે 325 ADથી મતભેદ ચાલ્યા આવે છે. તેથી જ કેટલાક રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓ 7મી જાન્યુઆરીએ નાતાલની ઉજવણી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp