ખારું પાણી, ખાવા માટે કેચઅપ, દરિયાની વચ્ચે ફસાયેલો વ્યક્તિ 24 દિવસ જીવતો રહ્યો
'જાકો રાખે સૈયાં માર સકે ના કોઈ'.... તાજેતરમાં જ દરિયામાં ખોવાયેલો માણસ જે રીતે પાછો આવ્યો, તેની વાર્તા સાંભળ્યા પછી તમને પણ આ ગીત યાદ આવી ગયું હશે. જી હા, ડોમિનિકા દ્વીપના 47 વર્ષીય એલ્વિસ ફ્રાન્કોઈસ પોતાની બોટ સાથે 24 દિવસ સુધી દરિયાની વચ્ચે ભટકતો રહ્યો. આ દરમિયાન તે લસણ પાવડર અને કેચપની મદદથી જીવતો રહ્યો. આખરે કોલંબિયન નેવીએ 24 દિવસની લાંબી રાહ પછી તેને બચાવી લીધો.
કોલંબિયન નેવીના બચાવ બાદ એલ્વિસે પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. એલ્વિસે જણાવ્યું કે, તે ડિસેમ્બરમાં ટાપુ પર તેની બોટને ઠીક કરી રહ્યો હતો. અચાનક હવામાન પલટાયું અને તે બોટ સહિત દરિયામાં ચાલ્યો ગયો. પાણીનો જોરદાર પ્રવાહ બોટને વધુ દૂર લઈ ગયો. ત્યાર બાદ રસ્તાની બરાબર ખબર ન હોવાને કારણે હોડી દરિયામાં જ ખોવાઈ ગઈ હતી.
ભટક્યા પછી, એલ્વિસ માટે સૌથી મોટો પડકાર હતો પોતાને જીવંત રાખવાનો. જીવતા રહેવા માટે, તેને શુદ્ધ પાણી અને ખોરાકની જરૂર હતી. પરંતુ એલ્વિસ પાસે બોટમાં સ્વચ્છ પાણી અને ખોરાક જેવું કંઈ નહોતું. બોટ પર માત્ર કેચઅપની બોટલ, લસણનો થોડો પાવડર હતો. સમસ્યા એ હતી કે કેચઅપ અને લસણથી પેટ કેવી રીતે ભરવું.
જ્યારે એલ્વિસ પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો, ત્યારે તેણે કેચઅપને તેની ભૂખ સંતોષવાનો એકમાત્ર રસ્તો બનાવ્યો. એલ્વિસે કેચઅપમાં લસણનો પાવડર નાંખ્યો અને તેને પાણીમાં ભેળવીને ખાય લીધું. જે પાણીમાં કેચઅપ મેળવ્યું હતું તે વરસાદનું પાણી હતું, જેને કપડાની મદદથી એકત્ર કરવામાં આવ્યું હતું.
હવે એલ્વિસને ફક્ત આશા હતી કે કોઈ તેની મદદે આવશે. જો કે, દરિયાની વચ્ચે મદદ શોધવી એ ખરેખર લોટમાં ભેળવેલું મીઠું શોધવા જેવું હતું. પરંતુ એલ્વિસે આશા છોડી ન હતી અને કોઈક રીતે તેની બોટ પર 'હેલ્પ' શબ્દ લખ્યો હતો.
આખરે એલ્વિસના પ્રયત્નો ફળ્યા. એલ્વિસની બોટ ઉપરથી પસાર થતા પ્લેનના પાયલોટની નજર એલ્વિસ પર પડી. એલ્વિસે અરીસાની મદદથી પાયલોટને સતત સંકેતો પણ આપ્યા હતા.
એલ્વિસે જણાવ્યું કે, સિગ્નલ મળ્યા બાદ પ્લેન બે વાર બોટની નજીકથી પસાર થયું. જે બાદ પ્લેનમાં સવાર પાયલટે આ અંગે નેવીને જાણ કરી હતી. નેવીને માહિતી મળતાની સાથે જ એલ્વિસને મર્ચન્ટ જહાજ દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો.
નેવીએ તરત જ એલ્વિસને બચાવીને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. હોસ્પિટલમાં તબીબી સારવાર લીધા પછી, એલ્વિસને તેના ઘરે મોકલી આપવામાં આવ્યો.
એલ્વિસ જે સમય જોયો તે વિશે વિચારીને પણ, તેના શરીરમાં ધ્રુજારી છૂટી જાય છે. એલ્વિસે જણાવ્યું કે, લગભગ 24 દિવસ સુધી ન તો તેણે જમીન જોઈ અને ન તો કોઈ તેની સાથે વાત કરવાવાળું હતું. શું કરવું અને તે ક્યાં છે તેની તેને પણ ખબર ન હતી. એલ્વિસ કહે છે કે, તે ખૂબ જ મુશ્કેલ સમય હતો. એક સમય એવો આવ્યો જ્યારે તેની બધી આશાઓ પૂરી થઈ ગઈ અને તેણે પોતાના પરિવાર વિશે વિચારવાનું શરૂ કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp