2008ની મંદી બાદ અમેરિકાને સૌથી મોટો ઝટકો, SVBને તાળા, લોકોના 175 અબજ ડોલર છે જમા

PC: telegraphindia.com

અમેરિકાની 16મી સૌથી મોટી બેંક- સિલિકોન વેલી બેંકને રેગુલેટર્સે બંધ કરવાનો આદેશ આપ્યો છે. કેલિફોર્નિયાના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ પ્રોટેક્શન અને ઇનોવેશને આ આદેશ આપ્યો છે. બેંકની મૂળ કંપની SVB ફાઇનાન્સિયલ ગ્રુપના શેરોમાં 9 માર્ચે આશરે 60%નો ઘટાડો આવ્યો. ત્યારબાદ તેને કારોબાર માટે અટકાવી દેવામાં આવ્યું. આ અમેરિકાના ઇતિહાસમાં 2008ના નાણાકીય સંકટ બાદ અત્યારસુધીનું સૌથી મોટું ફેલ્યોર છે.

રોયટર્સ અનુસાર, SVBના શેર તૂટવાના કારણે છેલ્લાં 2 દિવસોમાં અમેરિકી બેંકોના સ્ટોક માર્કેટમાં 100 અબજ ડૉલરનું નુકસાન થયુ છે. તેમજ, યુરોપિયન બેંકોને 50 અબજ ડૉલરનું નુકસાન થયુ છે. ફેડરલ ડિપોઝિટ ઈન્શોયરન્સ કોર્પોરેશન (FDIC)એ શુક્રવારે સિલિકોન વેલી બેંક ટેકઓવર કરવાની જાહેરાત કરી. આ સાથે જ તેને ગ્રાહકોના પૈસા સુરક્ષિત રાખવાની જવાબદારી પણ આપવામાં આવી છે. સિલિકોન બેંક હવે 13 માર્ચે ખુલશે ત્યારબાદ તમામ ઈન્શ્યોર્ડ ડિપોઝિટર્સની પાસે પોતાની ડિપોઝિટ્સ કાઢવાની છૂટ હશે.

બેંક પાસે 2022ના અંત સુધી 209 અબજ ડૉલરની સંપત્તિ અને 175.4 અબજ ડૉલરની જમા રાશિ હતી. તેમાંથી 89% રાશિ ઈન્શ્યોર્ડ નહોતી. ગ્રાહકોની 250000 ડૉલર (2.5 કરોડ રૂપિયા) સુધીની જમા રાશિને F.D.I.C ઈન્શ્યોરન્સમાં કવર કરવામાં આવી છે. એટલે કે, બેંક બંધ થયા બાદ પણ આ પૈસા ગ્રાહકને પાછા મળી જશે. તેમજ, હાલ એ વાતની કોઈ ગેરેંટી નથી કે જે જમાકર્તાઓના ખાતાઓમાં તેના કરતા વધુ રકમ જમા છે, તેમને તેમના બધા પૈસા પાછા મળશે કે નહીં. જોકે, FDIC એવા ગ્રાહકોને એક સર્ટિફિકેટ આપશે. તે અંતર્ગત ફંડ રિકવર થયા બાદ તેમને સૌથી પહેલા પૈસા પાછા આપવામાં આવશે.

સિલિકોન વેલી બેંકે છેલ્લાં કેટલાક વર્ષોમાં પોતાના ગ્રાહકોના પૈસામાંથી ઘણા અબજ ડૉલરના બોન્ડ ખરીદ્યા હતા પરંતુ, આ ઈન્વેસ્ટમેન્ટ પર તેને ઓછાં ઈન્ટરેસ્ટ રેટને પગલે યોગ્ય રિટર્ન ના મળ્યું. દરમિયાન, ફેડરલ રિઝર્વ બેંકે ટેક કંપનીઓ માટે વ્યાજદરોમાં વધારો કરી દીધો. SVBના મોટાભાગના ગ્રાહક સ્ટાર્ટ-અપ્સ અને ટેક કંપનીઓ હતી જેમને કારોબાર માટે પૈસાની જરૂર હતી. એવામાં તેઓ બેંકમાંથી પૈસા કાઢવા માંડ્યા. વ્યાજદર વધવાના કારણે ટેક કંપનીઓમાં નિવેશક ઓછાં થઈ ગયા. ફંડિંગ ના મળવાથી કંપનીઓ બેંકમાંથી પોતાના બચેલા પૈસા પણ કાઢવા માંડ્યા. સતત વિડ્રોઅલના કારણે બેંકે પોતાની સંપત્તિ વેચવી પડી.

8 માર્ચે SVBએ જણાવ્યું કે, તેણે બેંકની ઘણી સિક્યોરિટીઝને ખોટમાં વેચી છે. સાથે જ પોતાની બેલેન્સ શીટને મજબૂત કરવા માટે તેણે 2.25 બિલિયન ડૉલરના નવા શેર વેચવાની જાહેરાત કરી. તેને કારણે ઘણી મોટી કેપિટલ ફર્મોમાં ડરનો માહોલ બની ગયો અને ફર્મોએ કંપનીઓને બેંકમાંથી પોતાના પૈસા પાછા લેવાની સલાહ આપી.

ત્યારબાદ ગુરુવારે SVBના સ્ટોકમાં ઘટાડો આવ્યો, જેના કારણે બીજી બેંકોના શેર્સને પણ ભારે નુકસાન થયુ. શુક્રવારની સવાર સુધી ઇન્વેસ્ટર ન મળવા પર SVBના ગ્રાહકોને અટકાવી દેવામાં આવ્યા. આ ઉપરાંત, ઘણી અન્ય બેંક શેરોને પણ શુક્રવારે અસ્થાયીરીતે અટકાવી દેવામાં આવ્યા, જેમા ફર્સ્ટ રિપબ્લિક, પીવીસીવેસ્ટ બેનકોર્પ અને સિગ્નેચર બેંક સામેલ છે.

બેંક બંધ થવાના કારણે ઘણા ભારતીય સ્ટાર્ટ-અપ્સ પર પણ અસર પડશે. SVBએ ભારતમાં આશરે 21 સ્ટાર્ટઅપમાં નિવેશ કર્યું છે. SVBનું ભારતમાં સૌથી મહત્ત્વનું નિવેશ SAAS-યુનિકોર્ન આઈસર્ટિસમાં છે. ઓક્ટોબર 2022માં SVBએ બ્લ્યૂસ્ટોન, પેટીએમ, વન97 કમ્યુનિકેશન્સ, પેટીએમ મોલ, નાપતોલ, કારવાલે, ઇનમોબિ અને લોયલ્ટી રિવાઈઝ્ડ જેવી કંપનીઓમાં પણ પૈસા લગાવ્યા છે.

2008માં અમેરિકામાં આવી હતી સૌથી મોટી મંદી

29 સપ્ટેમ્બર, 2008ના રોજ જ્યારે અમેરિકી બજાર ખુલ્યા, તો ઘટાડાના રેકોર્ડ તૂટી ગયા. આશરે 1.2 લાખ કરોડ ડૉલર માત્ર એક દિવસમાં સાફ થઈ ગયા હતા. જે તે સમયે ભારતની કુલ GDP જેટલી રકમ હતી. US માર્કેટમાં તે પહેલા 1987માં આટલો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજારના દિગ્ગજ જેવાકે- Apple 18%, City Group 12%, JP Morgan 15% સુધી તૂટી ગયા હતા. આર્થિક મંદીની પાછળ લીમેન બ્રધર્સ સૌથી મોટું કારણ રહ્યા.

અમેરિકામાં 2002-04માં હોમ લોન સસ્તી અને સરળ થવાથી પ્રોપર્ટીની ડિમાન્ડ વધી રહી હતી. આ તેજીમાં લીમેને લોન આપનારી 5 કંપનીઓ ખરીદી લીધી. પરંતુ, ઊંચી કિંમતોને પગલે ડિમાન્ડ ઘટવા માંડી અને લોન ડિફોલ્ટ થવા માંડી. તેનું પરિણામ એ આવ્યું કે, માર્ચ 2008માં અમેરિકાની બીજી સૌથી મોટી હોમ લોન કંપની બિયર સ્ટર્ન્સ ડૂબી ગઈ. 17 માર્ચે લીમેનના શેર 48 ટકા તૂટી ગયા. ત્યારબાદ 15 સપ્ટેમ્બરે લીમેને દેવાળીયા થવાની અરજી કરી અને 29 સપ્ટેમ્બરે અમેરિકી બજારમાં કોહરામ મચી ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp