26th January selfie contest

સ્પર્મ ડોનેટ કરીને આ માણસ બન્યો 600 બાળકોનો 'બાપ', કોર્ટ પણ સ્તબ્ધ

PC: english.madhyamam.com

મોટાભાગના દેશોમાં શુક્રાણુ દાન એ સામાન્ય પ્રથા છે. પરંતુ આ વ્યક્તિએ સ્પર્મ ડોનેટ કરવાનો જે રેકોર્ડ બનાવ્યો છે તે ચોંકાવનારો છે. મામલો એ હદે વધી ગયો કે, કોર્ટને જ હસ્તક્ષેપ કરવો પડ્યો. વીર્ય દાન દ્વારા વિશ્વભરમાં 550થી વધુ બાળકોના પિતાની શંકા ધરાવતા ડચ (નેધરલેન્ડ) વ્યક્તિને રોકવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે ત્યાં સુધી કહ્યું કે, જો આ વ્યક્તિ ફરીથી સ્પર્મ ડોનેટ કરશે તો તેને સખત સજા કરવામાં આવશે. આ વ્યક્તિનું નામ જોનાથન છે જેની ઉંમર 41 વર્ષ છે. નેધરલેન્ડની એક કોર્ટે કહ્યું કે, જોનાથન નામનો આ વ્યક્તિ પર ફરીથી સ્પર્મ ડોનેટ કરવાનો પ્રયાસ કરશે તો તેને તે બદલ 100,000 યુરો (રૂ. 90 લાખ)થી વધુનો દંડ થઈ શકે છે.

જોનાથન પર 2017માં પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યારે એ ખબર પડી કે આ માણસ 100થી વધારે બાળકોનો પિતા બની ચુક્યો છે, ત્યારે તેના પર 2017માં નેધરલેન્ડમાં પ્રજનનક્ષમતા ક્લિનિક્સમાં શુક્રાણુઓનું દાન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ તે માણસ રોકવાને બદલે તેણે વિદેશમાં અને ઓનલાઈન સ્પર્મ ડોનેટ કરવાનું ચાલુ રાખ્યું. હેગની એક અદાલતે જોનાથનને સ્પર્મ ડોનેટ કરવા માટે ઉપયોગમાં લેવાતા તમામ ક્લિનિક્સની યાદી આપવા જણાવ્યું છે. ઉપરાંત, કોર્ટે તે ક્લિનિક્સને જોનાથનના દાનમાં આપેલા સ્પર્મનો નાશ કરવાનો આદેશ આપ્યો છે. એવું કહેવામાં આવે છે કે, આ વ્યક્તિએ સેંકડો મહિલાઓને ગેરમાર્ગે દોરી હતી.

નેધરલેન્ડ્સમાં શુક્રાણુઓનું દાન કરવા અંગે કેટલીક ચોક્કસ માર્ગદર્શિકા છે. ડચ ક્લિનિકલ માર્ગદર્શિકા જણાવે છે કે, શુક્રાણુ દાતાએ 12 પરિવારોમાં 25 કરતાં વધુ બાળકોનો પિતા ન હોવો જોઈએ. પરંતુ ન્યાયાધીશોએ કહ્યું કે, આ વ્યક્તિએ 2007માં સ્પર્મ ડોનેટ કરવાનું શરૂ કર્યું ત્યારથી તેણે 550 થી 600 બાળકોને પેદા કરવામાં મદદ કરી છે.

બાળકોના અધિકારોનું રક્ષણ કરતા ફાઉન્ડેશન દ્વારા જોનાથન સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આમાં જોનાથનના વીર્ય સાથે કથિત રીતે જન્મેલા બાળકોમાંથી એકની માતાનો સમાવેશ થાય છે. કોર્ટના પ્રવક્તા ગર્ટ-માર્ક સેમેલ્ટે જણાવ્યું હતું કે, 'મુદ્દો એ છે કે આ સગપણનું નેટવર્ક સેંકડો સાવકા ભાઈઓ અને સાવકી બહેનો સાથે ખુબ વિશાળ છે.' જોનાથનના વીર્ય સાથે જન્મેલા 100થી વધુ બાળકો ડચ ક્લિનિક્સમાં જન્મ્યા હતા, જ્યારે બાકીના ખાનગી રીતે જન્મ્યા હતા. આટલું જ નહીં, આ વ્યક્તિએ ડેનિશ ક્લિનિકમાં તેના સ્પર્મનું દાન પણ કર્યું હતું, જેણે બાદમાં તેના સ્પર્મને વિવિધ દેશોના સરનામે મોકલ્યા હતા.

ન્યાયાધીશ થેરા હેસલિંકે જણાવ્યું હતું કે અદાલત 'આ ચુકાદો બહાર પાડ્યા પછી પ્રતિવાદી (જોનાથન)ને નવા સંભવિત માતાપિતાને તેના શુક્રાણુઓનું દાન ન કરવા માટે આદેશ આપે છે.' ન્યાયાધીશે કહ્યું કે, આ વ્યક્તિને કોઈપણ સંભવિત માતાપિતાનો સંપર્ક કરવાની મંજૂરી નથી. હેગની જિલ્લા અદાલતે જણાવ્યું હતું કે, આ વ્યક્તિએ ભૂતકાળમાં અગાઉથી જ જન્મેલા બાળકોની સંખ્યા વિશે સંભવિત માતાપિતાને 'ઇરાદાપૂર્વક ખોટી માહિતી' આપી હતી. તેમણે કહ્યું કે, 'આ તમામ માતા-પિતા હવે એ હકીકત સાથે ઝઝૂમી રહ્યા છે કે, તેમના પરિવારના બાળકો સેંકડો સાવકા ભાઈ-બહેનો સાથેના વિશાળ સગપણના નેટવર્કનો ભાગ છે, જે તેઓએ પસંદ કર્યા નથી.'

કોર્ટે કહ્યું કે, આનાથી બાળકો માટે નકારાત્મક મનોસામાજિક પરિણામો આવી શકે છે. કોર્ટને બીજો એક ભય સતાવી રહ્યો છે. હકીકતમાં, કોર્ટે શુક્રાણુ દાતાઓને તેમની સેવાઓની સંખ્યા મર્યાદિત કરવા કહ્યું છે. કારણ કે ભાઈ-બહેન અજાણતાં દંપતી (પ્રેમીઓ) પણ બની શકે છે અને સાથે મળીને બાળકો પણ પેદા કરી શકે છે. જેના કારણે મોટી કટોકટી સર્જાઈ શકે છે. નેધરલેન્ડ ભૂતકાળમાં પણ આવા કૌભાંડોથી પ્રભાવિત થયું છે. 2019માં, ડચ પ્રજનનક્ષમતા ડૉક્ટરે દર્દીઓની સંમતિ વિના પોતાના શુક્રાણુનો ઉપયોગ કર્યો અને 49 બાળકોનો પિતા બન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp