શપથના એક દિવસ પહેલા ટ્રમ્પે આપ્યા 6 વચનો, એક નિર્ણયની ભારતીયો પર પડશે અસર

અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી થોડા કલાકોમાં શપથ લેશે. પરંતુ શપથ લેતા પહેલા, તેમણે એક વિજય રેલીનું આયોજન કર્યું અને તેમના હજારો સમર્થકોને સંબોધિત કર્યા. આ સમય દરમિયાન, તેમણે યુક્રેન યુદ્ધ રોકવા અને અમેરિકા માટે આયર્ન ડોમ સિસ્ટમ બનાવવાની વાત કરી. ટ્રમ્પે પોતાના ચૂંટણી વચનો પૂરા કરવાનું આશ્વાસન આપ્યું છે. પહેલા જ દિવસે તેમણે કહ્યું છે કે, તેઓ ઇમિગ્રેશન પર કડક નિયંત્રણો લાદશે. ટ્રમ્પે વચન આપ્યું હતું કે, તેઓ 'ઐતિહાસિક ગતિ અને શક્તિ'થી અમેરિકાના દરેક સંકટનો ઉકેલ લાવશે. તેમણે કહ્યું, 'કાલના સૂર્યાસ્ત સુધીમાં, આપણા દેશ પરના હુમલા બંધ થઈ જશે.'
તેમણે કહ્યું કે આ અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટું રાજકીય આંદોલન છે અને 75 દિવસ પહેલા અમે આપણા દેશની સૌથી ઐતિહાસિક રાજકીય જીત મેળવી હતી. ટ્રમ્પ જે સ્ટેડિયમમાં ભાષણ આપી રહ્યા હતા તે સ્ટેડિયમમાં 20,000 લોકોની ક્ષમતા હતી અને તે દર્શકોની ભારે ભીડથી ભરેલું હતું. આ ઉપરાંત, કડકડતી ઠંડીમાં સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ગયા વર્ષની સામાન્ય ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને હરાવીને ટ્રમ્પે શાનદાર વાપસી કરી અને ચાર વર્ષના અંતરાલ પછી રાષ્ટ્રપતિ તરીકે શપથ લેનારા અમેરિકન ઇતિહાસમાં બીજા વ્યક્તિ બન્યા.
ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, તેઓ કેપિટલ હુમલા કેસમાં દોષિત અથવા આરોપી એવા 1,500થી વધુ લોકોને માફ કરશે. 6 જાન્યુઆરી, 2021ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પની હાર પછી, તેમના સમર્થકોએ કેપિટલ હિલ પર હુમલો કર્યો.
ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું, 'હું યુક્રેન યુદ્ધનો અંત લાવીશ, મધ્ય પૂર્વમાં સંકટનો અંત લાવીશ અને ત્રીજા વિશ્વયુદ્ધને રોકવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ અને તમે કલ્પના પણ નહીં કરી શકો કે, આપણે તેની કેટલી નજીક છીએ.'
ટ્રમ્પે દેશમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને મોટા પાયે બહાર કાઢવાની પ્રતિજ્ઞા લીધી છે, જેમાં લાખો ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાની યોજના છે. જોકે, નિષ્ણાતો માને છે કે, આટલા મોટા પાયે ઝુંબેશ પૂર્ણ થવામાં વર્ષો લાગી શકે છે અને તે ખૂબ જ ખર્ચાળ હશે. જો ટ્રમ્પ ખરેખર આ નિર્ણય લાગુ કરે છે તો તેની અસર તે ભારતીયો પર પણ પડશે જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા છે.
US રાષ્ટ્રપતિએ તેમના પહેલા દિવસથી જ અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડવાનું વચન પણ આપ્યું હતું.
ટ્રમ્પે મહિલા રમતોમાં ટ્રાન્સ એથ્લેટ્સની ભાગીદારી પર પ્રતિબંધ મૂકવાની પ્રતિજ્ઞા લીધી હતી.
ટ્રમ્પે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જોન F. કેનેડી અને તેમના ભાઈ બોબી કેનેડી અને નાગરિક અધિકાર નેતા માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યા સંબંધિત ગુપ્ત દસ્તાવેજો જાહેર કરવાનું વચન આપ્યું છે.
ટ્રમ્પે રવિવારે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા પછી તેઓ સૈન્યને 'આયર્ન ડોમ' મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ બનાવવાનું શરૂ કરવાનો નિર્દેશ આપશે. ઇઝરાયલ આયર્ન ડોમ મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કરે છે. આના દ્વારા જ ઇઝરાયલ હમાસ, હિઝબુલ્લાહ અને ઈરાનથી પોતાનું રક્ષણ કરી રહ્યું છે. ટ્રમ્પે અગાઉ અમેરિકાની આસપાસ એક અત્યાધુનિક મિસાઇલ સંરક્ષણ પ્રણાલી બનાવવાનું વચન આપ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp