
યુક્રેનની ગુપ્તચર એજન્સીના પ્રમુખ કિરીલો બુડાનોવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લઈને એક ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમના મુજબ, પુતિન કેન્સરની જીવલેણ બિમારીથી પીડિત છે અને તેની સારવાર ચાલી રહી છે.
યુક્રેની ગુપ્તચર એજન્સીના ટોપ બોસે એવો દાવો પણ કર્યો છે કે, કેન્સરથી પીડિત હોવાના કારણે વ્લાદિમીર પુતિન સમય-સમય પર જાહેરમાં દેખાવાનું બંધ કરી દે છે. જો કે, રશિયન સરકારે આ પ્રકારના કોઈ પણ દાવા પર ક્યારેય પણ કોઈ પ્રતિક્રિયા નથી આપી.
ઇન્ટેલિજન્સ ચીફનો દાવો
UKની ન્યૂઝ વેબસાઈટ 'મિરર'માં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ મુજબ યુક્રેનના સંરક્ષણ ગુપ્તચર પ્રમુખ બુડાનોવે કહ્યું કે, 'રશિયન રાષ્ટ્રપતિ પુતિન લાંબા સમયથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા છે અને આ કારણોસર તેમના આગળના જીવન વિશે બધું સરળતાથી સમજી શકાય છે. ક્રેમલિન નેતાના નજીકના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, 70 વર્ષીય પુતિન કેન્સરથી પીડિત છે.'
કેમ લાગી રહી છે અટકળો?
ખરેખર, પુતિને ગયા વર્ષના અંતમાં તેમના બે મોટા જાહેર કાર્યક્રમોને રદ કરી દીધા હતા. જે બાદ તેમની બગડતી તબિયતને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી. આ આયોજનોમાં એક ટેન્ક પ્રોડક્શન ફેક્ટરીની મુલાકાત પણ પ્રસ્તાવિત હતી.
આ વર્ષે પણ ચાલુ રહેશે યુદ્ધ
રિપોર્ટ મુજબ, બુડાનોવે કહ્યું કે રશિયા તરફથી પુતિનના સ્વાસ્થ્ય અને યુક્રેન પર મિસાઈલ હુમલાની સંભાવના સાથે જોડાયેલા ઘણા સમાચારોને આ પહેલા પણ છુપાવવામાં આવ્યા છે. બુડાનોવના જણાવ્યા મુજબ, તેમને લાગે છે કે રશિયા સાથે ચાલી રહેલું યુદ્ધ હાલમાં નહીં અટકશે એટલે કે બંને તરફથી હુમલાઓ આ વર્ષે પણ ચાલુ રહેશે.
ઓગસ્ટ 2022મા ઊડી હતી અફવા
પુતિન કોઈ રહસ્યમય બીમારીથી પીડિત હોવાના દાવાઓ ઘણીવાર કરવામાં આવે છે. યુક્રેન પર રશિયાનો હુમલો શરૂ થવાથી લઈને અત્યાર સુધી ઘણા સમાચારો એવા આવી ચૂક્યા છે, જેમાં પુતિનને ગંભીર રીતે બીમાર હોવાનું કહેવામાં આવ્યું છે. ગયા વર્ષે ઓગસ્ટ 2022મા અમેરિકન મેગેઝિન ન્યૂઝવીકમાં એક રિપોર્ટ છપાયો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે અમેરિકી ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલા ઘણા લોકોનું માનવુ છે કે, પુતિન એક ગંભીર બીમારીથી પીડિત છે અને તેમની કેન્સરની સારવાર ચાલી રહી છે. આ દાવાના સમર્થનમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે, પુતિન વૈશ્વિક પટલથી એપ્રિલમાં લગભગ સંપૂર્ણપણે ગાયબ રહ્યા કારણ કે, તેઓની એડવાન્સ સ્ટેજના કેન્સરની સારવાર ચાલી રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp