માસ્ક પહેરીને ATM લૂંટવા પહોંચ્યો, પોતાના જ પુત્રના ગળા પર મૂક્યું ચાકુ, પછી...

PC: bbc.com

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક વ્યક્તિએ પોતાના જ પુત્રને કે જે ATM માં પૈસા ઉપાડવા આવ્યો હતો તેને છરી બતાવીને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. ટીનેજરને લૂંટવાનો પ્રયાસ કરનાર માસ્કધારી વ્યક્તિ પોતે એ વાતથી અજાણ હતો કે તે તેનો જ પુત્ર છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, 45 વર્ષના એક વ્યક્તિએ નવેમ્બર 2022માં ગ્લાસગોના ક્રેનહિલ ખાતેના ATMમાં એક છોકરાને પોતાના નિશાન પર લીધો હતો. 17 વર્ષના પુત્રએ 10 પાઉન્ડ ઉપાડવા માટે તેના ઘરની નજીકના કેશ મશીન (ATM)નો ઉપયોગ કર્યો હતો.

છોકરાએ પોતાનું કાર્ડ ખિસ્સામાં નાખ્યું અને જેવા મશીનમાંથી પૈસા કાઢ્યા ત્યારે તેની ગરદન દિવાલ સાથે ચિપકાવી દેવામાં આવી હતી. છોકરાએ જોયું કે તેના ચહેરા પર એક મોટી છરી રાખવામાં આવી હતી. ફરિયાદી કેરી સ્ટીવેન્સના જણાવ્યા અનુસાર, લૂંટારાએ પીડિતને પૈસા સોંપવા કહ્યું. પીડિતે તરત જ તેના પિતાને અવાજ અને આંખોથી ઓળખી લીધા હતા. ત્યારે છોકરાએ તેના પિતાને પૂછ્યું, 'તમે જાણો છો કે હું કોણ છું?'

ત્યારે હુમલાખોરે તેને કહ્યું કે, તેને કોઈ પરવા નથી, કે તું કોણ છે. પછી કિશોરે તેના પિતાને તેનો ચહેરો બતાવવા માટે સ્નૂડને નીચે ખેંચ્યો. જો કે, જ્યારે છોકરાએ પૂછ્યું કે, આ તમે શું કરી રહ્યા છો?, ત્યારે પિતાએ કહ્યું હતું કે, તે હતાશ થઇ ગયો છે. આ પછી છોકરો સ્થળ પરથી ભાગી ગયો હતો અને તેના પરિવારજનોને ઘટનાની જાણ કરી હતી અને પોલીસને બોલાવી હતી. ત્યાર પછી લૂંટારાની ધરપકડ કરવામાં આવી હતી અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપીએ પોતાના પુત્રને લૂંટવાનો પ્રયાસ કરવાનો આરોપ સ્વીકાર કરી લીધો હતો. શેરિફ એન્ડ્ર્યુ ક્યુબીએ કોર્ટને કહ્યું કે, આ એક અસાધારણ ઘટના છે. કોર્ટે લૂંટારા પિતાને 26 મહિનાની જેલની સજા ફટકારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp