26th January selfie contest

મંદિરમાંથી 2,000 ઘેટાના માથા મળી આવ્યા તેનું રહસ્ય શું છે?

PC: msn.com

ઇજિપ્તમાં 2,000થી વધુ મમી આકારમાં ઘેટાંના માથા મળી આવ્યા છે જેણે સંશોધકોને દંગ કરી દીધા છે. રવિવારે, ઇજિપ્તના પર્યટન અને પ્રાચીન વસ્તુઓ મંત્રાલયે માહિતી આપી હતી કે, ઇજિપ્તના રાજા ફારુન રામસેસ-2ના મંદિરમાંથી ઘેટાંના માથા મળી આવ્યા છે. સંશોધકોએ જણાવ્યું કે, મંદિરમાંથી કૂતરા, બકરી, ગાય, હરણ અને નોળીયાના માથાની મમી પણ મળી આવી છે.

દક્ષિણ ઇજિપ્તમાં તેના મંદિરો અને કબરો માટે પ્રખ્યાત એબીડોસ શહેરમાં ન્યુ યોર્ક યુનિવર્સિટીના અમેરિકન પુરાતત્વવિદોની ટીમ દ્વારા આ શોધ કરવામાં આવી હતી. સંશોધકોએ અહેવાલ આપ્યો છે કે, રાજા ફારુન રામસેસ-2ને ઘેટાં અને અન્ય પ્રાણીઓના માથા પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવ્યા હતા.

US સર્ચ ટીમના વડા સમેહ ઇસ્કંદરે જણાવ્યું હતું કે, ફારુન રામસેસ-2ના મૃત્યુ પછી તેમના મંદિરમાં પ્રાણીઓની બલિ ચઢાવવામાં આવી હતી. બલિદાન આપવા માટે મોટાભાગે ઘેટાંનો ઉપયોગ થતો હતો. પ્રાચીન ઇજિપ્તવાસીઓ તેમના રાજાઓને પ્રસાદ તરીકે પ્રાણીઓની બલિ આપતા હતા. રામસેસ-2એ 1304 થી 1237 BC સુધી લગભગ 70 વર્ષ સુધી ઇજિપ્ત પર શાસન કર્યું.

ઇજિપ્તની સુપ્રીમ કાઉન્સિલ ઓફ એન્ટિક્વિટીઝના વડા મુસ્તફા વઝીરીએ જણાવ્યું હતું કે, આ શોધ લોકોને રામેસીસ-2ના મંદિર અને 2374 અને 2140 BC વચ્ચેના તેના બાંધકામથી લઈને 323 થી 30 BC સુધીના ટોલેમિક સમયગાળા સુધી થયેલી તેની પ્રવૃત્તિઓ વિશે વધુ જાણવામાં મદદ કરશે.

મીડિયાના અહેવાલ મુજબ, મમીકૃત પ્રાણીઓના અવશેષો સાથે-સાથે, પુરાતત્ત્વવિદોએ પાંચ-મીટર-જાડી (16-ફૂટ) દિવાલોવાળા મહેલના અવશેષો શોધી કાઢ્યા છે જે લગભગ 4,000 વર્ષ જૂના છે. આ શોધ દરમિયાન તેને ઘણી શિલ્પો, પ્રાચીન વૃક્ષોના અવશેષો, ચામડાના કપડાં અને બુટ પણ મળ્યા.

એબીડોસ, જે કાહિરાના દક્ષિણે નીલ નદી પર લગભગ 435 કિલોમીટરના અંતરે આવેલું છે, તે તેના મંદિરો જેમ કે સેટી-1 તેમજ નેક્રોપોલીજ માટે પ્રખ્યાત છે.

ઇજિપ્તની અર્થવ્યવસ્થામાં પર્યટન કેન્દ્રિય સ્થાન ધરાવે છે. તે નિયમિતપણે નવી પુરાતત્વીય શોધોની જાહેરાત કરતુ રહે છે. જેથી કરીને અહીં પ્રવાસનને પ્રોત્સાહન મળી શકે.

આર્થિક સંકટમાં ફસાયેલા ઇજિપ્તની અર્થવ્યવસ્થામાં પ્રવાસનનો હિસ્સો 10 ટકા છે, અને 20 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે. કોરોનાવાયરસ રોગચાળાએ ઇજિપ્તના પ્રવાસનને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. રોગચાળા પહેલા, દર વર્ષે 13 મિલિયન પ્રવાસીઓ ઇજિપ્તની મુલાકાત લેતા હતા, પરંતુ રોગચાળા દરમિયાન આ સંખ્યામાં ભારે ઘટાડો થયો હતો.

જો કે, ઇજિપ્ત ફરીથી તેના પ્રવાસનને પુનર્જીવિત કરી રહ્યું છે. ઇજિપ્તની સરકારે 2028 સુધીમાં દર વર્ષે 30 મિલિયન પ્રવાસીઓને આકર્ષવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp