PM મોદીને અમેરિકામાં સ્ટેટ ડિનરનું આમંત્રણ કેમ? વ્હાઇટ હાઉસે આપ્યો આ જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂન મહિનાના અંતમાં અમેરિકાના પ્રવાસ પર જશે. તેમના આ પ્રવાસને ઘણી બાબતે મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. એવા સમયમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ઇન્ટરનેશનલ મંચો પર વાહ વાહી લૂંટી રહ્યા છે. અમેરિકામાં એક પ્રેસ કોન્ફરન્સમાં વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્ટેટ ડિનર પર અમેરિકા આવવા કેમ આમંત્રણ આપવામાં આવ્યું છે? તો બધા આશ્ચર્યચકિત રહી ગયા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્ટેટ ડિનર પર અમેરિકા આવવાનું આમંત્રણ આપવાના એક પત્રકારના સવાલ પર વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ જણાવ્યું કે, ભારત અલગ અલગ સ્તરો પર અમેરિકાનો મજબૂત સહયોગી છે. તમે જોયું હશે કે શંગરી લા ડાયલોગમાં રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિને રાય સહયોગ બાબતે જણાવ્યું અને આપણે ભારત સાથે તેમને આગળ વધારવાની દિશામાં વધી રહ્યા છીએ. બંને દેશો વચ્ચે ખૂબ આર્થિક વેપાર પણ થઈ રહ્યો છે. ભારત પેસિફિક ક્વોડનો સભ્ય છે અને ભારત ઇન્ડો પેસિફિક સુરક્ષા બાબતે એક મહત્ત્વનો સહયોગી છે.
તેમણે આગળ કહ્યું કે, હું બીજી પણ ઘણી વાતો કહી શકું છું. ઘણા અગણિત કારણ કે ભારત એટલું મહત્ત્વ કેમ રાખે છે? માત્ર દ્વિપક્ષીય સંબંધ જ નહીં, પરંતુ બહુપક્ષીય સ્તર પર પણ મહત્ત્વ ધરાવે છે. તેની સાથે જ રાષ્ટ્રપતિ જો બાઈડેન આ તમામ મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વધુ ઊંડાણથી વાત કરવાની દિશામાં જોઈ રહ્યા છે. શું તમારું પ્રશાસન ભારતમાં લોકતંત્રની સ્થિતિને લઈને ચિંતિત છે? એમ પૂછવામાં આવતા કિર્બીએ કહ્યું કે, ભારત એક જીવંત લોકતંત્ર છે અને કોઈ પણ નવી દિલ્હી જઈને તેની ખાતરી કરી શકે છે. આપણે ક્યારેય પણ આપના વિચાર જાહેર કરવા માટે ખચકાતા નથી. આપણે પોતાના મિત્રો સાથે પોતાની ચિંતાઓ જાહેર કરતા શરમાતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ બંને દેશો વચ્ચે સંબંધોને ઊંડા કરવા, ભાગીદારી મજબૂત કરવા અને મિત્રતા આગળ વધારવા પર કેન્દ્રિત છે.
શું હોય છે સ્ટેટ ડિનર?
સ્ટેટ ડિનર અમેરિકાનું સત્તાવાર ભોજ છે. જેને અમેરિકન રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી કોઈ અન્ય દેશના રાષ્ટ્રપ્રમુખો કે વડાપ્રધાનોને સન્માન તરીકે આપે છે, પરંતુ તેનું રાજનૈતિક મહત્ત્વ અલગ છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનનું આ ત્રીજું સ્ટેટ ડિનર હશે. તેઓ આ અગાઉ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોનને ડિસેમ્બર 2022માં સ્ટેટ ડિનર આપી ચૂક્યા છે. સ્ટેટ ડિનર અમેરિકાનું સત્તાવાર ડિનર છે. તેને વ્હાઇટ હાઉસમાં આયોજિત કરવામાં આવે છે. તેમાં અમેરિકન રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી કોઈ બીજા દેશના હેડ ઓફ ગવર્નમેન્ટ માટે ડિનર હોસ્ટ કરે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ અમેરિકન ગ્લોબલ ઈનવેસ્ટમેન્ટ બેંક મોર્ગન સ્ટેનલીએ બદલાતા ભારતનો શ્રેય વડાપ્રધાન મોદીને આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp