BBCની ઓફિસો પર ઈન્કમ ટેક્સની રેડ અંગે વિદેશી મીડિયાએ જાણો શું લખ્યું

PC: twitter.com

ગત મહિને રીલિઝ થયેલી બીબીસી ડોક્યૂમેન્ટરી India: The Modi Question પર ચાલી રહેલા વિવાદની વચ્ચે ઈન્કમ ટેક્સે BBCની દિલ્હી અને મુંબઈ સ્થિત ઓફિસો પર છાપા માર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, છાપેમારી ટેક્સમાં ગડબડની તપાસને લઈને છે. મંગળવાર બપોરે શરૂ થયેલી રેડ અત્યારસુધી ચાલુ છે. દુનિયાભરના અખબારોએ BBC ઓફિસ પર રેડની ટીકા કરી છે. તેમનું કહેવુ છે કે, મોદી સરકાર આ રેડ દ્વારા BBCને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને આ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. જાણો કોણે શું કહ્યું?

બ્લૂમબર્ગ

અમેરિકા સ્થિત બ્લૂમબર્ગે BBC ઓફિસ પર રેડના ટાઈમિંગને લઈને સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે આ પ્રેસ પર ભારતનો તાજો હુમલો છે. બ્લૂમબર્ગે પોતાના એક રિપોર્ટમાં લખ્યું, ત્રણ અઠવાડિયા પહેલા બ્રિટિશ બ્રોડકાસ્ટરે સાંપ્રદાયિક દંગામાં મોદીની કથિત ભૂમિકાને લઈને એક ડોક્યૂમેન્ટરી પ્રસારિત કરી હતી. 2002માં થયેલા દંગાએ મોદીના ગૃહ રાજ્ય ગુજરાતને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલાને લઈને મોદી ઘણા સંવેદનશીલ છે. મોદીની સરકારે ડોક્યૂમેન્ટરી પર પ્રતિબંધ લગાવી દીધો અને યુનિવર્સિટીઝમાં સ્ક્રીનિંગની સાથોસાથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ક્લિપને બ્લોક કરવાનો પ્રયાસ કર્યો.

બ્લૂમબર્ગના વિસ્તૃત રિપોર્ટમાં લખવામાં આવ્યું કે, ટ્રોલ આર્મીએ BBC પર ટેક્સ સંબંધી રેડ પર ખુશી વ્યક્ત કરી છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું, મોદીની સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના સરકારી પ્રવક્તા અને નેતા BBC વિરુદ્ધ ઔપનિવેશિક માનસિકતા બનાવી રાખવાનો આરોપ લગાવી રહ્યા છે. તેઓ BBC વિરુદ્ધ એક હવા બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

ગાર્ડિયન

બ્રિટનના પ્રમુખ અખબાર ધ ગાર્ડિયને રેડને લઈને કહ્યું કે, મોદી પર ગુજરાત દંગામાં સંલિપ્તતાના આરોપ લાગતા રહ્યા છે અને તેને લઈને અમેરિકાએ તેમને લગભગ એક દાયકા સુધી પ્રતિબંધિત કરી દીધા હતા. અખબારે લખ્યું કે, BBCએ નાનકડું નિવેદન જાહેર કરીને કહી રહ્યું છે કે, તે તપાસમાં સહયોગ કરી રહ્યું છે. બ્રિટનની સરકારે રેડને લઈને હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી. રિપોર્ટમાં આગળ લખવામાં આવ્યું કે, બ્રિટનના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, તેમણે BBC સાથે વાત કરી હતી. જ્યારે આવી ઘટનાઓની વાત આવે છે તો BBC પહેલા પણ રાજકીય સમર્થન લેવાનો ઈન્કાર કરતું રહ્યું છે. તે એ દર્શાવવાનો પ્રયત્ન કરે છે કે સંસ્થા બ્રિટિશ સરકારથી અલગ છે.

અલઝઝીરા

કતર સ્થિત અલઝઝીરાએ પોતાના એક રિપોર્ટના હેડિંગમાં લખ્યું, મોદી પર ડોક્યૂમેન્ટરી પર વિવાદની વચ્ચે BBCની ઓફિસો પર ઈન્કમ ટેક્સની રેડ.

અલઝઝીરાએ પોતાના રિપોર્ટમાં લખ્યું, YouTube અને ટ્વીટર પર ડોક્યુમેન્ટરીના પ્રસારને રોકવાના સરકારના પ્રયાસોએ 2024ની સામાન્ય ચૂંટણીઓ પહેલા મોદી માટે એક રાજકીય સંક્ટ પેદા કર્યું છે. અધિકારીઓએ પણ નવી દિલ્હીમાં પોલીસ સાથે મળીને ડોક્યૂમેન્ટરીનું સ્ક્રીનિંગ અટકાવવાનો પ્રયત્ન કર્યો છે. સ્ક્રીનિંગ માટે ભેગા થયેલા વિદ્યાર્થીઓની પણ પોલીસે ધરપકડ કરી છે.

ન્યૂયોર્ક ટાઇમ્સ

અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત ન્યૂયોર્ક ટાઇમ્સે એક રિપોર્ટમાં લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે BBCની ડોક્યૂમેન્ટરી પર પ્રતિબંધ લગાવ્યા બાદ તેની ઓફિસો પર રેડ કરી. ડોક્યૂમેન્ટરીમાં દેશના મુસ્લિમ અલ્પસંખ્યકોની સાથે મોદી સરકારના વ્યવહારની ટીકા કરવામાં આવી હતી.

ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું, મોદીના શાસનમાં ભારતીય અધિકારીઓએ અવારનવાર સ્વતંત્ર મીડિયા સંગઠનો, માનવાધિકાર સમૂહો અને થિંક ટેંકો વિરુદ્ધ આ પ્રકારની રેડની કાર્યવાહી કરી છે. આ સંસ્થાઓના કાર્યકર્તાઓનું કહેવુ છે કે, આ તેમના ફંડિંગના સ્ત્રોતોને નિશાન બનાવીને તેમનો અવાજ દબાવવાનો ભારત સરકારનો એક પ્રયાસ છે. માનવાધિકાર સમૂહોએ વારંવાર પ્રેસની ઘટતી સ્વતંત્રતા વિશે ચિંતા વ્યક્ત કરી છે. ભારતમાં પત્રકારો અને કાર્યકર્તાઓને લાંબા સમય માટે જેલમાં મોકલી આપે છે.

સમાચાર એજન્સી એપી

અમેરિકા સ્થિત સમાચાર એજન્સી એપીએ લખ્યું, ઈન્કમ ટેક્સની રેડને BBC ડોક્યૂમેન્ટરી સાથે જોડી છે. એપીએ પોતાના એક રિપોર્ટમાં લખ્યું કે, મોદીની પાર્ટીના ઘણા સાંસદોએ ડોક્યૂમેન્ટરીને દેશની સંપ્રભુતા પર હુમલો ગણાવ્યો છે. ગત અઠવાડિયે, હિંદુ દક્ષિણપંથી રાષ્ટ્રવાદીઓએ BBC પર પૂર્ણ પ્રતિબંધ લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેને કોર્ટે રદ્દ કરી દીધી હતી.

રિપોર્ટમાં લખવામાં આવ્યું, હ્યુમન રાઈટ્સ વોચે કહ્યું કે, ડોક્યૂમેન્ટરી પર પ્રતિબંધ લગાવવો મોદી સરકારમાં અલ્પસંખ્યકો પર વ્યાપક કાર્યવાહીને દર્શાવે છે, જેના વિશે માનવાધિકાર સમૂહે કહ્યું કે ટીકાને દબાવવા માટે મોટાભાગે કડક કાયદાનો સહારો લેવામાં આવે છે. હાલના વર્ષોમાં, ભારતના મુસ્લિમ અલ્પસંખ્યક હિંદુ રાષ્ટ્રવાદીઓની હિંસાનો નિશાનો બને છે. મોદીએ 2014માં વડાપ્રધાન બન્યા બાદથી આ પ્રકારના હુમલા પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

એપીના રિપોર્ટમાં આગળ લખ્યું છે, હાલના વર્ષોમાં ભારતમાં પ્રેસ સ્વતંત્રતામાં સતત ઘટાડો આવ્યો છે. મીડિયા વોચડોગ ગ્રુપે મોદી સરકાર પર એક વ્યાપક ઈન્ટરનેટ કાયદા અંતર્ગત સોશિયલ મીડિયા પર ટીકાને સમાપ્ત કરવાનો આરોપ લગાવ્યો છે. સરકારનો આ કાયદો ટ્વીટર, ફેસબુક સહિત ડિજિટલ પ્લેટફોર્મને ડાયરેક્ટ સરકારની દેખરેખમાં રાખે છે.

ડૉન

પાકિસ્તાનના પ્રમુખ અખબાર ડૉને પોતાના એક રિપોર્ટમાં લખ્યું કે, PM મોદીના સત્તામાં આવ્યા બાદ ભારતમાં પ્રેસ સ્વતંત્રતા ઓછી થઈ છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું, માનવાધિકાર કાર્યકર્તાઓનું કહેવુ છે કે, સૌથી મોટા લોકતંત્રમાં પ્રેસની સ્વતંત્રતાને મોદીના કાર્યકાળમાં નુકસાન ઉઠાવવુ પડ્યું છે. પત્રકારોની સાથોસાથ દેશના વિપક્ષી દળોએ પણ BBC ઓફિસો પર રેડને બદલાની કાર્યવાહી અને અઘોષિત ઈમરજન્સી કહી છે. રેડે ભારતમાં સેન્સરશિપની આશંકા વધારી દીધી છે.

અખબારે રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સની તરફથી જાહેર વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સમાં ભારતની ઘટતી રેન્કની વાત કહી છે. કહેવામાં આવ્યું છે કે, 2014 બાદથી ભારત પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સમાં 10 અંક નીચે આવીને 180 દેશોના લિસ્ટમાં 150માં સ્થાન પર આવી ગયુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp