- Gujarat
- સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં આવે છે. 1931ના રોજ માતૃભૂમિ ખાતર શહિદ થયેલા ભગતસિંઘ, સુખદેવ અને રાજગુરૂને અંગ્રેજો દ્વારા આ દિવસે ફ્રાંસી અપાઈ હતી. આ વર્ષે 23 માર્ચ 2025નાં રોજ વીરાંજલિ સમિતિ દ્વારા આયોજિત વીરાંજલિ 2.0 નામે એક મેગા મલ્ટીમીડીયા શો રજૂ કરવામાં આવશે. છેલ્લા અનેક વર્ષોથી વીરાંજલિ સમિતિ ડાયરાના માધ્યમથી લોકોને શહિદો અને ક્રાંતિવીરોની વાતોને લોકો સુધી પહોંચાડતું આવ્યું છે. વર્ષ 2022થી આ કાર્યક્રમે એક મેગા મ્યુઝિકલ ડ્રામાનું સ્વરૂપ ધારણ કર્યું જેમાં 100 કલાકારો દ્વારા ક્રાંતિવીરોની દાસ્તાનને એક અલગ રીતે રજૂ કરાયું. આ કાર્યક્રમથી સમગ્ર ગુજરાતમાં દેશભક્તિનો એક અનોખો જૂવાળ ઉભો થયો હતો, જે કાર્યક્રમને 7 લાખથી વધુ લોકોએ પ્રત્યક્ષ નિહાળ્યો અને લાખો લોકોએ ઓનલાઈન માણ્યો. ત્યાર બાદ વર્ષ 2024માં સાણંદ ખાતે વીરાંજલિ મ્યુઝિકલમાં અંદાજે 30 હજારથી વધુ લોકોએ શહિદો પર લખાયેલી પ્રથમ આરતી સાથેનો સંગીતમય કાર્યક્રમ માણ્યો હતો.

વર્ષ 2025માં સાણંદ ખાતે ફરી એકવાર વીરાંજલિ 2.0 આવી રહ્યું છે જેમાં 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની ક્યારેય ન સાંભળી હોય કે ન ભણાવવામાં આવી હોય તેવી શોર્ય ગાથાને રજૂ કરશે. વીરાંજલિ 2.0માં સાવરકરજી, વીર વિનોદ કીનારી વાલાજી, ભારતની પ્રથમ મહિલા જાસૂસ કેપ્ટન નીરા આર્ય, બિહારના ક્રાંતિવીર કુંવરસિંહ તેમજ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુના કિરદારો મંચસ્થ થશે. આ કાર્યક્રમમાં ભગતસિંધના ભત્રીજા કિરણજીતસિંહ(ચંદીગઢ) સુખદેવજીના ભત્રીજા અનુજ થાપર (સોનાપત) તેમજ રાજગુરુજીના સ્વજન સત્યશીલ રાજગુરુ તેમજ વીર વિનોદ કિનારીવાલાના પરિજનો પણ અતિથિ વિશેષ તરીકે વીરાંજલિ નિહાળવા માટે ખાસ ઉપસ્થિત રહેશે.

આ સમગ્ર કાર્યક્રમની પટકથા સાંઈરામ દવે એ લખી છે. ડિરેક્ટર વિરલ રાચ્છ દ્વારા તેનું દિગ્દર્શન થયું છે તેમજ બોલીવુડ સિંગર નકાશ અજીજ. પાર્શ્વગાયક કિર્તીદાન ગઢવી, પાર્થિવ ગોહિલ, હિમાની કપુર તેમજ સાંઈરામ દવેએ પોતાનો સ્વર આપ્યો છે. પ્રખ્યાત મ્યુઝિક ડાયરેક્ટર રાહુલ મુંજારીયાએ સંગીત પીરસ્યું છે તથા કોરિયોગ્રાફી ફુલદીપ શુક્લએ કરી છે. આ કાર્યક્રમ તદ્દન નિઃશૂલ્ક રહેશે પરંતુ પ્રવેશ માટે પાસ મેળવવા ફરજીયાત છે. છેલ્લા 17 વર્ષથી યુવાનોમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાના ઉમદા હેતુથી વીરાંજલિનું આયોજન દર વર્ષે થાય છે. જાણીતા ક્રાંતિવીરોના જીવન અને કવનની કેટલીક અજાણી વાતો આ કાર્યક્રમમાં રજૂ થશે. રાષ્ટ્રપ્રેમથી છલકતા ગીત-સંગીત અને અભિનયને માણવા માટે ગુજરાતની દેશભક્ત જનતાને બહોળી સંખ્યામાં પધારવાનું વીરાંજલિ સમિતિ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવેલ છે.
Top News
પંજાબ સરકારની બુલડોઝર કાર્યવાહી પર AAPના જ બે નેતા હરભજન-સોમનાથ ભારતી આમને-સામને થયા
ભારતની સૌથી સસ્તી EV કાર માત્ર રૂ. 4.99 લાખમાં લોન્ચ, નવા ફીચર્સ સાથે 230 Kmની રેન્જ
શું કોંગ્રેસ ગુજરાતના નાગરિકોની લાગણીઓ સમજી શકશે અને શું ભાજપ લાગણીઓની જાળવણી કરી શકશે?
Opinion
34.jpg)