- Lifestyle
- જીવનમાં મિત્રતા તૂટવાના કારણો...
જીવનમાં મિત્રતા તૂટવાના કારણો...

(ઉત્કર્ષ પટેલ)
"विवादो धनसम्बन्धो याचनं चातिभाषणम्* ।
आदानमग्रतः स्थानं मैत्रीभङ्गस्य हेतवः ।।"
આ સંસ્કૃત શ્લોકનો અર્થ છે વાદ-વિવાદ, ધન માટે સંબંધ બનાવવો, માગણી કરવી, વધુ પડતું બોલવું, લેવડ-દેવડ અને આગળ નીકળવાની ઇચ્છા આ બધાં મિત્રતા તૂટવાનાં કારણો બની શકે છે.
મિત્રતા એ જીવનનો એક અમૂલ્ય ખજાનો છે પરંતુ આવાં કેટલાંક વર્તન અને સંજોગો તેને નબળી પાડી શકે છે. ચાલો આ દરેક કારણને સંક્ષિપ્તમાં સમજીએ.

પહેલું કારણ છે વાદ-વિવાદ:
મિત્રો વચ્ચે મતભેદ થવો સ્વાભાવિક છે પરંતુ જ્યારે આ મનભેદના વિવાદમાં ફેરવાય છે અને અહંકારનો પ્રશ્ન બની જાય છે ત્યારે મિત્રતા પર આઘાત પડે છે. નાની નાની બાબતોમાં એકબીજાને ટોણો મારવો/દલીલ કરવી અને પોતાને સાચા સાબિત કરવાની જીદ મિત્રતાના મૂળમાં ઝેર રેડી શકે છે.

બીજું કારણ છે ધનને લગતા સંબંધો:
જ્યારે મિત્રતા અપેક્ષા લેતી દેતી નફાનુકસાનના હિસાબ પર ટકે છે ત્યારે તેનું સાચું સ્વરૂપ ખતમ થઈ જાય છે. આર્થિક લાભ માટે મિત્રતા બનાવવી એ લાંબા ગાળે નુકસાનકારક સાબિત થાય છે.

ત્રીજું કારણ છે યાચના:
એટલે કે વારંવાર કંઈક માગવું. મિત્રો એકબીજાને મદદ કરે એ સારી વાત છે પરંતુ જો એક મિત્ર સતત માગણીઓ કરતો રહે તો બીજો મિત્ર થાકી જાય છે. આવી એકતરફી અપેક્ષાઓ મિત્રતામાં તિરાડ પેદા કરે છે.
ચોથું કારણ છે અતિભાષણ:
એટલે કે વધુ પડતું બોલવું. કેટલાક લોકો બીજાની વાત સાંભળવાને બદલે પોતે જ બોલતા રહે છે. પોતેજ ખરા અને પોતેજ બધું આવું વર્તન મિત્રને નારાજ કરી શકે છે અને સંબંધમાં અંતર લાવે છે.

પાંચમું કારણ છે આદાન:
એટલે કે ઉછીનું / લેવડ-દેવડની બાબતો. મિત્રો વચ્ચે નાની-મોટી લેવડ-દેવડ થતી રહે પરંતુ જો એક મિત્ર હંમેશાં લેવાની ટેવ રાખે અને આપવાનું ભૂલી જાય તો સંબંધમાં અસંતુલન સર્જાય છે.
છેલ્લું કારણ છે અગ્રતઃ સ્થાનમ્, એટલે કે આગળ નીકળવાની ઇચ્છા. જ્યારે મિત્રો વચ્ચે સ્પર્ધા શરૂ થાય છે અને એક બીજાને પાછળ રાખવાનો પ્રયાસ કરે છે ત્યારે મિત્રતા ઈર્ષ્યા અને દ્વેષમાં ફેરવાઈ જાય છે.
અગત્યનું...
જીવનમાં હંમેશા એટલું ધ્યાન રાખજો કે,
મિત્રતા ટકાવવા માટે એકબીજા પ્રત્યે સમજણ, વિશ્વાસ અને સન્માન જરૂરી છે. આ શ્લોક આપણને એ શીખવે છે કે આપણે આવી ભૂલો ટાળીએ તો મિત્રતા જેવો સુંદર સંબંધ જીવનભર ટકી શકે છે.
સૌના જીવનમાં જીવનભર પ્રભુ શ્રી રામ અને હનુમાનજી મહારાજ તથા શ્રી કૃષ્ણ અને સુદામા જેવા મૈત્રી પ્રસંગો અને આત્મીયતા રહે એજ ભાવ સાથે સૌને મારા જય સીયારામ
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)
Related Posts
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ATMમાંથી પૈસા ઉપાડવાનું થશે હવે મોંઘુ, RBIએ 2 રૂપિયા ચાર્જ વધાર્યો
‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?
Opinion
