- National
- 'જાતિ ખબર ન પડે તે માટે યુનિફોર્મ પર અટક ન લખો', SPએ આ આદેશ કેમ આપ્યો?
'જાતિ ખબર ન પડે તે માટે યુનિફોર્મ પર અટક ન લખો', SPએ આ આદેશ કેમ આપ્યો?

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં પોલીસકર્મીઓને તેમના અટકનો ઉપયોગ ટાળવાની સૂચના આપવામાં આવી છે. જેથી તેમની જાતિ જાણી ન શકાય. રાજ્યમાં આ પ્રકારનો નિર્ણય પહેલી વાર લેવામાં આવ્યો છે. એવી સૂચનાઓ છે કે, પોલીસકર્મીઓએ તેમના ગણવેશ પર પોતાનું પૂરું નામ ન લખવું જોઈએ, અને ફક્ત પ્રથમ નામ લખવું જોઈએ. આ ઉપરાંત, પોલીસ અધિકારીઓના ડેસ્ક પર અટક વગરના નેમપ્લેટ લગાવવામાં આવશે. પોલીસનું કહેવું છે કે, 'જાતિય તણાવ' ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
બીડના પોલીસ અધિક્ષક (SP) નવનીત કવતે આ આદેશ બહાર પાડ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, મસાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યા કરવામાં આવી હતી. આ કારણે આ વિસ્તારમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા. આ ઘટના પછી, SP કવતે જાન્યુઆરી મહિનામાં ચાર્જ સંભાળ્યો હતો.
સંતોષ દેશમુખ મરાઠા હતા. તેમના હત્યા કેસમાં મોટાભાગના આરોપીઓ OBC વણજારી સમુદાયના છે. આ ઘટના પછી, OBC અને મરાઠા સમુદાયો વચ્ચે કડવાશ ઉભી થઈ. અનામતના મુદ્દા પર બંને સમુદાયો વચ્ચે પહેલાથી જ તણાવપૂર્ણ પરિસ્થિતિ હતી. આ હત્યા પછી NCP (DyCM અજીત પવાર) પાર્ટીના નેતા ધનંજય મુંડેએ મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું.

બીડ પોલીસના પ્રવક્તા અને સહાયક પોલીસ નિરીક્ષક સચિન ઇંગલેએ આ અંગે મીડિયા સૂત્ર સાથે વાત કરી. તેમણે કહ્યું કે, બીડના SPએ જિલ્લાના તમામ પોલીસકર્મીઓને એકબીજાને તેમના પહેલા નામથી બોલાવવા સૂચના આપી છે.
પોલીસને પડતી સમસ્યાઓ વિશે વાત કરતાં, ઇંગલે કહે છે કે, 'જો મરાઠા સમુદાયનો કોઈ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરે છે અને ટ્રાફિક પોલીસ તેને પકડી લે છે, તો તે વ્યક્તિ પહેલા યુનિફોર્મ પર પોલીસકર્મીનું નામ જુએ છે. જો પોલીસકર્મી OBC સમુદાયનો હોય, તો ઉલ્લંઘન કરનાર આરોપ લગાવે છે કે, તેને મરાઠા હોવાને કારણે ધરપકડ કરવામાં આવી છે. જ્યારે OBC સમુદાયનો કોઈ વ્યક્તિ પકડાય છે ત્યારે પણ આવું જ થાય છે. અટકને કારણે બિનજરૂરી ચર્ચા ચાલી રહી છે. એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.'
મરાઠા સમુદાયે પોલીસના આ નિર્દેશનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું છે કે, તેનો અમલ સમગ્ર મહારાષ્ટ્રમાં થવો જોઈએ. જ્યારે, OBC સમુદાયે કહ્યું છે કે આ સાથે, પોલીસની માનસિકતામાં પણ પરિવર્તન આવવું જોઈએ.

વિનોદ પાટિલ 'મરાઠા ક્રાંતિ મોરચા'ના સભ્ય છે. તેઓ સુપ્રીમ કોર્ટમાં પોતાના સમુદાય માટે અનામતની માંગણી કરતો કેસ લડી રહ્યા છે. તેમણે કહ્યું કે, 'પોલીસ વિભાગ એકમાત્ર એવો વિભાગ છે જ્યાં કોઈ સંઘ કે જૂથવાદ નથી. અમે એ પણ ઇચ્છીએ છીએ કે, પોલીસ તટસ્થ રહે અને ગુનેગારો સાથે ગુનેગારો તરીકે વ્યવહાર કરે, કોઈ ચોક્કસ સમુદાયના લોકો તરીકે નહીં. જ્યારે પોલીસ દળ સ્વતંત્ર બનશે અને તેની ઓળખાણ જાતિ કે ધર્મથી નહીં થાય, ત્યારે તે યોગ્ય નિર્ણયો લેવામાં અને આપણા બંધારણને જાળવવામાં મદદ કરશે. અમે બીડ SPના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ અને CM દેવેન્દ્ર ફડણવીસને વિનંતી કરીએ છીએ કે, તેઓ (તમામ) પોલીસ અધિકારીઓના નામ પ્લેટ અને ગણવેશમાંથી અટક દૂર કરે.'
આ મામલે OBC નેતા હરિભાઉ રાઠોડે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, 'બીડ SPનો ઈરાદો સારો છે, પરંતુ આ અડધે મનથી લેવાયેલું પગલું લાગે છે. પ્રથમ નામનો ઉપયોગ કરવો ઠીક છે, પણ પોલીસ દળની માનસિકતા કેવી રીતે બદલવી? કેટલાક પોલીસકર્મીઓ એવા છે જે ગુનેગારોને જાતિના ચશ્માથી જુએ છે. ખાખી વર્દી પહેરતી વખતે, પોલીસે પોતાની જાતિ ઘરે છોડી દેવી જોઈએ. તેણે ત્રીજા અમ્પાયરની જેમ વર્તવું જોઈએ અને સંપૂર્ણપણે સ્વતંત્ર નિર્ણયો લેવા જોઈએ અને કોઈનો પક્ષ લેતા જોવા ન જોઈએ.'
OBC નેતા હરિભાઉ રાઠોડે સૂચન કર્યું કે, પોલીસને તાલીમ સત્રો દ્વારા આ મુદ્દા વિશે જાગૃત કરવા જોઈએ.
Related Posts
Top News
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો
Opinion
