કેરીની આવક વધવાને કારણે ગયા વર્ષની સરખામણીએ ભાવમાં 40 ટકાનો ઘટાડો
આ વખતે માર્ચ અને એપ્રિલ મહિનામાં માવઠાંને કારણે કેરીના પાકને ભારે નુકશાન થશે અને પાક ઓછો આવશે એવી ભીતિ સેવાઇ રહી હતી, પરંતુ જાણવા મળેલી વિગત મુજબ આ વખતે કેરીનો બમ્પર પાક ઉતર્યો છે અને તેને કારણે ગયા વર્ષની સરખામણીએ કેરીના ભાવમાં 40 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. જાણકારોનું કહેવું છે કે હજુ કેરીની આવક વધી રહી છે એ જોતા લોકોને સસ્તી કેરી ખાવા મળી શકશે.
કેરીના એક વેપારીએ કહ્યુ હતું કે ગયા વર્ષની સરખામણીએ આ વખતે કેરીના આવક ખાસ્સી વધી છે જેને કારણે ભાવમાં પણ 35થી 40 ટકાનો ઘટાડો છે. કેરીના વેપારીએ કહ્યું કે ગયા વર્ષે 2022માં જે રાજાપુરી કેરી મણ દીઠ 2000-2200ના ભાવે મળી રહી હતી તે આ વખતે 1200થી 1400 રૂપિયામાં મળી રહી છે. જે રત્નાગીરી હાફુસ ગયા વર્ષે 4000-5000માં મળતી હતી તે આ વખતે 1800થી 2000 રૂપિયામાં મળી રહી છે.
એ જ રીતે કેસર કેરી જે ગયા વર્ષે 3000-4000માં મળતી હતી તેનો આ વખતે 1600થી 1800 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. રત્નાગીરી પાયરી જે 4000 રૂપિયામાં ગયા વર્ષે વેચાતી હતી તે આ વખતે 1500થી 2000 રૂપિયામાં વેચાઇ રહી છે.
ઉનાળામાં કેરીની સિઝન આવતી હોય છે અને લગભગ એપ્રિલથી જૂનના બીજા સપ્તાહ સુધી લોકો કેરીની મજા માણતા હોય છે. રાજ્યમાં જુદી જુદી જાતની કેરીઓ બજારમાં આવતી હોય છે તેમાં કેસર કેરી, હાફુસ કેરી,રાજાપુરી, લંગડો,પાયરી એવી અનેક જાતો જોવા મળતી હોય છે, પરંતુ કેસર, હાફુસ, રાજાપુરી લોકોને વધારે પસંદ હોય છે. કેસર કેરી જૂનાગઢના તાલાલા અને અમરેલી જિલ્લામાંથી વધારે આવતી હોય છે. દક્ષિણ ગુજરાતનું વલસાડ હાફુસ કેરી માટે જાણીતું છે. આ વખતે માર્ચ અને એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડુતોને પણ ચિંતા હતી કે કેરીના પાકને નુકશાન થશે, પરુંતે તેને બદલે કેરીનો પાક વધારે ઉતર્યો છે. આવક વધવાને કારણે કેરીના ભાવો પણ ઘટવા માંડ્યા છે.
કેરી એવું ફળ છે જે દરેક વયના લોકોને ભાવે છે અને માત્ર ભારતમા જ નહીં, પરંતુ વિદેશમાં વસતા લોકો પણ ભારતની કેરીનો સ્વાદ માણે છે. કેરીના વેપારીઓનું કહેવું છે કે હજુ તો સિઝનની શરૂઆત છે આગળ જતા કેરીના ભાવ હજુ ઘટે તેવી સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp