PMએ કરોડો લોકોને મફત અનાજ,ગેસ સિલિન્ડર આપ્યા, ખેડૂતોના નફા પરનો વેરો નાબૂદ કર્યો

PC: PIB

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે બહુ-રાજ્ય સહકારી મંડળીઓ (સુધારા) બિલ, 2022 પર થયેલી ચર્ચાનો જવાબ આપ્યો હતો. લોકસભાએ ચર્ચા કર્યા પછી આ બિલ પસાર કર્યું હતું. લોકસભામાં આ બિલ પર ચર્ચાનો જવાબ આપતા સહકારિતા મંત્રીએ કહ્યું કે, PM નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્રીય કૅબિનેટે બહુ-રાજ્ય સહકારી મંડળીઓમાં પારદર્શિતા, જવાબદારી અને નફો વધારવા માટે આ બિલને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે, આ બિલમાં નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે ચૂંટણી સુધારા લાગુ કરવા ચૂંટણી સત્તામંડળ માટે જોગવાઈ કરવામાં આવી છે અને આ ચૂંટણી ઑથોરિટી ચૂંટણી પંચ જેટલી જ શક્તિશાળી હશે અને તેમાં સરકારી હસ્તક્ષેપ નહીં થાય. આ ઉપરાંત બૉર્ડમાં એક તૃત્યાંશ ખાલી જગ્યા ઉભી થાય તો ખાલી પડેલી જગ્યાઓ માટે ફરી ચૂંટણી યોજવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે બૉર્ડ મીટીંગોમાં શિસ્ત અને સહકારી મંડળીઓની સુચારુ કામગીરીની પણ જોગવાઇઓ છે. સમિતિઓના ચેરમેન, વાઈસ ચેરમેન અને સભ્યોએ 3 મહિનામાં બૉર્ડ મીટિંગ બોલાવવાની રહેશે. તેમણે કહ્યું કે સહકારી મંડળીનાં શાસનમાં પારદર્શકતા લાવવા માટે ઈક્વિટી શેરધારકોને બહુમતી આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, સમિતિઓમાં એક અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ અને એક મહિલાને અનામતની જોગવાઈ આ ખરડામાં કરવામાં આવી છે, જેનાથી સમિતિઓમાં આ વર્ગોનું પ્રતિનિધિત્વ વધશે. તેમણે કહ્યું હતું કે, વિવિધ બંધારણીય જરૂરિયાતોનું પાલન ન કરવાથી બૉર્ડના સભ્યોને ગેરલાયક ઠેરવી શકાય છે. અમિત શાહે જણાવ્યું હતું કે, કર્મચારીઓની ભરતી પ્રક્રિયામાં કોઈને પણ લોહીના સંબંધ કે દૂરના સંબંધમાં નોકરી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે આ બિલમાં માહિતી અધિકારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ કહ્યું કે આ ગૃહ દ્વારા આ બિલ પસાર થવાથી દેશની સહકારી ચળવળમાં એક નવા યુગની શરૂઆત થશે. કેન્દ્રીય સહકારિતા મંત્રીએ PM નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સહકારિતા મંત્રાલયે દેશમાં સહકારી સંસ્થાઓને મજબૂત કરવા માટે લીધેલાં વિવિધ પગલાંની જાણકારી પણ લોકસભામાં આપી હતી. તેમણે કહ્યું કે આઝાદીથી, દેશમાં સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકો ઈચ્છતા હતા કે કેન્દ્ર સરકાર દ્વારા કોઓપરેટિવને મહત્વ આપવામાં આવે અને અલગથી સહકારિતા મંત્રાલયની રચના કરવામાં આવે. શાહે જણાવ્યું હતું કે, દાયકાઓ જૂની આ માગણી પૂર્ણ કરીને PM મોદીએ અલગ સહકારિતા મંત્રાલયની રચના કરી હતી.

અમિત શાહે જણાવ્યું હતું કે, ભારતમાં સહકારી આંદોલન લગભગ 115 વર્ષ જૂનું છે અને આ ચળવળે દેશને અમૂલ, ક્રિભકો, ઇફ્કો જેવાં અનેક મહત્ત્વપૂર્ણ ઉદ્યોગસાહસો આપ્યાં છે, જે અત્યારે લાખો લોકો માટે રોજગારીનો સ્ત્રોત છે. તેમણે કહ્યું કે છેલ્લાં 75 વર્ષમાં સહકારી મંડળીઓ પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી, ન તો દેશની સંસદમાં રાષ્ટ્રીય અથવા રાજ્ય સ્તરે આ અંગે કોઈ મંથન કરવામાં આવ્યું છે. અમિત શાહે જણાવ્યું હતું કે, સહકારિતા મંત્રાલયની રચના પછી આગામી 25 વર્ષમાં સહકારી ક્ષેત્ર ફરી એકવાર દેશના વિકાસમાં મજબૂત યોગદાન આપશે.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, PM મોદીનાં નેતૃત્વમાં છેલ્લાં બે વર્ષમાં દેશનાં સહકારી ક્ષેત્રમાં ઘણાં મોટાં પરિવર્તનો આવ્યાં છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે પીએસીએસને પુનર્જીવિત કરવા, તેને વ્યવહારિક અને બહુપરિમાણીય બનાવવા માટે અનેક પ્રયાસો કર્યા છે. તેમણે કહ્યું કે PM મોદીએ દેશભરમાં 63 હજાર PACSનાં કમ્પ્યૂટરાઈઝેશનનું કામ 2500 કરોડના ખર્ચે કર્યું છે. તેનાથી પીએસીએસનું જિલ્લા સહકારી બૅન્કો, રાજ્ય સહકારી બૅન્કો અને નાબાર્ડ સાથે જોડાણ સુનિશ્ચિત થશે. અમિત શાહે જણાવ્યું હતું કે, કમ્પ્યૂટરાઈઝેશન પછી પીએસીએસનાં ઑડિટની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન થઈ જશે અને તેઓ અનેક પ્રકારના વ્યવસાયો કરી શકશે. તેમણે કહ્યું હતું કે, મોદી સરકારે PACS માટે મૉડલ પેટા-કાયદાઓ તૈયાર કરીને તમામ રાજ્યોમાં મોકલ્યા હતા અને બંગાળ અને કેરળને બાદ કરતાં તમામ રાજ્યોએ તેનો સ્વીકાર કર્યો છે અને આજે દેશભરમાં પીએસીએસ સમાન કાયદા હેઠળ ચાલી રહ્યા છે. અમિત શાહે જણાવ્યું હતું કે, હવે PACS એફપીઓની કામગીરી પણ કરી શકશે અને 1100 PACSની નોંધણી એફપીઓ તરીકે થઈ ચૂકી છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, PM મોદીએ દેશનાં કરોડો લોકોને ગેસ સિલિન્ડર આપ્યા છે અને હવે પીએસીએસ LPG વિતરણનું કામ પણ કરી શકશે. એ જ રીતે, PM મોદી દેશના કરોડો લોકોને મફત અનાજ આપી રહ્યા છે અને હવે પીએસીએસ રિટેલ આઉટલેટ્સ તરીકે પણ કામ કરી શકશે. હવે પીએસીએસ પણ જનઔષધિ કેન્દ્રો ચલાવી શકશે અને પાણી સમિતિ તરીકે કાર્યરત રહીને પાણી વિતરણની કામગીરી કરી શકશે. તેમણે કહ્યું હતું કે, PM મોદીએ પીએસીએસને સ્ટોરેજ સિસ્ટમ સાથે જોડ્યા છે અને હવે તે સ્ટોરેજમાં પણ વ્યસ્ત રહેશે. અમિત શાહે જણાવ્યું હતું કે, આ અંદાજપત્રમાં PM મોદીએ વર્ષોથી સહકારી મંડળીઓ સાથે થયેલા અન્યાયનો અંત આણ્યો છે તથા સહકારી અને કોર્પોરેટ કરવેરાને સમાનતા પર લાવ્યા છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને ઉત્તર પ્રદેશના ખેડૂતો સહકારી ખાંડ મિલોને તેમની શેરડી વેચે છે, પરંતુ તેના પર 30 ટકા આવકવેરો લાદવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, PM મોદીએ ખેડૂતોના નફા પરનો વેરો સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો છે અને એટલું જ નહીં, અગાઉ ભરાયેલો વેરો પણ પરત કરવાની જોગવાઈ કરી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ કહ્યું કે, મોદી સરકારે સહકારી સંસ્થાઓને મજબૂત કરવા માટે 3 નવી મલ્ટી સ્ટેટ સોસાયટીઝ બનાવવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ સોસાયટી ખેડૂતોનાં ઉત્પાદનની નિકાસ માટે એક મંચ તરીકે કાર્ય કરશે. બીજી સોસાયટી નાના ખેડૂતોને બિયારણનાં ઉત્પાદન સાથે જોડશે અને આ દ્વારા 1 એકર જમીન ધરાવતા ખેડૂતો પણ બિયારણનાં ઉત્પાદન સાથે જોડાઈ શકશે. ત્રીજી સોસાયટી દેશ અને વિશ્વમાં ખેડૂતોનાં જૈવિક ઉત્પાદનોનું માર્કેટિંગ કરીને ખેડૂતોને તેમનાં ઉત્પાદન માટે યોગ્ય ભાવ પ્રદાન કરશે. અમિત શાહે જણાવ્યું હતું કે, આ ઉપરાંત PM નરેન્દ્ર મોદીએ આગામી દિવસોમાં સહકારી શિક્ષણ માટે એક સહકારી યુનિવર્સિટીની સ્થાપના કરવાનો નિર્ણય પણ લીધો છે. PM નરેન્દ્ર મોદી દ્વારા ટૂંક સમયમાં રાષ્ટ્રીય સહકારી ડેટાબેઝ પણ શરૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, 2003થી 2020 વચ્ચે દેશમાં ક્યારેય રાષ્ટ્રીય સહકારી નીતિ નહોતી, પરંતુ PM મોદીનાં નેતૃત્વમાં આ વર્ષે દિવાળી પહેલાં નવી રાષ્ટ્રીય સહકારી નીતિ ઘડવામાં આવશે, જે આગામી 25 વર્ષ માટે સહકારી મંડળીઓનો નકશો દેશની સામે મૂકશે.

અમિત શાહે જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીએ છેલ્લાં 9 વર્ષમાં દેશનાં કરોડો લોકોને ગરીબીમાંથી મુક્ત કરાવવા પ્રયાસ કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં રોજગારીનું સર્જન કરવા માટે કૃષિ અને સહકારી સંસ્થાઓ જ એકમાત્ર ઉપાય છે અને આ માટે PMએ અલગથી સહકારિતા મંત્રાલયની રચના કરી છે. સભ્યોની ચૂંટણી પ્રક્રિયામાં સુધારો, સોસાયટીમાં પારદર્શકતા લાવવી, મોનિટરિંગ સિસ્ટમને મજબૂત કરવી અને ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ- વેપાર-વાણિજ્ય કરવામાં સરળતા જેવા વિષયો માટે વિસ્તૃત જોગવાઈઓ આ બિલમાં કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp