પૂર્વ CM રૂપાણીનું વચન પૂરું ન થયું, જ્યાં ઘર તેમાં નળ યોજના 2022માં પૂરી ન થઈ

PC: twitter.com

(દિલીપ પટેલ) ભાજપની સરકારના તત્કાલિક મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 7 માર્ચ 2021માં ગુજરાતની પ્રજાને વચન આપ્યું હતું કે, 'નલ સે જલ તક' યોજનામાં 2022ના અંતે એક પણ ઘર બાકી નહીં રહે. ઝુપડપટ્ટીના દરેક ઘરમાં નળ હશે. પાણી જન્ય રોગથી પ્રજાને મુક્તિ અપાવીશું. ગુજરાત વિધાનસભામાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022 ના અંત સુધીમાં રાજ્યમાં જ્યાં ઘર હશે ત્યાં નળ હશે. રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વચ્ચે અણબનાવ હતો. તેથી રૂપાણીએ સાંસદ પાટીલના મત વિસ્તારમાં તમામને નળ આપવાની યોજના માટે ધ્યાન આપ્યું ન હતું. રૂપાણીને પાટીલ અને મોદીએ હાંકી કાઢ્યા બાદ હવે ભૂપેન્દ્ર પટેલની સરકારે નવસારીમાં એકી સાથે બે યોજનાઓ ઘરે ઘરે અને ખેતરે પાણીની બનાવી આપીને રૂપાણીને જવાબ આપ્યો છે.

20 માર્ચ 2021 સુધીમાં ગુજરાતમાં નલ સે જલ યોજના હેઠળ ગામડાઓમાં 10.20 લાખ ઘરોને નળ કનેકશન અપાયાં હતા. દોઢ વર્ષમાં 17 લાખ ઘરોને નળ જોડાણ આપવાના બાકી હતા. જે હજુ પુરા થયા નથી. તેનો સીધો મતલબ કે ભાજપની સરકારો નિષ્ફળ રહી છે.  દર મહિને એક લાખ નળ જોડાણ આપવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. ક્ષારયુક્ત પાણીને કારણે પથરી, ફ્લોરાઈડયુક્ત પાણીને કારણે દાંત પીળા પડવા અને સાંધાની સમસ્યા થવાના રોગોનો લોકો શિકાર બની રહ્યા છે. તેથી રાજ્યની 100 ટકા પ્રજાને ફિલ્ટર્ડ પાણી આપવાનું વચન આપ્યું હતું. 2022ના અંત પહેલા 17 મહિનામાં તે કામગીરી પૂરી કરવાની હતી.

આયોજન કરવામાં આવ્યું છે. આજ સુધીમાં અંદાજે 82 ટકા કામગીરી પૂરી થઈ ચૂકી છે. બાકીના 18 ટકા વિસ્તારો ડુંગરાળ વિસ્તારમાં આવેલા છે. તેને માટે લિફ્ટ ઇરિગેશનની પદ્ધતિનો અમલમાં મૂકીને પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી 17 મહિનામાં આ કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવશે. રાજ્યનું એક પણ ગામ પીવાના શુદ્ધ પાણીથી વંચિત ન રહે તેવું વચન આપ્યું હતું.

રૂપાણીના વચનો ફોક થયા હતા અને તેઓ દરેકને પાણી આપવામાં નિષ્ફળ રહ્યાં હોવાનો પુરાવો નાણાની ફાળવણીમાં દેખાય છે.

2023-24 વર્ષના બજેટમાં પાણી પુરવઠાની 6 હજાર કરોડની જોગવાઇ સામે ‘નલ સે જલ’ યોજના માટે રૂા.2602 કરોડ ફાળવવામાં આવ્યા છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા 100 દિવસમાં 24 યોજનાઓ પૂર્ણ કરવાની હતી. જેમાંથી 23 યોજનાઓ પૂરી થઈ છે. જેમાં 66 લાખની વસ્તીને તેમના ઘર સુધી પીવાના શુદ્ધ પાણી આપવામાં આવ્યું છે.

સુરત, નર્મદા, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, છોટાઉદેપુર, પાટણ, ખેડા, બનાસકાઠા, પંચમહાલ, વડોદરા તથા તાપી એમ 13 જિલ્લાના ગ્રામીણ વિસ્તારો છે.

આગામી 100 દિવસમાં 905 ગામોની 8 યોજનાઓના કામો શરૂ કરી 27 લાખ લોકોને પાણી અપાશે.

100 દિવસમાં 1138 ગામોની 15 યોજનાઓના કામો શરૂ કરવામાં આવ્યા છે.  યોજનાઓ પૂર્ણ થતાં અમદાવાદ, કચ્છ, જૂનાગઢ, ગાંઘીનગર, તાપી, મહેસાણા, નવસારી, છોટાઉદેપુર, અમરેલી અને મહિસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની 32 લાખથી વઘુ નાગરિકોને લાભ મળશે.

નલ સે જલ યોજનાની કામગીરી ખોરવાઇ જતાં વાસ્મોને સોંપવાના છે પણ કર્મચારીઓ હડતાલ પર

પાણીની તપાસ

79 NABL લેબ પાણી ચકાસવાનું કામ કરે છે. ગ્રામ પંચાયત સ્તરે ફીલ્ડ ટેસ્ટીંગ કીટ દ્વારા પીવાના પાણીના1 લાખ 20 હજાર નમુનાના પરીક્ષણની કામગીરી દિન 100માં પૂર્ણ કરવાની હતી તેની સામે 1 લાખ 92 હજાર પીવાના પાણીના સેમ્પલનું પરીક્ષણ કરાયું છે. 160 ટકા વધારે છે.

તાલીમ

100 દિવસમાં પાણી વિતરણ કરતા પંચાયત હસ્તકના 7 હજાર ઓપરેટરોને તાલીમ–ટુલકીટ આપવાનો લક્ષ્યાંક હતો. તેની સામે 8166 ઓપરેટરોને તૈયાર કરાયા છે. તમામ જિલ્લામાં 214 તાલુકા કક્ષાની આઈ.ટી.આઈ કેન્દ્રો ખાતે ઓપરેટરોને તાલીમ પણ આપવામાં આવી હતી.

 રોગમાં ઘટાડો   

ગુજરાતમાં તમામને  શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી પુરૂ પહોંચાડવાના પરિણામે માનવ વિકાસ સૂચકાંકમાં વધારો તેમજ પાણીજન્ય રોગોમાં ઘટાડો જોવા મળ્યો છે.

આદિવાસી

આદિજાતિ વિસ્તારના ડુંગરાળ અને અંતરિયાળ ગામોમાં પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે અંબાજીથી ઉમરગામ સુધી વિવિધ પાણી પુરવઠા યોજનાઓ અમલી બનાવી છે. સલામત, પર્યાપ્ત તેમજ ગુણવતાયુકત પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. 20 વર્ષમાં દૈનિક 3200 એમએલડી જેટલું પીવાનું પાણી ગ્રામીણ વિસ્તારમાં પુરૂ પાડવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ 2019 ના રોજ સમગ્ર દેશમાં જલ જીવન મિશનનો પ્રારંભ કરાવ્યો હતો.  2024માં દરેક ઘરમાં પાણી આપવાનું હતું. કેન્દ્રીય બજેટ 2022-23માં હર ઘર નલ સે જલ યોજના હેઠળ, 2022-23માં 3.8 કરોડ પરિવારોને આવરી લેવા માટે રૂ. 60 હજાર કરોડ ફાળવવામાં આવ્યા હતા.  હાલમાં 8.7 કરોડ પરિવારોને 'હર ઘર, નલ સે જલ' હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જેમાંથી 5.5 કરોડ પરિવારોને છેલ્લા બે વર્ષમાં નળનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે. કેન્દ્રીય જલ શકિત મંત્રાલયે દેશના 7 રાજ્યોએ જલ જીવન મિશનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી તેને વિશેષ પ્રોત્સાહન રૂપે 465 કરોડ  રૂપિયાનું  વિશેષ અનુદાન આપવાની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાત પણ હતું. પણ યોજના 2022માં તો પૂરી થઈ નથી.

2021માં 5 જિલ્લા 

પાંચ જિલ્લાઓમાં નલ સે જલ યોજના અંતર્ગત 100 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. પોરબંદર, આણંદ, ગાંધીનગર, બોટાદ અને મહેસાણા મળીને પાંચ જિલ્લાઓમાં 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને બાકીના વિસ્તારોમાં ખૂબ જ ઝડપી એટલે કે વર્ષ 2022 ના અંત સુધીમાં આ યોજના હેઠળ કામગીરી પૂર્ણ કરી દેવાશે તેવી ખાતરી રૂપાણીએ આપી હતી. જે પૂરી થઈ નથી. માર્ચ 2021માં ગુજરાત સરકારે રાજ્યના તમામ ઘરોમાં ગુણવત્તાયુક્ત 100 લિટર પર કેપિટા પર ડે પાણી પહોંચે તે માટે નીતિઓ ઘડી છે. રાજ્ય સરકારે FHTC માટે બાકી રહેતા વિસ્તારો માટે વિવિધ યોજનાઓ હેઠળ પાણી પુરવઠા વિભાગ થકી કુલ રૂ.13 હજાર કરોડ ફાળવેલા હતા.

1 જૂલાઈ 2022

ગુજરાત રાજ્યના 96.50 ટકા ઘરોને 4 વર્ષ એટલે કે 34 મહિનામાં નળથી જોડાણ આપીને દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર બની ગયું હોવાની જાહેરાત સરકારે કરી હતી. રાજ્યના કુલ 91,77,459 ઘરો પૈકી 88,56,438 ઘરોને નલ સે જલ યોજના અંતર્ગત નળ જોડાણ આપવામાં સફળતા મળી હોવાની જાહેરાત કરી હતી. 16 જિલ્લાઓમાં આણંદ, ભાવનગર, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, ખેડા, મહેસાણા, મોરબી, પાટણ, પોરબંદર, રાજકોટ અને વડોદરાના દરેક ઘરમાં પાણી પહોંચાડી દાવાયું હોવાનો દાવો કરાયો હતો.

વર્ષ 2019-20માં 91,77,459માંથી કુલ ઘર પૈકી 75,94,347 ઘરોમાં નળથી પાણી પહોંચતું હતુ. વર્ષ 2020-21માં 76,20,962 એટલે કે 83.04 ટકા ઘરોમાં, વર્ષ 2021-22માં 86,73,575 એટલે કે 94.51 ટકા ઘરોમાં અને જુન 2022 સુધીમાં 88,56,438 ઘરોમાં જોડાણ આપીને 96.50 ટકા ઘરમાં પાણી પહોંચાડી દીઢું હોવાનો દાવો કરાયો હતો.

નળ દીઠ કેટલો ખર્ચ

એક નળ દીઠ રૂ.22 હજારથી 70 હજારનું ખર્ચ થયું હતું. વિધાનસભામાં વિગતો આપી હતી.

જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2019 માં 94 અને વર્ષ 2020 માં 2067 નળ કનેક્શન આપવામાં આવ્યા. જેમાં કુલ રૂપિયા 1521.55 લાખ ખર્ચ કરવામાં આવ્યો હતો. એક નળ દીઠ 70 હજાર રૂપિયાનું ખર્ચ કરવામાં આવ્યું હતું.

ભાવનગર જિલ્લામાં વર્ષ 2019 માં 4894 અને વર્ષ 2020 માં 20364 નળ કનેક્શન અપાયા. તેની પાછળ કુલ રૂપિયા 5730.35 લાખ ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં એક નળ દીઠ રૂ, 22,687નું ખર્ચ કરાયું હતું.

ભ્રષ્ટાચાર

23 માર્ચ 2023માં લીંબડી તાલુકાના ભોયકા ગામે વાસ્મો નલ સે જલ યોજનામાં 47 લાખનો ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ કરી હતી. તપાસમાં કોન્ટ્રાક્ટ એન. કે. એજન્સીના સભ્યો હાજર ન રહ્યાં હોવાથી તમામ અધિકારીઓ પરત ફર્યા હતા. ભોયકા ગામના લોકોને આજ દિન સુધી પાણીની પાઈપ લાઈન ઘર સુધી પહોંચીજ નથી. પાઈપ લાઈન નાખ્યાનું કામ પૂર્ણનુ રોજકામ સરપંચ તથાં કોન્ટ્રાક્ટ દ્વારા ગામના લોકોની ખોટી સહી કરાવીને કામ કર્યા વગર જ માત્ર કાગળ પર કામ બતાવીને રૂપિયા 19  લાખ ચુકવી દેવામાં આવ્યાં હતા. પાણીની પાઈપ લાઈનનો ગોડાઉનમાં પડેલી હતી.

ગોધરા શહેરના નજીક આવેલા ભામૈયા ગામના પાંડવા ફ્ળીયામાં નલ સે જલ યોજના અને કેટલાક હેન્ડપમ્પ સુવિધા હાલ શોભાના ગાંઠિયા સમાન બની છે. 

અરવલ્લી જિલ્લામાં 'નલ સે જલ' યોજનામાં હલકીકક્ષાની ગુણવત્તાની કામગીરી થઈ હતી. પાઇપલાઈન જમીનમાં અઢી ફૂટને બદલે ફ્ક્ત અડધો ફૂટ જ નંખાતી હોવાનો આક્ષેપ હતો.

મહીસાગર જિલ્લાના પરથમપુર ગામમાં બે વર્ષ ઉપર થયા હોવા છતાં ગ્રામજનોને એક ટીપું પાણી પણ નસીબ થયુ ન હતું.

નર્મદા જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત વાસ્મોની સર્વેની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ હતો. સંશોધન અને તાંત્રિક સર્વેની કામગીરી જોધપુરની સિધ્ધુ સર્વે સર્વિસને અંદાજીત 37 કરોડના 3.07 ટકા ભાવે આપવામાં આવી હતી. પરંતુ યુનીટ મેનેજર દ્વારા ઓફિસની કામગીરી પડતી મૂકી સર્વે કામગીરી જાતે કરી છે, સર્વેની કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે.

ડેડીયાપાડા તેમજ સાગબારા તાલુકામાં કરોડોની નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયેલો હતો. ધારાસભ્ય દ્વારા સ્થળ મુલાકાત માટે વાસ્મો પ્રોજેક્ટના યુનિટ મેનેજર અને આ કામના લાગતા વળગતા તમામ અધિકારીઓને હાજર રહેવા જણાવેલું હતું. એસ્ટીમેટ મુજબનું કામ ન કરી કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતથી બારોબાર બિલ પાસ કરી દેવામાં આવ્યા હતા. દેડીયાપાડા તાલુકામાં કુલ 172 યોજનાઓમાંથી 74 યોજનાઓ પૂર્ણ થયેલી હતી. જ્યારે 94 યોજનાની કામગીરી ચાલતી હતી. સાગબારા તાલુકામાં કુલ 93 યોજનાઓ મંજુર થયેલ છે જે પૈકી 49 યોજનાઓ પૂર્ણ થયેલ છે 43 યોજનાઓ પ્રગતિ હેઠળ છે અને 1 યોજના ટેન્ડર મંજૂરી હેઠળ છે. જેમાં કામ પૂર્ણ થયેલ છે ત્યાં ભ્રષ્ટાચાર થયેલ હોવાની લોકોની અનેક ફરિયાદો ઉઠી હતી.

ચીખલી તાલુકાના ફડવેલમાં વાસ્મોની નલ સે જલ યોજનામાં ગેરરીતિની ફરિયાદમાં સીએમ કાર્યાલય દ્વારા તપાસ નો આદેશ કરાયો હતો. 30 યોજનામાં 62 લાખ રૂપિયાનું ખર્ચ થયું હતું.  ફડવેલના ગામતળ,પિંજારા ફળીયા સહિતના વિસ્તારમાં નલ સે જલ યોજના અંતર્ગત બોર કરી તે બોર ફેઈલ થયા હોવાનું દર્શાવી બીજા બોરો ખાનગી જમીનમાં કરી તેનો ઉપયોગ ખેતરમાં કરવામાં આવી રહ્યો છે. આ બોરના પાણીમાંથી જમીન માલિક દ્વારા હાલમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું. ટેન્કરમાં જોગવાઈ મુજબ બોરિંગ ની ઊંડાઈ પણ ઓછી કરી પાઇપ પણ હલકી ગુણવત્તાના વાપરવામાં આવેલી હતી.

છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો ભાજપના જ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષે પોલ ખોલી હતી.  સ્ટેન્ડના સ્ટ્રક્ચર તૂટી પડ્યા હતાં. સિમેન્ટ કોન્ક્રીટ પણ માટી જેમ ખરી પડ્યા હતા. જમીનમાં પાણીની પાઈપમાં ધારાધોરણ જળવાયુ નથી. ગોજારીયા ગામે 43 લાખના ખર્ચે થઈ રહેલી પાણીની કામગીરીના નાણાં પાણીમાં ગયા હતા. જૂની યોજનાની ટાંકી પણ તોડી પડાઈ હતી. અગાઉ મળતું પાણી પણ બંધ થઈ ગયું હતું. નવી લાઇન દ્વારા પાણી મળે તે પહેલાજ તેના સ્ટ્રકચર તૂટી ગયા હતા.

ગોધરા તાલુકાના જુની ધરી ગામે ભ્રષ્ટાચારના કારણે પાણીના ટેસ્ટીંગ દરમિયાન લાઈનમાં 200 જેટલા લીકેજ નિકળ્યા હતા. જુનીધરી ગામે પાણીના ટાંકાની મેઈન લાઈનમાં 20 પંચરો હતા. કૈલાશ નગરમાં જુની પાઈપ લાઈનમાં કનેકશનો આપેલ છે. તેમાં એક જ ટેન્સીંગ ડબલ પાઈપ નાખેલ છે. પાણીના ટાંકામાં પણ હલ્કી ગુણવત્તાનો સામાન વાપરેલો હતો. પાઈપો તથા કનેકશન હલ્કી ગુણવત્તામાં માલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હલ્કી ગુણવત્તાના કારણે વારંવાર પંચરો પડે છે અને ગ્રામજનોને દુષિત પાણી પીવડાવવામાં આવે છે.

નર્મદા જીલ્લાના દેડિયાપાડા ખાતે ધારાસભ્ય મહેશ વસાવાએ વાસ્મોની બેઠક બોલાવીને 172 યોજના મંજુર થયેલ છે જે પૈકી 74માંથી પૂર્ણ થયેલ કામો માં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો.

આદિવાસી વિસ્તારના તમામ કામોમાં ખૂબજ મોટા પ્રમાણમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો છે, અને કામમાં વેઠ ઉતારવામાં આવી છે.

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિસ્તારમાં નલ સે જલ ની અધુરી કામગીરીની તસ્વીર બતાવી હતી. ધારાસભ્ય નિમિષાબેન સુથારની હીજરીમાં 45% કામ કરવામાં આવ્યું હોવાના પુરાવા આપવામાં આવ્યા હતા. નળ નંખાયા પણ તાલુકાના ગામડાઓમાં પાણી માટે વલખા મારી રહ્યા છે. મહિનામાં એક થી બે વાર પાણી છોડવામાં આવે છે. યોજનાની કામગીરી અધુરી છે.

સિંગવડ તાલુકાના મોટાભાગના ગામોમાં પાણીનું ટીપું નથી આવતું. શોભાના ગાંઠિયા છે. ખેડૂતોની જમીનોને ખોદીને તેમની જમીનોમાં પાઇપો દાબીને તેમની  જમીનો ખરાબ કરવામાં આવી છે. પાઇપો ફાટી ગઈ છે. પાણી નીકળે છે. યોજનાઓ કાગળ પર છે.

ડેડીયાપાડાના અમુક ગામોમાં પાણી મળતું નથી. ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ  જનતા રેડ કરી હતી.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજ ખેરવા ગામે નલ સે જળ યોજનામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે. પાણી પુરવઠા વિભાગે 17 લાખના ખર્ચે એજન્સીને ટેન્ડર આપ્યું હતું. જેનું 7 લાખનું બિલ પાણી સમિતિ પાસે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ મોકલતા મામલો સામે આવ્યો છે. ગામથી ગામથી 1 કિલોમીટર દૂર બોર બનાવવામાં આવ્યો પરંતુ, તેમાં પાઇપલાઈન નાખવામાં નથી આવી તો બોરમાં પણ મોટર નાંખવામાં નથી તો વીજ કનેક્શન પણ નથી મેળવવામાં આવ્યું. એક વર્ષથી કામ અધૂરું હોવા છતાં ભ્રષ્ટાચાર આચરી પાણીનું બિલ અપાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp