26th January selfie contest

14 તારીખ સુધી જરૂર હોય તો જ બહાર નીકળજો, ઓરેન્જ એલર્ટ છે, આ વાતનું ધ્યાન રાખશો

PC: khabarchhe.com

સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. તેવામાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર નેચરલ રિસોર્સ ડિફેન્સ કાઉન્સિલ, અમેરિકા અને IMD અમદાવાદના સહયોગથી અમદાવાદ હિટ એક્શન પ્લાન 2023 અમલી કરાયો છે. જે અનુસાર 10થી 14 મે દરમીયામ સંભવિત તાપમાન 43થી 44 ડિગ્રી સેલ્શિયસ વચ્ચે રહેવાનું અનુમાન છે.

ત્યારે હીટ વેવના કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા માટે નાગરિકોએ વિશેષ કાળજી રાખવી આવશ્યક છે. હીટ વેવના કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા માટે અમદાવાદ જિલ્લાના નાગરિકોને વિશેષ કાળજી લેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આગામી દિવસોમાં હીટ વેવની શક્યતાને જોતા નાગરિકોએ તકેદારીનાં પગલાં લેવાં જરૂરી છે. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું જોઈએ. બાળકો, સગર્ભા, વૃદ્ધો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખવી જરૂરી છે.

હીટ વેવ સંબંધિત માહિતી માટે નાગરિકોએ રેડિયો સાંભળવો જોઈએ, ટી.વી.માં સમાચાર જોવા, હવામાન અંગે સ્થાનિક સમાચારની માહિતી આપતી મોબાઇલ એપ્લિકેશન રાખવી જોઈએ. વાઈ, હૃદય, કિડની સંબંધિત બીમારીથી પીડાતા વ્યક્તિ જેમના શરીરમાંથી પ્રવાહીની માત્રાનો ઓછો નિકાલ થતો હોય તેમણે ડોક્ટરની સલાહ મુજબ પ્રવાહી લેવું. આ ઉપરાંત આખું શરીર અને પોતાનું માથું ઢંકાય તે રીતે સુતરાઉ અને ખુલતા કપડાં પહેરવાં. વધુમાં ટોપી, ચશ્માં અને છત્રીનો ઉપયોગ કરવો હિતાવહ છે. ખાસ કરીને નાનાં બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, તથા અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી આવશ્યક છે.

વધુ પડતી ગરમીના સંજોગોમાં ભીના કપડાથી માથું ઢાંકી રાખો, અવાર-નવાર ભીના કપડાંથી શરીર લૂછો, માટલાનું ઠંડુ પાણી વખતોવખત પીવું. આ ઉપરાંત લીંબુ શરબત, તાડ ફળી અને નાળિયેર પાણી, ખાંડ-મીઠાનું દ્રાવણ, ઓ.આર.એસ વગેરે આરોગ્યપ્રદ પીણા પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ.

કાર્યના સ્થળે ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા કરવી, કામદાર માટે આરામની વ્યવસ્થા કરવી, શુદ્ધ પાણી, છાશ, ઓ.આર.એસ.ના પેક, પ્રાથમિક સારવારની પેટીની વ્યવસ્થા કરવી, કાર્ય કરતી વખતે સીધો સૂર્યપ્રકાશ ન આવે તેવી તકેદારી રાખવી. જાહેર વાહન વ્યવહારના સાધનો, અથવા કાર પુલિંગનો ઉપયોગ કરવો, સૂકાં પાંદડાં, ખેતીનો કે અન્ય કચરો બાળવો નહીં. ઊર્જાના વૈકલ્પિક સ્રોતોનો ઉપયોગ કરવો. ચક્કર આવતા હોય કે બીમારી હોય તેવા સંજોગોમાં તબીબી સલાહ લેવી અથવા ઘરના કોઈપણ સભ્યને તરત જાણ કરવી.

બજારમાં મળતો ખુલ્લો કે વાસી ખોરાક ખાવો નહીં. બજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો. લગ્ન પ્રસંગે દૂધ-માવાની આઈટમ ખાવાથી દૂર રહેવું જ હિતાવહ છે. ઉપવાસ કરવાનું ટાળવું, સવારનું ભોજન 12 વાગ્યા સુધીમાં લઈ લેવું. ચા-કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન પણ ટાળવું. હીટ વેવની ચેતવણીના દિવસોમાં બપોરે 12 વાગ્યાથી બપોરે 03 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. એર કન્ડિશન્ડનું તાપમાન 24થી વધારે નીચું ન રાખવું જોઈએ. બારીઓને રંગીન કાચ લગાવવો, અથવા સનશેડ લગાવવો, લીલા રંગના છાપરા, ઈન્ડોર છોડ લગાવવાથી તાપમાન નીચું રહે છે. ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવે ત્યારબાદ જ નહાવું, શક્ય હોય તો ઘરના બારી અને બારણા સાથે ખસની ટટ્ટી પાણી છાંટી બાંધી રાખવી. ગરમીથી બચવા આટલી તકેદારી રાખવી જોઈએ. ગરમીથી બચવા માટે ખાસ વધુ પ્રમાણમાં પાણી પીવું, છાશ અથવા અન્ય આરોગ્યપ્રદ પ્રવાહી પીણા પીવા જોઈએ. આયુર્વેદ દ્રષ્ટિએ ગરમીની ઋતુમાં વરિયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું શરબત ગુણકારી છે.

લાંબો સમય તડકામાં ન રહીએ અને સીધા સૂર્યપ્રકાશથી બચીએ, હળવા રંગના કપડાં પહેરીએ, ઠંડકવાળા સ્થળ પર સમયાંતરે આરામ કરીએ અને નાનાં બાળકો, વૃદ્ધ સગર્ભાઓનું વિશેષ કાળજી રાખીએ.

લૂ લાગેલી વ્યક્તિની સારવાર માટે ભીનાં કપડાંનો ઉપયોગ કરવો અથવા તેના માથા પર પાણી રેડો. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ, અથવા લીંબુ સરબત, તોરાની જેવું પ્રવાહી આપવું. લૂ લાગી હોય તેવી વ્યક્તિને તાત્કાલિક નજીકના સ્વાસ્થ કેન્દ્ર પર લઈ જવા. તેના શરીરનું તાપમાન સતત વધતું હોય અથવા નબળાઈ કે ઉલ્ટીના સંજોગોમાં તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવી.

ઈમરજન્સીની સ્થિતિમાં 108 સેવાનો લાભ દ્વારા ત્વરિત સારવાર મેળવીએ.

હીટ વેવના સંજોગોમાં ઉઘાડા પગે ઘરની બહાર ન જવું. રસોડામાં રસોઈ કરતા સમયે હવાની અવરજવર માટે બારી રાખવી. પાર્ક્ડ વ્હિકલમાં પાળતું પ્રાણી કે બાળકોને એકલા ન રાખવા. વધુ માત્રામાં મસાલાવાળા, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહારને ત્યજો. વધારે પડતી રોશનીવાળા વીજળીના બલ્બના ઉપયોગને ટાળવો. કમ્પ્યૂટર સહિતનાં બીજાં ઉપકરણો જરૂર ન હોય તો બંધ રાખવાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp