38 લાખ પર ઈટાલિયાએ કહ્યું- પોલીસ સી.આર.પાટીલની ચાર આંખની શરમ રાખ્યા વગર...

PC: twitter.com

ડમી કાંડમાં ભાવનગર પોલીસે યુવરાજસિંહ જાડેજાની 21 તારીખે ધરપકડ કરી લીધી હતી. ત્યાર બાદ તેના સાળાની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેની પાસેથી 38 લાખ રૂપિયા રોકડા મળ્યા હોવાની વાત પોલીસ કહી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, યુવરાજસિંહના સાળા પાસેથી પોલીસે 38 લાખ કબજે કર્યા એવા ન્યુઝ આવે છે. પોલીસને માત્ર 38 લાખ જ મળ્યા? જો પોલીસે પૈસા કબજે જ કરવા હોય તો પોલીસ સી.આર.પાટીલની ચાર આંખની શરમ રાખ્યા વગર AAPમાંથી ભાજપમાં ગયેલા 12 કોર્પોરેટરની આજે તપાસ કરે તો વ્યક્તિ દીઠ ઓછામાં ઓછાં દોઢ કરોડ રોકડા લેખે અંદાજે 20 કરોડ મળી શકે છે. (નોંધ: આ અંદાજે 20 કરોડ વાળી એક ખાનગી બાતમી છે, આની જાણ ગૃહમંત્રીને થાય નહિ એનું ધ્યાન રાખજો નહિતર કાયદો કાયદાનું કામ કરશે અને રૂપિયા પકડાઈ જશે)

ડમીકાંડમાં લેવાયેલા 38 લાખ યુવરાજ સિંહના સાળાના મિત્રના ઘરેથી પોલીસે કર્યા જપ્ત

ડમીકાંડને લઈને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે. ડમીકાંડમાં લેવાયેલા 38 લાખ રૂપિયા પોલીસે જપ્ત કર્યા છે. કાનભા ગોહિલના મિત્રના ઘરેથી 38 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. બે દિવસ અગાઉ યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી હવે કાનભા ગોહિલના મિત્રના ઘરમાંથી ડમીકાંડમાં લેવાયેલા 38 લાખ રૂપિયા જપ્ત થયા છે ગઇ કાલે ભાવનગરના ડમીકાંડમાં અન્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

ઘનશ્યામ લાંઘવા અને બિપિન ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી હતી. તોડકાંડમાં આ બંનેના યુવરાજસિંહ સાથે ફરિયાદમાં નામ છે. યુવરાજસિંહ સહિત કુલ 6 લોકો વિરૂદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અગાઉ યુવરાજસિંહ અને તેના સાળા કાનભા ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી. હવે ઘનશ્યામ લાંઘવા અને બિપિન ત્રિવેદીની પણ ધરપકડ કરવામાં આવી છે એટલે કુલ 4 આરોપીની ધરપકડ થઇ ચૂકી છે.

ડમીકાંડમાં યુવરાજસિંહ પર 1 કરોડ રૂપિયા લેવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. જેને લઇને યુવરાજસિંહ સહિત કુલ 6 લોકો વિરૂદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામ વિરૂદ્ધ ખંડણી ઉઘરાવવી તેમજ ગુનાહિત કાવતરું રચવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજસિંહ સિવાય શિવુભા, યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલ, ઘનશ્યામ લાંઘવા, બિપિન ત્રિવેદી અને રાજુ નામના વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરાઇ છે.

ભાવનગરના રેન્જ IG ગૌતમ પરમારે ડમી કૌભાંડમાં યુવરાજ તેમજ તેના સગા સંબંધીઓ અને સાથીદારોની સંડોવણી મામલે ખુલાસો કર્યો છે. યુવરાજસિંહે પ્રકાશ દવેનું નામ ડમી તરીકે જાહેર ન કરવા બદલ કુલ 70 લાખ રૂપિયાની માગ કરી હતી. ત્યારબાદ 45 લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ થઇ હતી. તે માટે યુવરાજસિંહના સાળા શિવુભાની ઓફિસે પ્રકાશ સાથે બેઠક કરવામાં આવી હતી, જેમાં યુવરાજસિંહના સાળા સહિત અન્ય કેટલાક લોકો પણ ઉપસ્થિત હતા.

ડીલ મુજબ પ્રકાશ દવેએ ઘનશ્યામ લાંઘવાને 45 લાખ રૂપિયા આપ્યા હતા. ઘનશ્યામ લાંઘવાએ યુવરાજસિંહ વતી આ રૂપિયા લીધા હોવાની જાણકારી મળી છે. ડમીકાંડમાં યુવરાજ સિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે પોલીસે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે, યુવરાજ સિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. યુવરાજ સિંહ 29 એપ્રિલ સાંજે 5:00 વાગ્યા સુધી રિમાન્ડ પર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp