વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી જાણો ક્યાં સુધી પહોંચી, કેટલા ગુના નોંધાયા

PC: khabarchhe.com

રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજ દરે રૂપિયાનુ ધિરાણ કરી સામાન્ય નાગરિકો પાસેથી સિક્યુરીટી પેટે લખાવી લીધેલી મિલકતો પચાવી પાડવાની તેમજ ધાક ધમકી આપી લોકો પાસેથી વ્યાજની ઊઘરાણી કરી ગેરકાયદેસર વ્યાજે નાણા ધીરધારનો વ્યવસાય કરનાર વ્યાજખોરો વિરુદ્ધ સખતમાં સખત પગલા લેવા અને ભોગ બનનારાઓને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપી સામાન્ય નાગરિકોની પાસેથી મસમોટુ વ્યાજ ખંખેરતા વ્યાજખોરો વિરૂદ્ધ ગૃહ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્યભરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઠેર ઠેર લોક દરબાર યોજ્યા હતા અને વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી હેરાનગતી અંગેની સામાન્ય નાગરિકોની આપવિતી ખુબ જ સંવેદના સાથે સાંભળી ફરિયાદો આધારે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ તંત્ર દ્વારા તા.05 થી તા.31 જાન્યુઆરી 2023 દરમિયાન સમગ્ર રાજ્યમાં નાણાં ધીરધાર અધિનિયમ-2011 અન્વયે કુલ 847 એફ.આઇ.આર દાખલ કરી 1481 આરોપીઓની સામે ગુના દાખલ કર્યા છે. તે પૈકી 1039 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. એટલુ જ નહિ, માથાભારે વ્યાજખોરો સામે 27 પાસાની દરખાસ્ત કરવામાં આવી છે.

આ ડ્રાઇવ દરમિયાન પોલીસ દ્વારા કુલ 2389 લોકદરબાર યોજવામાં આવ્યા છે. લોક દરબારમાં કુલ 14,619 પોલીસ અધિકારી/કર્મચારીઓ તેમજ કુલ 1,29,488 વ્યક્તિઓ પ્રત્યક્ષ સહભાગી થયા હતા. આ ઝુંબેશમાં પોલીસ કમિશ્નરો, રેન્જ આઇજીપી, પોલીસ અધિક્ષકો, નાયબ પોલીસ અધિક્ષકો તથા તમામ રેન્કના અધિકારીઓ દ્ધારા લોકદરબારમાં હાજર રહી લોકોને વ્યાજખોરો વિરૂદ્ધ ફરીયાદ કરવાની હિમંત આપી તેમજ લોકદરબારના સ્થળ ઉપર વ્યાજખોરીથી પિડીત લોકોની અરજીઓ/રજુઆતો સાંભળી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

વ્યાજખોરો વિરૂદ્ધમાં ગુજરાત પોલીસ દ્વારા નવતર અભિગમ અપનાવી, રાજ્યમાં ફક્ત આંકડા દર્શાવવા નહી પરંતુ ખરેખર કામગીરી થાય, પોલીસ અધિકારીઓ લોકોની વચ્ચે જઇ સમજ આપે અને સામૂહિક લોકજાગૃતિ આવે, હિંમત આવે તે માટે કાર્યવાહી કરી છે. આરોપીઓ પાસેથી ભોગ બનનારને વસ્તુઓ પરત મળે તેવી કામગીરીઓ થઇ છે અને રાજ્યના હજારો લોકોને વ્યાજના દુષણમાંથી બચાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત તમામ પોલીસ કમિશ્નર તથા પોલીસ અધિક્ષકો દ્વારા પોતાના મુખ્ય મથક ખાતે જરુરીયાતમંદ સામાન્ય નાગરિકોને લોન/ધિરાણ મેળવવામાં મદદરૂપ થવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રીયકૃત બેંકો/સહકારી બેંકોના પ્રતિનિધીઓ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ તથા જીલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતાં અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધીઓને હાજર રાખી જીલ્લાના મુખ્યમથક ખાતે અનુકુળ જગ્યાએ જરૂરીયાતમંદ નાગરિકોને એકત્ર કરી, યોગ્ય લોન ધિરાણ અપાવવામાં સહાયતા કરવા માટે રાજ્યવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે કેમ્પનું આયોજન કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp