26th January selfie contest

હીરાબાને મળવા અમદાવાદની હોસ્પિટલમાં પહોંચ્યા PM નરેન્દ્ર મોદી

PC: twitter.com

PM નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત ખરાબ થતા તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં એડમીટ કરાયા છે. ત્યારે PM નરેન્દ્ર મોદી દિલ્હીથી અમદાવાદ આવી ગયા છે અને અમદાવાદ એરપોર્ટ પરથી ડાયરેક્ટ તેઓ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે તેમના માતાની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલના ડૉક્ટરો સાથે વાતચીત કરીને તેમના માતાનું હેલ્થ અપડેટ મેળવ્યું હતું. PM મોદીની મુલાકાત પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમની સિવાય અનેક ભાજપના નેતાઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને હીરાબાની તબિયતની જાણકારી મેળવી હતી. 

યુ.એન.મહેતા હોસ્પિટલે આપ્યું અપડેટ

દેશના PM નરેન્દ્ર મોદીના માતા હીરાબાને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને બ્લડ પ્રેસરની તકલીફ ઉભી થતા યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

PM નરેન્દ્ર મોદીના પરિવાર માટે આ બીજો આંચકો છે હજુ તો મંગળવારે PM મોદીના મોટાભાઇ પ્રહલાદ મોદી અને તેમના પરિવારને બેંગલુરુમાં ગંભીર અકસ્માત નડ્યો હતો અને કારને ભારે નુકશાન થયું હતું. જો કે સદનસીબે કોઇ જાનહાની થઇ નહોતી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચારને હજુ કળ વળી નથી ત્યાં તેમના માતા હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચાર આવ્યા છે.

જો કે એવું જાણવા મળ્યું છે કે તેમની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે. જો કે આ અંગે ટુંક સમયમાં હોસ્પિટલ દ્રારા હીરાબાના આરોગ્ય વિશે બુલેટીન બહાર પાડવામાં આવશે ત્યારે ખબર પડશે. હીરાબા 18 જૂને 100 વર્ષના થયા હતા અને તેમનો જન્મ 18 જૂન 1923માં થયો હતો.

ઘણા બધા લોકો જાણે છે કે હીરાબા 100 વર્ષની વયે પહોંચવા છતા અને PMના માતા હોવા છતા એક સાવ સામાન્ય ઘરમાં રહે છે અને આ ઉંમરે પણ તંદુરસ્ત રહીને પોતાના કામ જાતે કરે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે, 80 વર્ષથી વધુ વયના લોકોએ મતદાન મથક પર આવવાની જરૂર નથી, અધિકારીઓ તેમના ઘરે આવીને મત લઇ જશે. છતા પણ હીરાબા પોતાનો મત આપવા જાતે મતદાન મથક પર ગયા હતા. આ પહેલાં વર્ષ 2016માં પણ હીરાબાની તબિયત લથડી હતી ત્યારે 108માં તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને એક સામાન્ય દર્દીની જેમ જનરલ વોર્ડમાં તેમણે સારવાર મેળવી હતી.

PM નરેન્દ્ર મોદી જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે હીરાબાને મળવાનો સમય કાઢી લે છે અને એક બાળકની જેમ તેમની સાથે વાતચીત કરે છે. ઘણી વખત PM મોદી માતાના હાથની રસોઇનો સ્વાદ પણ લે છે.

PM નરેન્દ્ર મોદી ઘણી વખત તેમના માતા હીરાબાના સંઘર્ષનો ઉલ્લેખ કરતા હોય છે. તેમણે એક વખત કહેલું કે માતા હીરાબાએ 6 સંતાનોને ઉછેરવા માટે ભારે સંઘર્ષ કર્યો હતો. તેઓ લોકોના ઘરના વાંસણ પણ માંજવા જતા હતા.

આ લખાઇ રહ્યું છે ત્યારે યુ.એન. મહેતા હોસ્પિટલ તરફથી એક સત્તાવાર બુલેટીન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છે કે હીરાબાની તબિયત સુધારા પર છે.

દેશભરના લોકો હીરાબાના સ્થાસ્થ્યમાં ઝડપી સુધારા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp