પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ફેરવેલ, કહ્યું- તપાસની પદ્ધતિમાં બદલાવની જરૂર

PC: khabarchhe.com

અમદાવાદ શહેર પોલીસ કમિશનર (CP)સંજય શ્રીવાસ્તવ વયનિવૃત્ત થતાં રવિવારે તેમના માટે વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પહેલી વખત પોલીસ કમિશનરને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશેષ પરેડનું આયોજન કરીને વિદાય આપવામાં આવી છે. સંજય શ્રીવાસ્વતવે પોતાના સંબોધનમાં કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસ કમિશનરે પોતાના અનુભવ અંગે પણ વાત કરી હતી.

મળતી માહિતી મુજબ, સંજય શ્રીવાસ્તવે કહ્યું હતું કે, પોલીસ તપાસની પદ્ધતિમાં વર્તમાનમાં બદલાવની જરૂર છે. સાથે જ કોઈપણ ગુનામાં આરોપીને લાંબી અને આકરી સજા થાય એ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, બદલાતા સમયની સાથે પોલીસના કામમાં પણ બદલાવ લાવવાની જરૂર છે.

પોલીસે લોકોની સમસ્યા, લોકોની જરૂરિયાત ને પારખીને કોમ્યુનિટી પોલીસ તરીકે કામ કરવાની જરૂર છે. પોતાના અનુભવ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, જ્યારે ભૂતકાળમાં શહેરમાં કોમી રમખાણો થતાં હતા ત્યારે શહેર પોલીસે અનેક સમસ્યાઓનો સામનો કરીને કામ કરવું પડતું હતું. પોલીસ પર પથ્થરમારો થતો હતો, એસિડ ફેકવામાં આવતો, હુમલાઓ થતા, પરંતુ હવે શહેરમાં જાણે કોમી રમખાણો ભૂતકાળ બની ગયા છે. જોકે હવે કેટલાક નવા પડકારો પણ સામે આવ્યા છે.

તેમણે કહ્યું કે, વર્તમાનમાં સાઇબર ક્રાઇમ, આર્થિક ગુનાઓ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા એ મોટો પડકાર છે. તેમણે કહ્યું કે, છેલ્લા પોણા ત્રણ વર્ષના કાર્યકાળમાં અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓના સહકારથી ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરાયો અને તેમાં સફળતા પણ મળી.  તેમણે એ પણ કહ્યું કે, જે પોલીસ ગ્રાઉન્ડમાં તેમણે કારકિર્દીની શરૂઆત કરી અને તાલીમ મેળવી, એ જ ગ્રાઉન્ડ પર ફેરવેલ મળવી એ યાદગાર અને ગૌરવપૂર્ણ બાબત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp