ભરૂચ-નર્મદા-વડોદરા જિલ્લામાં પૂર પીડિત વિદ્યાર્થીઓની ફી માફ કરવા માગ કરાઇ

ભરૂચ, નર્મદા અને વડોદરા જીલ્લામાં માનવસર્જિત પુર આપદાને કારણે શિક્ષણ વ્યવસ્થાને થયેલ નુકશાન, ખાસ કરીને અભ્યાસ કરતા તમામ બાળકોને પુસ્તકો/બેગ/ફી સહીતમાં સહાય આપવા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભરૂચ-નર્મદા-વડોદરા જીલ્લામાં પુરના કારણે શિક્ષણ વ્યવસ્થાને પણ મોટું નુકશાન થયું છે. ભરૂચ, નર્મદા વિસ્તારમાં ધો. 1 થી 12 માં બે લાખ થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે. માનવસર્જિત પુરના કારણે અનેક બાળકોના અભ્યાસક્રમના પુસ્તકો-બેગ-શૈક્ષણિક સામગ્રી પુરના કારણે ધોવાઇ ગઈ છે. નાશ પામી છે.
આ સંજોગોમાં ભરૂચ-નર્મદા-વડોદરા જીલ્લાના અસરગ્રસ્ત વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પુન:શૈક્ષણિક વ્યવસ્થામાં જોડવા માટે રાજ્ય સરકાર તમામ પ્રકારની સહાય કરે તેવી વિનંતી જેથી ગરીબ-સામાન્ય-માધ્યમવર્ગના બાળકો અભ્યાસકીય પ્રવુતિઓ સાથે ઉજ્જવળ ભવિષ્ય ઘડી શકે. ભરૂચ-નર્મદા અને વડોદરા જીલ્લામાં માનવસર્જિત પુરથી ભોગ બનેલા પરિવારો આર્થિક રીતે પારાવાર મુશ્કેલીઓમાં મુકાઇ ગયા છે. ત્યારે તેમના સંતાનો કે જે પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરે છે. તેઓને એક સત્રની ફીની વિશેષ સહાય આપવા કોંગ્રેસ પક્ષએ માંગ કરી છે. રાજ્ય સરકાર માનવીય અભિગમ અપનાવીને સત્વરે હકારાત્મક નિર્ણય કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.
સરદાર સરોવર ડેમનો મુખ્ય હેતુ લોકોને પુરના પાણીથી રક્ષણ આપવાનો છે. સરદાર સરોવર ડેમમાંથી કોઈપણ પ્રકારના પૂર્વ આયોજન અને નિર્દોષ નાગરિકોની કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર 19 લાખ ક્યુસેક પાણી છોડી દેવામાં આવ્યું, જેના કારણે નર્મદા, ભરૂચ અને વગેરે સહિતના જિલ્લામાં પુરનું પાણી મોટી માત્રામાં રહેણાંક વિસ્તારમાં ફરી વળતા સ્થાનિક લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ઘણાં બધાં ગામોમાં લોકોના ઘર પુરના પાણીમાં ડૂબી ગયા હતા અને ફ્લેટના પહેલા માળ સુધી પાણી આવી ગયા હતા. સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સત્તાધીશોની ગુનાહિત બેદરકારી અને બેજવાબદારીના કારણે હજારો પરિવારો પુરનો ભોગ બન્યાં, કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું, નર્મદા બંધ ઓવરફ્લો થાય એ આપણને કુદરતી પ્રક્રિયા લાગે તે વાજબી છે, પરંતુ આ તો કુદરતી નહીં પરંતુ માનવસર્જિત હોનારત જ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp