ભગવાનને પણ નથી મૂકતા, મહુડીમાં 2 ટ્રસ્ટી 45 લાખનું સોનું ચાઉં કરી ગયા
યાત્રાધામ મહુડીમાં મંદિરના બે ટ્રસ્ટીઓ દ્વારા જ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની ઘટનાએ ખડબડાટ મચાવી દીધો છે. મંદિરના ટ્રસ્ટી મંડળના બે ટ્રસ્ટી નિલેશ મહેતા અને સુનિલ મહેતા દ્વારા 45 લાખના સોનાનું વરખ અને સોનાની ચેનની ચોરી કરી હોવાની ફરિયાદ માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંનેની ધરપકડ કરી છે.
રિપોર્ટ મુજબ, માણસા મહુડી મંદિર ખાતે રહેતા ભુપેન્દ્ર વોરા છેલ્લા 12 વર્ષથી મહુડી મંદીરમાં ટ્રસ્ટી તરીકે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, મહુડી મંદીરમાં કુલ-8 ટ્રસ્ટીઓ છે. મહુડી ઘંટાકર્ણ વીર ભગવાનના મંદીરમાં દાનપેટીમાં ભક્તો દ્વારા જે ચડાવો ચઢાવવામાં આવે છે. તેને દર બે-ત્રણ મહિને ટ્રસ્ટીઓની હાજરીમાં ખોલવામાં આવે છે અને દાનપેટીમાંથી નીકળતા રોકડા રૂપિયા તથા સોનાના દાગીનાની ગણતરી કરી ભંડાર પત્રકમાં એન્ટ્રી કરવામાં આવે છે જે વર્ષોથી કરાય છે. દરમિયાન ડિસેમ્બર, 2022માં તેઓએ સોનાના વરખનો ઉતારો એક ડોલમાં રાખી તે ડોલ તિજોરીમાં મૂકી લોક માર્યું હતું.
બાદમાં 15 ફેબ્રુઆરીના રોજ ટ્રસ્ટીઓની હાજરીમાં સોનાનો વરખ ગળાવવા આવતાં 700થી 800 ગ્રામ સોનું ઓછું હોવાની જાણ થઈ હતી. આથી તેમણે સ્ટાફની કડકાઈથી પૂછતાછ કરતાં જાણવા મળ્યું હતું કે, થોડા દિવસ પહેલા ટ્રસ્ટી નિલેશ મહેતા (વાસણા) અને સુનીલ મહેતા (પાલડી) આવ્યાં હતા અને સ્ટાફને સાથે રાખી સોનાના વરખ ભરેલી ડોલ અને સોના-ચાંદીની લગડીઓ તિજોરીમાંથી બહાર કાઢી એકાઉન્ટન્ટ રાજુભાઇની ઓફિસમાં લઇ ગયા હતા. તેમની સાથે બે થેલા પણ હતા. બાદમાં નિલેશે સ્ટાફને જમવા માટે મોકલ્યો હતો અને જ્યારે સ્ટાફ જમીને પાછો આવ્યો તો સ્ટાફને થેલા જોવા મળ્યા ન હતા.
દરમિયાન જાણ થઈ હતી કે નિલેશ ટ્રસ્ટી હોવા છતાં મંદિરના ભંડારાના પૈસામાંથી ઉચાપત કરે છે. આથી તેમણે સીસીટીવી ચેક કરતા નિલેશ સોનાની ચેઇન અને પૈસા ભરેલું કવર ખિસ્સામાં મુકતા નજરે આવ્યા હતા. આથી માણસા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંને આરોપી ટ્રસ્ટીઓની ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp