રાજ્યમાં આ વિસ્તારોમાં ફરી પડશે માવઠું, હવામાન વિભાગની હીટવેવ સાથે વરસાદની આગાહી

PC: khabarchhe.com

રાજ્યમાં હોળીના દિવસે કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદ, માવઠું અને કરા પડવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે હીટવેવની સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. આથી આવનારા દિવસોમાં પણ લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે.

માહિતી મુજબ, હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 2થી 3 દિવસ સુધી તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો 37 ડિગ્રી નજીક નોંધાઈ શકે છે. હાલમાં અમદાવાદમાં 36 અને ગાંધીનગરમાં 35 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. જ્યારે પોરબંદર 37, કચ્છમાં 37 ડિગ્રી, વેરાવળમાં 36.3 ડિગ્રી સુધી તાપમાન રિકોર્ડ થયું છે. જણાવી દઈએ કે, સામાન્ય કરતા 5 ડિગ્રી વધુ તાપમાન થાય ત્યારે હિટવેવ જાહેર કરાય છે. હિટવેવ વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રી ઉપર જઇ શકે છે.

આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે આકરી ગરમી વચ્ચે કેટલાક વિસ્તારમાં માવઠું પડી શકે છે. રાજ્યમાં 13-14 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના અમરેલી, કચ્છ, રાજકોટ, ડાંગ, તાપી અને દાહોદમાં વરસાદ પડવાની આગાહી વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉપરાંત, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ માવઠું પડવાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહીએ જગતના તાતની ચિંતામાં વધારો કર્યો છે. ત્યારે બેવડી ઋતુના કારણે રોગચાળો વધવાની પણ વકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp