- Central Gujarat
- અમદાવાદ: મહિલાએ ડાયપરમાં સોનું સંતાડેલુ, 5 કિલો સોનુ પકડાયું, બાળકનો ઉપયોગ કર્યો
અમદાવાદ: મહિલાએ ડાયપરમાં સોનું સંતાડેલુ, 5 કિલો સોનુ પકડાયું, બાળકનો ઉપયોગ કર્યો
સોનાની દાણચોરી કરવા માટે દાણચોરો નવા નવા કીમિયા અપનાવતા હોય છે. ત્યારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બે મહિલા સહિત ત્રણ પેસેન્જરને ડાયપરમાં સોનાની પેસ્ટ સંતાડીને લાવતા પકડ્યા છે. ડીઆરઆઇની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી 2.61 કરોડની કિંમતનું 5 કિલોથી વધુનું સોનું પકડી પાડ્યું છે.

માહિતી મુજબ, DRIના અધિકારીઓને બાતમી મળી હતી કે, દુબઈથી અમદાવાદ આવતી સ્પાઇસ જેટની એક ફ્લાઇટમાં 3 જેટલા પેસેન્જર દાણચોરીથી સોનું લાવી રહ્યા છે. ત્યારે DRIની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ 3 લોકોને રોકી તેમની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓને ડાયપરમાં સંતાડેલી સોનાની પેસ્ટ મળી આવી હતી. ઉપરાંત, વધુ તપાસ કરતા ટીમને કમર પર બાંધવામાં આવતા પટ્ટામાં તેમ જ પેન્ટના નીચેના ભાગમાં બનાવવામાં આવેલા પોલાણમાં છુપાવેલું સોનું મળી આવ્યું હતું. આમ DRIની ટીમે કુલ 5 કિલોથી વધુનું સોનું જપ્ત કર્યું હતું, જેની અંદાજિત કિંમત રૂ. 2.61 કરોડ બતાવવામાં આવી રહી છે.

માહિતી મુજબ, જે પેન્ટમાં સોનું છુપાવવામાં આવ્યું હતું તે એક નાના બાળકને પહેરાવવામાં આવ્યું હતું. આથી સોનાની દાણચોરી માટે બાળકનો ઉપયોગ થયો હોય તેવો આ પ્રથમ કેસ છે. આ મામલે પોલીસે બે મહિલા પેસેન્જર સહિત ત્રણની ધરપકડ કરી છે. હાલ આ મામલે આગળની તપાસ ચાલી રહી છે. મીડિયા અહેવાલ મુજબ, છેલ્લા એક વર્ષમાં શહેર DRI નોંધપાત્ર રીતે સોનાની દાણચોરીની સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે.

