- Education
- 1285 દીકરીઓને MBBS ના ઉચ્ચ અભ્યાસ માટે સરકારે સહાય પૂરી પાડી છેઃ CM પટેલ
1285 દીકરીઓને MBBS ના ઉચ્ચ અભ્યાસ માટે સરકારે સહાય પૂરી પાડી છેઃ CM પટેલ
ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, દેશના ઈતિહાસમાં સૌપ્રથમવાર સુરતની ધરતી પર દીકરીઓ માટે નિર્માણ થનારા શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરૂકુલનું ભૂમિપૂજન અખાત્રીજના પાવન દિને CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોદ ગામે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ સંસ્થાનના ઉપક્રમે રૂ.120 થી 150 કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં નિર્મિત થનારા ગુરૂકુળમાં 2500 જેટલી દીકરીઓ અભ્યાસ કરી શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હોસ્ટેલ, નિવાસ, ભોજનની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ ગુરૂકલની વિશેષતા એ હશે કે અહીં પિતાવિહોણી દીકરીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.
CMએ કન્યા ગુરૂકુળનું શાસ્ત્રોક્ત વિધિ અને સંતોની વેદઋચાઓ સાથે ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે CMએ જણાવ્યું હતું કે, કન્યા ગુરૂકુળના માધ્યમથી સનાતન સંસ્કૃતિ અને પ્રાચીન ગુરૂ પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ સરાહનીય છે. રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના માધ્યમથી દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન મળ્યું છે એમ જણાવતા CMએ ઉમેર્યું કે, સરકારે દીકરીઓ મેડિકલ શિક્ષણ મેળવી શકે એ માટે 1285 દીકરીઓને MBBS ના ઉચ્ચ અભ્યાસ માટે સહાય પૂરી પાડી છે.
કન્યા ગુરૂકુળમાં વિદ્યા, સદ્દવિદ્યા અને બ્રહ્મવિદ્યાનો સંગમ રચાશે એમ જણાવતાં CMએ વધુમાં ઉમેર્યું કે, જેમ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દીકરીઓના ઉજ્જવળ ભાવિ માટે પ્રતિબદ્ધ બન્યો છે ત્યારે રાજ્ય સરકાર પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મેળવી 'અફસર બિટીયા' બની સમાજ, રાજ્ય અને રાષ્ટ્રનિર્માણમાં સિંહફાળો આપે એ માટે અવિરત કાર્યરત છે.

CMએ જણાવ્યું હતું કે, સૌને શિક્ષણની સમાન અને ઉજ્જવળ તકો મળી રહે તે માટે રાજ્ય સરકારે સમરસ છાત્રાલયોના નિર્માણ કર્યા છે. સરસ્વતી સાધના યોજના હેઠળ કન્યાઓને સાયકલ સહાય તેમજ ધો. 9થી ધો.12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત વાહનો ખરીદવા માટે સબસિડી આપવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજય સરકારે 100 દિવસમાં 6800 જેટલા બેટરી સંચાલિત વાહનો અર્પણ કર્યા છે. આજના વૈશ્વિક જ્ઞાનયુગમાં વિધાર્થીઓ વિશ્વ કક્ષાનું શિક્ષણ મેળવી શકે તે માટે રાજય સરકારે શિક્ષણ માટે 43 હજાર કરોડનું બજેટ ફાળવ્યું હોવાનું CMએ ઉમેર્યું હતું.
શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાના ત્રિપાંખિયા વ્યૂહ સાથે સતત કાર્યરત રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'બેટી બચાવો, બેટી પઢાઓ'ના સૂત્રને અનુસરી શાળાકીય શિક્ષણ અને અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓ અમલી બનાવી છે એમ જણાવી CMએ કન્યાઓ માટે પણ ગુરૂકુળનું નિર્માણ થાય તેવી નૂતન પહેલ બદલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, દાતાઓ અને વિશેષત: મહિલા દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા.

