શિક્ષણ એ જીવનભરની પ્રક્રિયા છે, સતત શીખનાર પડકારોનો સામનો કરી શકશેઃ રાષ્ટ્રપતિ

PC: PIB

ભારતના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુએ ગોવા ખાતે ગોવા યુનિવર્સિટીના 34મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી અને સંબોધન કર્યું હતું, જેમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આજના વિશ્વમાં ટેક્નોલોજી અને ઈનોવેશન મુખ્ય ભૂમિકા ભજવે છે. ગોવા યુનિવર્સિટી ઈનોવેશનને પ્રોત્સાહિત કરી રહી છે તે જાણીને તેઓ ખુશ થયા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આપણી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ જેવા ક્ષેત્રોમાં વિશ્વ કક્ષાની ક્ષમતા વિકસાવવી જરૂરી છે. તેમને એ નોંધતા આનંદ થયો કે ગોવા યુનિવર્સિટી, ગોવા સરકારના ઉચ્ચ શિક્ષણ નિયામકની સાથે સહયોગમાં 'હોલિસ્ટિક ટીચિંગ અને વર્ચ્યુઅલ ઓરિએન્ટેશન માટે ડિજિટલ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ' પ્રોગ્રામ ચલાવી રહી છે.

રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે વિવિધ વિભાગોને એકીકૃત કરીને આંતરશાખાકીય અભ્યાસોને પ્રોત્સાહિત કરવા માટે ગોવા યુનિવર્સિટીના કેમ્પસમાં વિવિધ શાળાઓની રચના કરવામાં આવી છે. તેમણે આ પહેલ માટે ગોવા યુનિવર્સિટીની પ્રશંસા કરી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ છે અને કહ્યું કે આ યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધન અને નવીનતા માટે શ્રેષ્ઠતાનું કેન્દ્ર બનવાની અપાર સંભાવના છે.

ગોવા યુનિવર્સિટીએ 'ઉન્નત ભારત અભિયાન' હેઠળ એવા પાંચ ગામોને દત્તક લીધા છે કે જ્યાં ટકાઉપણું મોડલ અપનાવીને મસલ્સ અને મશરૂમની ખેતી કરવામાં આવી રહી છે તેની નોંધ લેતા રાષ્ટ્રપતિને આનંદ થયો. તેમણે વિદ્યાર્થીઓમાં સામાજિક સમાવેશ અને પર્યાવરણીય સંતુલન પ્રત્યે સંવેદનશીલતા કેળવવા બદલ ગોવા યુનિવર્સિટીની ટીમની પ્રશંસા કરી.

વિદ્યાર્થીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે દીક્ષાંત સમારોહ તેમના જીવનની યાદગાર ક્ષણ છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓએ મેળવેલી ડિગ્રીઓ તેમને રોજગાર મેળવવા અથવા વ્યવસાય શરૂ કરવામાં મદદ કરશે પરંતુ એક ગુણવત્તા જે તેમને જીવનમાં ખૂબ આગળ લઈ શકે છે તે છે ક્યારેય હાર ન માનવાની હિંમત. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે શિક્ષણ એ જીવનભરની પ્રક્રિયા છે. સતત શીખનાર તકોનો લાભ ઉઠાવી શકશે તેમજ જીવનમાં પડકારોનો સામનો કરી શકશે. તેમણે કહ્યું કે આજના યુવાનો 'સંકલ્પ કાળ'માં વિકસિત ભારતનું નિર્માણ કરશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ ભારતને વધુ સમૃદ્ધિ તરફ લઈ જવાનું સ્વપ્ન સાકાર કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp