‘આદિપુરુષ’ના છપરી ડાયલોગ લખનાર મનોજ મુંતશિરે પોલીસ પાસે માગી સુરક્ષા

PC: twitter.com

'આદિપુરુષ'ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ફિલ્મમાં ડાયલોગને લઈને વિરોધ ચાલી રહ્યો છે. ફિલ્મ વિરુદ્ધ દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યું છે. ત્યારે આ બધા વચ્ચે આ ફિલ્મના ડાયલોગ લખનાર રાઇટર મનોજ મુંતશિરને પણ વિરોધનો ડર લાગી રહ્યો છે. તેણે મુંબઈ પોલીસ પાસે સુરક્ષા માગી છે. મનોજ મુંતશિરે ફિલ્મના બબાલ વચ્ચે પોતાના પર ખતરો હોવાની મુંબઈ પોલીસને વાત કરી છે. મુંબઈ પોલીસ મનોજની અપીલ પર વિચાર કરીને તેને સુરક્ષા આપવાનો નિર્ણય લેશે. નેપાળના કાઠમંડુમાં તો આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ સિવાય દેશમાં અનેક જગ્યાએ હિન્દુ સંગઠનોએ આ ફિલ્મનો થિએટરોમાં જઈને વિરોધ કર્યો છે.

આદિપુરુષના છપરી ડાયલોગ બદલાશે

આદિપુરુષ શુક્રવારે દેશભરના સિનેમાઘરોમાં રજૂ થઇ ત્યારથી વિવાદનો વમળમાં સપડાઇ ગઇ છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ ફિલ્મના લેખક મનોજ મુંતાશિરની આકરી ટીકા કરી છે.મનોજ મુંતાશીર પહેલે દિવસોથી પોતાની દલીલો રજૂ કરી રહ્યા હતા, પરંતુ હવે તેમણે લોકોના લાગણીનો સ્વીકાર કરી લીધો છે અને કહ્યું છે કે, જે સંવાદોથી લોકોની લાગણી દુભાઇ રહી છે, એ સંવાદોને બદલી નાંખવામાં આવશે અને નવા સંવાદો ફિલ્મમાં સામેલ કરી દેવામાં આવશે. આ વિશે મનોજ મુંતાશિરે ટ્વીટ પર લાંબી પોસ્ટ લખી છે જે તેમના જ શબ્દોમાં જાણો.

મનોજ મુંતાશીરે પોસ્ટમાં લોકોએ તેમને સનાતની દ્રોહી જેવા શબ્દો લખ્યા છે તેના માટે નારાજગી પણ વ્યકત કરી છે અને લોકોની વાત સ્વીકારી પણ છે. તેમણે લખ્યું છે કે,રામકથામાંથી પહેલો પાઠ એ છે કે દરેકની લાગણીઓને માન આપવું.સાચું કે ખોટું, સમય બદલાય છે, લાગણી રહે છે.મેં આદિપુરુષમાં 4000 થી વધુ પંક્તિઓ સંવાદો લખ્યા છે, 5 પંક્તિઓ પર કેટલાક લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે.

મુંતાશીરે કહ્યું કે ફિલ્મની એએ સેંકડો પંક્તિઓમાં જ્યાં શ્રી રામનો મહિમા કરવામાં આવ્યો હતો, મા સીતાની પવિત્રતાનું વર્ણન કરવામાં આવ્યું હતું, તેમની પ્રશંસા પણ મળવાની હતી, જે મને ખબર નથી કેમ ન મળી. મારા જ ભાઇઓએ સોશિયલ મીડિયા પર મારા માટે અશોભનીય શબ્દો લખ્યા, તો એ જે મારા પોતાના છે, જેમની માતાઓ માટે મેં ટીવી પર અનેક કવિતાઓ વાંચી છે, તેમણે પણ મારી પોતાની માતા માટે અભદ્ર શબ્દોથી સંબોધિત કરી.

મુંતાશીરે આગળ કહ્યું છે કે, હું વિચારતો રહ્યો, મતભેદ હોઈ શકે છે, પરંતુ મારા ભાઈઓમાં અચાનક આટલી કડવાશ ક્યાંથી આવી ગઈ કે તેઓ દરેક માતાને પોતાની માતા માનતા શ્રી રામને જોવાનું ભૂલી ગયા? શબરીના ચરણોમાં એવી રીતે બેઠા જાણે કૌશલ્યના પગ પાસે બેઠા હોય.

ફિલ્મના લેખક મનોજ મુંતાશીરે કહ્યું કે શક્ય છે કે 3 કલાકની ફિલ્મમાં મેં 3 મિનિટ એવું કઇંક લખ્યું હોય જે તમારી કલ્પનાથી અલગ હોય શકે છે. પરંતુ તમે મારા માથા પર સનાતન દ્રોહી લખી દેવામાં આટલી ઉતાવળ કેમ કરી નાંખી  એ હું ન જાણી શક્યો.

મુંતાશીરે કહ્યું કે, શું તમે ‘જય શ્રી રામ’ ગીત નથી સાંભળ્યું? શું તમે શિવોહમ નથી સાંભળ્યું? શું તમે રામ સિયા રામ નથી સાંભળ્યું? આદિપુરષમાં સનાતનની એ સ્તુતિઓ તો મારા લખાણમાંથી જન્મી છે. કેસરી ફિલ્મનું તેરી મિટ્ટીમાં મર જાવા, દેશ મેરે ભી, આ  પણ તો મેં જ લખ્યું છે.

મનોજ મુંતાશીરે કહ્યું કે, મને તમારાથી કોઇ ફરિયાદ નથી, તમે મારા સ્વજનો હતા અને રહેશો. આપણે જો એકબીજાના સામે ઉભા રહી જઇશું તો એ સનાતનની હારી જશે. અમે આદિપુરુષ સનાતન સેવા માટે જ બનાવી છે. આ પોસ્ટ મેં એટલા માટે લખી છે, કારણકે તમારી ભાવનાઓથી ઉપર મારા માટે કશું જ નથી. હું મારા લખેલા સંવાદો માટે અનેક દલીલો રજૂ કરી શકું તેમ છું, પરંતુ તેનાથી તમારી પીડા ઓછી થવાની નથી.

મેં , ફિલ્મ નિર્માતા અને ડિરેકટરે નિર્ણય લીધો છે કે, કેટલાંક સંવાદો જેને કારણે તમારી લાગણી દુભાઇ છે, તેને ફિલ્મમાંથી હટાવી દેવાશે અને નવા સંવાદો આ સપ્તાહમાં જ સામેલ કરી દેવામાં આવશે. ભગવાન શ્રી રામ તમારા બધા પર કૃપા કરે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp