ગુજરાતી ફિલ્મ 'લકીરો' 6 જાન્યુઆરીએથી સિનેમાઘરોમાં
એક પરિણીત યુગલના જીવનના તાણા વાણા દર્શાવતી ગુજરાતી ફિલ્મ 'લકીરો' દર્શકોને મનોરંજન આપવા આવી રહી છે. 'લકીરો' 6ઠ્ઠી જાન્યુઆરી, 2023ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
'લકીરો' એક રોમેન્ટિક ડ્રામા છે જે એક યુગલ અને લગ્ન પછીની સફરની આસપાસની વાર્તા છે. આ ફિલ્મ લાગણીઓ, સંબંધ અને પ્રેમથી ભરપૂર છે. રિચા અને હૃષિ પ્રેમમાં પડે છે અને લગ્ન કરે છે. બંને વર્કિંગ કપલ્સ છે અને ધીમે ધીમે આ જ વસ્તુ તેઓ બંને વચ્ચે અંતર ઉભું કરે છે. વાત એટલી હદ સુધી ખરાબ થઇ જાય છે કે તેઓ છૂટાછેડા લેવાનું વિચારે છે. રિચા અને હૃષિની લકીરો જે જેમાં એકબીજાના ભાગ્ય લખાયેલા છે તેઓ જીવનના સારા દિવસો પણ જોવે છે અને ખરાબ દિવસો પણ જોવે છે.
આ ફિલ્મ એવા તમામ વર્કિંગ કપલ્સ વિશે છે કે જેઓ કરિયરની ભાગાદોડીમાં ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે વિતાવવાની કિંમતી ક્ષણોને અવગણે છે. મહત્વકાંક્ષા અને કારકિર્દીની પાછળ ભાગતા આજના યુવાન યુગલો પોતાના પરિવારને દૂર એકબીજાને સમય આપવા કરતા કામ કરવાનું પસંદ કરે છે. કોઈ પણ સંબંધમાં પ્રેમ અને લાગણીની સાથે સાથે એકબીજા માટે સમજ અને એકબીજા માટે બહુ જ કરી છૂટવાની કે બહુ જ જતું કરવાની ભાવના પણ હોવી જોઈએ. રિચા અને હૃષિનું પાત્ર આપણને આજ વાત સમજાવે છે.
આ ફિલ્મ ડો.દર્શન અશ્વિન ત્રિવેદીએ લખી છે અને નિર્દેશન કર્યુ છે. રૌનક કામદાર, દીક્ષા જોશી, નેત્રી ત્રિવેદી, શિવાની જોશી, વિશાલ શાહ અને ધર્મેશ વ્યાસ મુખ્ય ભૂમિકામાં છે. 'લકીરો' નું ટ્રેલર અને ફિલ્મનું સંગીત પહેલેથી જ દર્શકોના હૃદયમાં છવાઈ ગયું છે. નિર્માતાઓ હવે સંપૂર્ણ ફિલ્મને દર્શકો સમક્ષ રજુ કરવા ઉત્સાહી છે. 'લકીરો'નું ટાઈટલ ટ્રેક પ્રતિભાશાળી અને પ્રખ્યાત ગાયક અમિત ત્રિવેદીએ ગાયું છે. પાર્થ ભરત ઠક્કરે કમ્પોઝ કર્યું છે અને ગીત ચિરાગ ત્રિપાઠી અને તુષાર શુક્લાએ શબ્દો લખ્યા છે. પાર્થ ભરત ઠક્કરે આપણા ભારતીય બીટ્સ સાથે જેઝ ઉમેર્યુ છે. આ પહેલીવાર છે કે જ્યાં જેઝનો ઉપયોગ આટલી વ્યાપક રીતે કરવામાં આવ્યો છે. આ વોર્નર મ્યુઝિક ઈન્ડિયાનું પહેલું પ્રાદેશિક આલ્બમ છે.
'લકીરો' ડિરેક્ટર ડૉ. દર્શન અશ્વિન ત્રિવેદીની આગલી સફળ ફિલ્મો 'મૃગતૃષ્ણા' અને 'મારા પપ્પા સુપર સ્ટાર' પછીની ત્રીજી ફિલ્મ છે. તેઓ કહે છે, "આ ફિલ્મ ખરેખર મારા હૃદયની નજીક છે અને કેટલીક સાચી ઘટનાઓથી પ્રેરિત છે. મેં આ ફિલ્મને સંબંધ, પ્રેમ અને લાગણીઓના અનોખા અભિગમ સાથે બનાવી છે. ફિલ્મ સાથે મારુ જે વિઝન હતું એ મારી કાસ્ટ અને ટીમના સહકાર સાથે બહુ જ સારી રીતે પડદા પર પરિપૂર્ણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત આ ફિલ્મના સંગીત સાથે પાર્થ ભરત ઠક્કરે અદભૂત કામ કર્યું છે."
ફિલ્મના રિચા અને હૃષિનું પાત્ર ભજવનાર કલાકારો રૌનક કામદાર અને દીક્ષા જોશી આ ફિલ્મ માટે બહુ જ ઉત્સુક છે. તેઓ જણાવે છે, "આજના સમયમાં જયારે કપલ પોતપોતાની પ્રોફેશનલ લાઈફ ધરાવતા હોય ત્યારે તેઓ માથે ઘર ની સાથે સાથે કામની પણ જવાબદારી પણ હોય એટલે નાની નાની બાબતો જે ખરેખર એક કપલે એંજોય કરવાની હોય એ નથી થતું. આ ફિલ્મનો કોન્સેપ્ટ જ બહુ રીલેટેબલ છે. દર્શકોને મજા પડી જશે."
જે રીતે ફિલ્મ લકીરો બનાવવાનું કાર્ય સફળ રહ્યું તેનાથી ફિલ્મના નિર્માતાઓ ખુબ જ ખુશ છે, આ અંગે તેઓ જણાવે છે, "લકીરોની સફર અને મેકિંગ વાસ્તવમાં લકીરો (ડેસ્ટિની) છે અને અમે જે પણ આ ફિલ્મ માટે કર્યું છે અથવા ફિલ્મ માટે વિચાર્યું છે તે બધું જ યોગ્ય સ્થાને પાર પડ્યું છે. તેથી, આશા છે કે લોકોને એક અલગ ફીલ અને કન્ટેન્ટ જોવા મળશે અને તેઓને ગમશે."
રાજયોગી પ્રોડક્શન્સ દ્વારા ટ્વેન્ટી21 સ્ટુડિયોના સહયોગમાં આ ફિલ્મ બનાવવામાં આવી છે, જેનું નિર્માણ સ્નેહ શાહ, પ્રણવ જોષી, ડૉ. દર્શન અશ્વિન ત્રિવેદી, સૂર્યવીરસિંહ ભુલ્લર, ભરત મિસ્ત્રી અને હેમેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે, રાજયોગી પ્રોડક્શન્સ એ રાજયોગી ગ્રુપ ઑફ કંપનીઝનું એક વેન્ચર છે જેનું વિઝન છે ગુજરાતી સિનેમા અને કન્ટેન્ટ ને જરૂરી ફેરફારો સાથે કેવી રીતે દર્શકો સમક્ષ રજુ કરવા જોઈએ. આ કંપનીની શરૂઆત સ્નેહ શાહ, એક પ્રોફેશનલ ક્રિકેટર અને ઉદ્યોગસાહસિક અને પ્રણવ જોષી, એક સેલિબ્રિટી શેફ દ્વારા કરવામાં આવી હતી. 'લકીરો' 6ઠ્ઠી જાન્યુઆરી, 2023ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp