મહેશ કનોડિયાના નિધન બાદ PM નરેન્દ્ર મોદીએ કરી ટ્વીટ
નરેશ કનોડિયાના ભાઈ, પૂર્વ સાંસદ અને ગાયક મહેશ કનોડિયાનું આજે નિધન થયું હતું. તેમના નિધન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ આપી હતી. PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, મહેશ કનોડિયાના નિધનથી ખૂબ જ દુખ થયું. તેઓ એક બહુમુખી પ્રતિભાસંપન્ન ગાયક હતા, જેમને લોકોનો અપાર પ્રેમ મળ્યો. એક રાજનેતાના રૂપમાં પણ તેઓ ગરીબો અને પછાત વર્ગના સશક્તિકરણ માટે સમર્પિત રહ્યા હતા. હિતુ કનોડિયા સાથે મેં વાત કરી અને તેમના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
બીજી ટ્વીટમાં PMએ લખ્યુ હતું કે, ગુજરાતના મશહૂર સંગીતકાર અને ગાયક શ્રી મહેશ કનોડિયાના અવસાનથી દુઃખ અનુભવું છું. શ્રી મહેશ કનોડિયાએ ગુજરાતી લોકસંગીતને લોકપ્રિય બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. તેઓની લાંબા સમયની સંસદસભ્ય તરીકેની પ્રભાવી કામગીરીનો હું નજીકથી સાક્ષી રહ્યો છું.
ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ સાંસદ અને નરેશ કનોડિયાના ભાઈ મહેશ કનોડિયાનું 83 વર્ષની વયે ગાંધીનગરમાં નિધન થયું છે. મહેશ કનોડિયા છેલ્લા લાંબા સમયથી બીમાર હતા અને બીમારીના કારણે તેમનું મૃત્યુ થયું છે. મહેશ કનોડિયા દેશ-વિદેશમાં મહેશ-નરેશના નામે અનેક મ્યુઝિકલ કાર્યક્રમો પણ આપી ચૂક્યા છે.
80 દાયકામાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહેશ-નરેશ એવા ગુજરાતી સ્ટાર છે કે, જેમણે ભારત બહાર જઈને પણ સ્ટેજ પ્રોગ્રામો કર્યા છે. મહેશ-નરેશની બેલડી આફ્રિકા, અમેરિકા તથા એશિયા જેવા દેશોમાં અનેક સ્ટેજ પ્રોગ્રામમાં પર્ફોમન્સ આપ્યું છે.
મહેશ કનોડિયાનો જન્મ મહેસાણાના કનોડા ગામમાં થયો હતો અને તેમના પિતા મીઠાભાઇ અને માતા દલીબેન વણાટ કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા. મીઠાભાઈને 7 સંતાનો હતા. જેમાં નરેશ કનોડિયા, શંકર કનોડિયા, નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાનો સમાવેશ થાય છે અને ત્રણ બહેનોમાં નાથીબેન, પાનીબેન અને કંકુબેનનો પણ સમાવેશ થાય છે.
ચાર ભાઈ અને ત્રણ બહેન હોવા છતાં પણ મીઠાભાઇ એક જ રૂમમાં રહેતા હતા. ગુજરાતી ફિલ્મ સંગીતકાર તરીકે ખ્યાતિ પામેલા મહેશ કનોડિયાએ પિતાની યાદગીરીના રૂપમાં હજી પણ તેમનું 1 રૂમવાળું મકાન રાખ્યું છે. મહત્ત્વની વાત છે કે, મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા નાની ઉંમરથી જ સ્ટેજ પ્રોગ્રામ શરૂ કર્યા હતા. છેલ્લા કેટલાક માહિલાઓથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર કહેવાતા અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાને પણ હતા. તેમણે અમદાવાદને યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. 20 ઓક્ટોબરના રોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને હાલ તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 22 સપ્ટેમ્બરના રોજ યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નરેશ કનોડિયાની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. જેમાં તેઓ હોસ્પિટલના બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp