49 કરોડના ખર્ચે 288 પોલીસ આવાસોનું લોકાર્પણ કરતા હર્ષ સંઘવી, જુઓ કેવા છે ઘર

PC: twitter.com

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ.-ગાંધીનગર દ્વારા રાજ્ય અનામત પોલીસ દળ જુથ-11 માટે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ખાતે રૂ.49 કરોડના ખર્ચે નવનિર્મિત બી-288 આવાસોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ સંપન્ન થયુ હતું. મંત્રીએ આવાસધારક પોલીસ જવાનોને આવાસની ચાવીઓ અર્પણ કરી હતી.

પોલીસ જવાનોને સુવિધાયુકત રહેણાંક મળી રહે તે માટે અગાઉ બે રૂમને બદલે હવે રસોડા સાથે ત્રણ રૂમો બનાવવામાં આવ્યા છે. 12 માળના ત્રણ ટાવરોના આવાસોમાં વુડન કબાટ તથા મોડયુલર કિચન સવલત સાથે લિફ્ટ, જનરેટર, પાર્કિગ શેડ, ગેસ કનેક્શનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, એસ.આર.પી. ગુજરાતની આર્મીની ફોર્સ છે. રાજ્યમાં આવેલી અનેક મુસીબતોમાંથી સુખરૂપ બહાર લાવવાનુ કાર્ય આ ફોર્સ દ્વારા કુશળતાથી કરવામાં આવ્યું છે. હંમેશા પરિવારથી દુર રહી ત્યાગ,શૌર્ય અને સેવાપરાયણતાની ભાવના સાથે કાર્ય કરનારા જવાનોના પરિવારજનોને વંદન કરતા જણાવ્યું કે, અતિવૃષ્ટિ કે કોઈ પણ તહેવારો હોય, રાજ્યની શાંતિ અને સલામતિ જાળવવાની કપરી ફરજ આ પોલીસ જવાનો દ્વારા નિભાવવામાં આવે છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે સમય સાથે તાલ મિલાવી પોલીસ વિભાગનું કોર્પોરેટ ઢબે આધુનિકીકરણ કર્યું છે. એસ આર.પી.એફ. જવાનોના પરિવારજનોને પણ સુવિધાયુકત આવાસો ઉપલબ્ધ થાય એ માટે રાજ્ય સરકાર પણ કોર્પોરેટ કલ્ચરની માફક સુવિધાઓ પુરી પાડવા માટે તત્પર છે. આ તો માત્ર શરૂઆત હોવાનુ જણાવીને આગામી સમયમાં ઉત્તમ સગવડો ઊભી કરવામાં આવનાર હોવાની વિગતો તેમણે આપી હતી.

આ અવસરે હથિયારી એકમોના એડિશનલ ડીજીપી ડો. પી. કે.રોશન તથા પોલીસ અનામતદળ વાવ જુથ-11ના સેનાપતિ ઉષા રાડાએ પ્રાસંગિક પ્રવચન કરીને પોલીસને મળતી આવાસની સગવડો વિશેની વિગતો આપી હતી. અક્ષરધામ હુમલા સમયે શહીદી વહોરનારા અર્જુનસિંહના નામ પર એસ.આર.પી.એફ. વાવ ખાતે રસ્તાનું નામકરણ કરાયુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp