- Governance
- ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન અરજી કર્યાના પછીના માસથી મળે છેઃ મંત્રી
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન અરજી કર્યાના પછીના માસથી મળે છેઃ મંત્રી
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત અરજદારનું પેન્શન અરજી કર્યાના પછીના માસથી શરૂ થાય છે તેમ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વર પરમારે જણાવ્યું છે. સુરત જિલ્લામાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે, કુલ 2925 અરજીઓ મળી હતી. જેમાંથી 2472 મંજૂર કરી રુા. 1,27,87,750/-ની સહાય ચૂકવવામાં આવી છે.
આ યોજનાના લાભ સંદર્ભે તેમણે જણાવ્યું કે, 60થી વધુ ઉંમરની વય ધરાવતા અરજદાર તાલુકા મામલતદાર, કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્ર તેમજ ઓનલાઇન અરજી પણ કરી શકે છે.
આ માટે અરજદારની ઉંમર 60 વર્ષ હોવાની સાથે બી.પી.એલ. યાદીમાં 0 થી 20ના સ્કોરમાં હોવો જરૂરી છે. તેમણે જણાવ્યું કે, 60 થી 89 વર્ષ સુધીનાને રાજ્ય સરકાર દ્વારા રૂા. 550/- અને કેન્દ્ર સરકાર દ્વારા રૂા. 200/- મળી કુલ રૂા. 750/-ની સહાય ચૂકવાય છે. તેમજ 90 વર્ષથી વધુને રાજ્ય સરકાર દ્વારા રૂા.500/- અને કેન્દ્ર સરકાર દ્વારા રૂા. 500/- મળી કુલ રૂા. 1000/-ની સહાય આપવામાં આવે છે.

