રાહુલ ગાંધીને સજા આપનાર જજના પ્રમોશન પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી,બઢતી ગેરકાયદેસર

PC: khabarchhe.com

સુપ્રીમ કોર્ટે સુરતના ચીફ જસ્ટીસ મેજિસ્ટ્રેટ હરીશ હસમુખભાઈ વર્મા સહિત ગુજરાતની નીચલી કોર્ટના 68 જજોને મોટો ઝટકો આપ્યો છે અને તેમને મળેલા પ્રમોશન પર રોક લગાવી દીધી છે. સુરતના ચીફ જસ્ટીસ મેજિસ્ટ્રેટ હસમુખભાઈ વર્મા એટલે ચર્ચામાં વધુ છે કારણ કે તેમણે હાલમાં જ માનહાનિના એક કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષી જાહેર કર્યા હતા.

સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એમ.આર.શાહ અને જસ્ટીસ સી.ટી.રવિકુમારની બેન્ચે કહ્યું હતું કે, ગુજરાત રાજ્ય ન્યાયિક સેવા નિયમાવલી 2005 મુજબ યોગ્યતા-સહ-વરિષ્ઠતાના સિદ્ધાંત અને યોગ્યતા પરીક્ષા પાસ કરવા પર જ પ્રમોશન મળવું જોઈએ. નિયમાવલીમાં 2011મા સંશોધન કરવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટ કહ્યું કે હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અને જિલ્લા ન્યાયાધીશોને પ્રમોશન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલો આદેશ ગેરકાયદેસર અને કોર્ટના નિર્ણયની વિપરીત છે. એટલે આને ચાલુ ન રાખી શકાય.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે પ્રમોશન લિસ્ટના અમલ પર રોક લગાવીએ છીએ. સંબંધિત બઢતી પામેલા અધિકારીઓને તેમની મૂળ પોસ્ટ પર પાછા મોકલવામાં આવે છે, જ્યાં તેઓ તેમને બઢતી પહેલા પોસ્ટ કરવામાં આવ્યા હતા.

કોર્ટે પ્રમોશન પર રોક લગાવતો વચગાળાનો આદેશ પસાર કર્યો હતો અને ન્યાયાધીશ શાહ 15 મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા હોવાથી સુનાવણી માટે યોગ્ય બેન્ચ સમક્ષ આ બાબતને સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટ વરિષ્ઠ સિવિલ જજ કેડરના અધિકારી રવિકુમાર મહેતા અને સચિન પ્રતાપરાય મહેતા દ્વારા જિલ્લા ન્યાયાધીશોની ઉચ્ચ કેડરમાં 68 ન્યાયિક અધિકારીઓની પસંદગીને પડકારતી અરજી પર સુનાવણી કરી હતી.

જે 68 જજોની બઢતીને પડકારવામાં આવી છે તેમાં સુરત સ્થિત CJM વર્માનો પણ સમાવેશ થાય છે, જેઓ હાલમાં ગુજરાત સરકારના કાનૂની વિભાગમાં અન્ડર સેક્રેટરી અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મદદનીશ નિયામક તરીકે કાર્યરત છે.

સુપ્રીમ કોર્ટે 13 એપ્રિલે ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને રાજ્ય સરકારને બે ન્યાયિક અધિકારીઓની અરજી પર નોટિસ પાઠવી હતી. સુપ્રીમ કોર્ટે આપેલા આદેશની ટીકા કરતા કહ્યું હતું કે 68 અધિકારીઓને બઢતી આપવાનો આદેશ 18 એપ્રિલે એ જાણીને પસાર કરવામાં આવ્યો હતો કે મામલો તેની સમક્ષ પેન્ડિંગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp