બિપરજોય વાવાઝોડાના અસરગ્રસ્તોની મદદ માટે શ્રી ખોડલધામમાં 15000 ફૂડ પેકેટ તૈયાર

શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાનો ખતરો રાજ્યના વિવિધ જિલ્લામાં મંડરાઈ રહ્યો છે ત્યારે હર હંમેશા આપત્તિ સમયે નાતજાત ભૂલીને છેવાડાના માનવી સુધી મદદ પહોંચાડવા માટે ખડેપગે રહેતા શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા આ આપત્તિની પરિસ્થિતિમાં જરૂરિયાત મંદ લોકોને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા છે. જે જિલ્લાઓમાં વાવાઝોડાની અસર થવાની છે તે જિલ્લાઓમાં યુદ્ધના ધોરણે ફૂડ પેકેટ તૈયાર કરીને પહોંચાડવાની કામગીરી શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા કરવામાં આવી છે.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલ રાજકોટ શહેરના સરદાર પટેલ ભવન ખાતે પ્રથમ તબક્કામાં કુલ 15000 ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને આ ફૂડ પેકેટ વહીવટી તંત્રના જણાવ્યા પ્રમાણે જે જગ્યાએ જરૂરિયાત છે ત્યાં પહોંચતા કરવામાં આવી રહ્યા છે અને 1 લાખ ફૂડ પેકેટ બને તેટલું મટીરીયલ એકઠું કરી દેવામાં આવ્યું છે અને વહીવટી તંત્ર જે પ્રમાણે સૂચના આપશે તે પ્રમાણે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચતા કરવામાં આવશે.
રાજકોટ ખાતે ફૂડ પેકેડ તૈયાર કરવા માટે આશરે 150થી વધુ સ્વયંસેવકો રાત-દિવસ કામગીરી કરી રહ્યા છે. તૈયાર કરાયેલા ફૂડ પેકેટને વ્યવસ્થિત પેક કરીને વહીવટી તંત્ર સાથે સંકલન કરીને વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહ્યા છે.
બિપરજોય વાવાઝોડાના કારણે દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈને અને સરકારના નિયમ અનુસાર આગામી તારીખ 14 અને 15 જૂનના રોજ શ્રી ખોડલધામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. ત્યારબાદ સરકારની સૂચના મુજબ મંદિર રાબેતા મુજબ ચાલુ થશે જેની સર્વે દર્શનાર્થીઓએ નોંધ લેવા જણાવાયું છે.
બિપરજોય વાવાઝોડાને લઈને ગીર-સોમનાથ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, મોરબી અને રાજકોટ જિલ્લામાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય આ જિલ્લાના લોકોને મદદરૂપ થવાના હેતુથી શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે અને જરૂરિયાતમંદ લોકોને બનતી મદદ પહોંચાડવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp