- Central Gujarat
- અમદાવાદના બંગલામાં દારૂ પીતા 8 પકડાયા, શું દારૂ ક્યાંથી આવ્યો એની તપાસ થશે?
અમદાવાદના બંગલામાં દારૂ પીતા 8 પકડાયા, શું દારૂ ક્યાંથી આવ્યો એની તપાસ થશે?
રાજ્યમાં દારૂબંધી હોવા છતા પણ છાશવારે દારૂ પકડાયા હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે શહેરના પોશ વિસ્તારમાંથી એક એસજી હાઈવે પર આવેલી શેલ્બી હોસ્પિટલ પાસેના એક બંગલોમાં બર્થડે પાર્ટી નિમિત્તે દારૂની મહેફિલ માણતા લોકોની આનંદનગર પોલીસે ધરપકડ કરી છે. આવી ખબર તો રોજ આવતી રહે છે કે અહિયા દારૂ પીતા પકડાયા, ત્યાં દારૂની મહેફીણ માણતા ઝડપાયા પણ શું આ દારૂ ક્યાંથી આવ્યો તેની તપાસ થાય છે ખરી? કારણ કે ગુજરાતમાં તો દારૂબંધી છે તો આ દારૂ ક્યાંથી આવ્યો એની તપાસ કરવી મહત્ત્વની વાત બની જાય છે.

મળતી માહિતી મુજબ, આનંદનગર પોલીસને બાતમી મળી હતી કે, શેલ્બી હોસ્પિટલ નજીક આવેલા રાજદીપ વિલા-1 બંગ્લોમાં બર્થ-ડે પાર્ટીની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ ઉજવણી નિમિત્તે કેટલાક યુવાનો દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવી રહી છે. આથી પોલીસે બાતમીના આધારે બંગ્લામાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી પોલીસે દારૂની મહેફિલ માણતા 8 જેટલા લોકોની ધરપકડ કરી છે.

માહિતી મુજબ, ધરપકડ કરાયેલા લોકોમાં શહેરના જાણીતા બિલ્ડરના દીકરા, ભત્રિજા સહિતના લોકોની ધરપકડ કરાઈ છે. આ મહેફિલમાં દારૂની બોટલો ક્યાંથી લાવવામાં આવી હતી? કોના બર્થડે પર દારૂની પાર્ટીનું આયોજન કરાયું હતું તે દીશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે પકડાયેલા લોકો સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

