- Central Gujarat
- વડોદરામાં ધો.9ના વિદ્યાર્થીએ પોતે રચ્યું હતું અપહરણનું તરકટ, આ હતું કારણ
વડોદરામાં ધો.9ના વિદ્યાર્થીએ પોતે રચ્યું હતું અપહરણનું તરકટ, આ હતું કારણ
બુધવારે વડોદરાના પાદરામાં આવેલી એક જાણીતી હાઇસ્કૂલના સગીર વિદ્યાર્થીનું બે અજાણ્યા શખ્સે મોટરસાઇકલ પર આવી અપહરણ કરી હત્યા કરવાના ઇરાદે ગામના છેવાડે આવેલી કેનાલમાં વિદ્યાર્થીને ફેંકી દીધો હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે આ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. માહિતી મુજબ, પોતાનો ગુનો છુપાવવા વિદ્યાર્થીએ જ આખું તરકટ રચ્યું હતું.
આ મામલે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું કે, પાદરામાં આવેલી એક જાણીતી હાઇસ્કૂલમાં ધો.9ના સગીર વિદ્યાર્થીને બે અજાણ્યા શખ્સે મોટરસાઇકલ પર અપહરણ કરી કેનાલમાં ફેંકી દીધો હતો અને ત્યાં બાદ ખેતરમાં કામ કરતા ખેડૂતે તેનો જીવ બચાવ્યો હોવાની માહિતી બુધવારે પોલીસને મળી હતી. આ મામલે પ્રાથમિક તપાસમાં મામલો પ્રેમ-પ્રકરણનો હોવાનું સામે આવ્યું હતું. પરંતુ, જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી તો ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે વધુમાં જણાવ્યું કે, વિદ્યાર્થીના નિવેદન પર શંકા જતા તેની કડક પૂછપરછ કરવામાં આવી હતી.
પોલીસની સઘન પૂછપરછમાં વિદ્યાર્થીએ ડરીને તમામ હકીકત જણાવી હતી. વિદ્યાર્થીએ પોલીસને જણાવ્યું હતું કે તેણે પોતાનો ગુનો છુપાવવા માટે કેનાલમાં ઝંપલાવ્યું હતું અને પછી બચાવો-બચાવોની બૂમો પાડી હતી. આથી નજીકના ખેતરમાં કામ કરતા ખેડૂતે કેનાલમાં દોરડું નાખી તેણે બચાવ્યો હતો. વિદ્યાર્થીએ કબુલ્યું હતું કે, તેણે પોતાના મામાના દીકરાના ત્યાં ચોરી કરી હતી. આથી ચોરીને છુપાવવા માટે તેણે આ આખું તરકટ રચ્યું હતું. જોકે આ મામલે પોલીસે વિદ્યાર્થીની વધુ પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

