દક્ષિણ ગુજરાતમાં અહીં આવેલું છે સુંદર આર્ટિસ્ટ હાઉસ

PC: Khabarchhe.com

'કેવલ સ્વયં કો ખોજના હૈ, બાકી સબ તો ગુગલ પે હૈ હી'. માનવીને પોતાની આત્મખોજ માટે પ્રેરતી આ પંક્તિને ખરા અર્થમાં સાર્થક કરવી હોય, કે સાથે જ પોતાના માંહયલાને ઓળખવાનો અહેસાસ કરવો હોય, તો એના માટે નિરવ શાંતિ અને પ્રકૃતિનો ખોળો શ્રેષ્ઠ સ્થળ ગણાય. આવા જ કઈંક હટકે પ્રકૃતિપ્રેમી પર્યટકો કે જેણે માત્ર ને માત્ર શાંતિ માટે પ્રવાસ કરવો હોય, કુદરતને અને પોતાને મનની આંખોથી નિરખવા હોય, કુદરત સાથે તાદાત્મ્યતા કેળવવી હોય, અને આંતરખોજ કરવી હોય, તો આવો અદભૂત માહોલ પ્રદાન કરતું એક સ્થળ, સહિયાદ્રિ પર્વતમાળાની ગોદમાં તમારી રાહ જુએ છે. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાની સમીપે આવેલા ચનખલ ગામની સીમમાં, સહિયાદ્રિ પર્વતમાળાની શૃંખલાની વચ્ચે આવેલું 'આર્ટિસ્ટ હાઉસ' પ્રકૃતિ સાથે નાતો જોડવાનો અનોખો અવસર પુરો પાડે છે.

નૈસર્ગિક માહોલ પ્રદાન કરતું આ સ્થળ ખાણીપીણીના શોખીન પ્રવાસીઓ માટે હરગીઝ નથી. એ ચોખવટ સાથે જણાવી દઉં કે, અંહી માનવી અને પ્રકૃતિના સુભગ સમન્વય થકી પોતાના અંતરાત્માને ઓળખવા માંગતા, અને મનની સાચી શાંતિ માટે કેવળ સ્વયંને શોધવા માંગતા પર્યટકો આ સ્થળનો લુફત ઉઠાવી શકે છે. આત્મનિર્ભર અને ખૂબ જ સંવેદનશીલ સર્જકોના પરિવારની સ્વપ્નસૃષ્ટિ જેવા આ સ્થળના કણકણમાં તેમના પરિશ્રમની પ્રસ્વેદની સુવાસ પ્રગટે છે. કોઈ પણ જાતના વ્યાવસાયિક હિતોથી દૂર, માત્ર ને માત્ર પ્રકૃતિ અને સંસ્કૃતિનો સમન્વય સાધી, પોતાની જાતને ઓળખવા માંગતા લોકોને પાયાકિય સુવિધા સાથે એક ઉત્તમ મોકો પ્રદાન કરવાની ઘેલછાને પરિણામે આ સ્થળનું નિર્માણ થયું છે.

અંહી બે ચાર દા'ડા રોકાણ કરવાની મહેચ્છા સાથે આવતા પ્રકૃતિપ્રેમી પર્યટકો માટે આ પરિવાર યોગ, પ્રાણાયામ, નેચરોપથી સાથે વિવિધ કળા જેવી કે નેચર ફોટોગ્રાફી, મોડલીંગ, એકટિંગ, ગીત સંગીત, નૃત્ય, ટ્રેડિશનલ પેઈંટિંગ, વારલી અને પચવે પેઈંટિંગ, સ્કલ્પચર આર્ટ જેવી વિવિધ સર્જનાત્મક પ્રવૃતિ પણ પુરી પાડે છે. પ્રકૃતિપ્રેમી પર્યટકોના રસરુચિના તમામ પાસાઓને લક્ષમાં લઈ તેમને નેચર ટ્રેઇલ, જંગલ ટ્રેઇલ, વિલેજ ટ્રેઇલ, ઓર્ગેનિક ફાર્મિંગ, ટ્રેડિશનલ અને ઓર્ગેનિક સેલ્ફ મેડ ફૂડ, મેંડિશનલ પ્લાનટેશન સાથે સંપૂર્ણ પરિવારિક માહોલ પુરો પાડવામાં આવે છે. 24×7×365 દિવસ પ્રકૃતિ, સંસ્કૃતિ, અને સર્જન કળાને જીવંત રાખવાની મથામણ કરતા આ પરિવારના મોભી એવા અનિલભાઈ પટેલે એક નાનકડી મુલાકાતમાં જણાવ્યુ હતું કે, સુરતના નાલંદા વિદ્યાલયના સંચાલકો પણ અંહી જીવનના પાઠ ભણવા માટે, તેમના બાળકોને પ્રકૃતિની ગોદમાં મોકલી, વિવિધ પ્રવૃતિઓમાં સામેલ કરી રહ્યા છે. ત્યારે શહેરની અન્ય શાળાઓ પણ તેમના પગલે ચાલી બાળકોને પ્રકૃતિ, સંસ્કૃતિ, અને લોકકલાના વારસાને જાણવા, માણવા, અને સમજવા 'આર્ટિસ્ટ હાઉસ' માં નિવાસી કેમ્પ આયોજિત કરી રહ્યા છે.

ડુંગરોની હારમાળા વચ્ચે પાયાકિય જરૂરિયાતોની પૂર્તિ સાથે તૈયાર કરાયેલી અંહીની હટ્સમાં તમે રાતવાસો કરીને, ખુલ્લા આકાશમાં ટમટમતા તારલાઓ, અને ઘનઘોર રાત્રીના અંધકારમાં વન પ્રદેશમાં ઝગમગતા જુગનુઓના ઝુંડનો અણમોલ નજારો નસીબમાં હોય તો માણી શકો છો. ખળખળ વહેતા ઝરણાનું સંગીત, ક્યાક રાની પશુઓની દહાડ, તો ક્યાક સરીશ્રુપોના છુપા ભયના ઓથાર સાથે કેમ્પ ફાયરના સથવારે પરંપરાગત સિઝનલ ડાંગી વ્યંજનોનો આસ્વાદ માણવાની ઉતમ તક સાથે, કોઈ પ્રોફેશનલ સર્વિસ પ્રોવાઇડરથી જોજનો દુર, પારિવારિક વાતાવરણમાં માંહયલા સાથે એકાત્મકતા સાધવાનો અમૂલ્ય અવસર તમને અહી મળી રહે છે.

સર્જક પરિવારના સ્વપ્નસૃષ્ટિ જેવા આ સ્થળને રાજ્ય સરકારના પ્રવાસન વિભાગની 'હોમ સ્ટે પોલિસી' અને ભારત સરકારના 'સ્ટાર્ટ અપ ઈન્ડિયા' કાર્યક્રમ સાથે સાંકળીને, અન્ય યુવાનોને 'આત્મનિર્ભર' બનવાની પ્રેરણા પૂરૂ પાડતું આ સ્થળ, સ્વબળે કઇં કરી દેખાડવાની મહેચ્છા ધરાવતા યુવક/યુવતીઓ માટે પ્રેરણાતીર્થ બની રહ્યું છે.

અનિલ પટેલ કહે છે કે, માત્ર કોઈકના સહારે જ આગળ વધી શકાય તેવા ભ્રમને ભાંગવાનો, અને સ્વબળે પણ આત્મનિર્ભર બની શકાય તેનું પણ 'આર્ટિસ્ટ હાઉસ' ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. ધવલીદોડના નળગ્યા ગઢની પછવાડેથી વહેલી સવારે ઊગતા સૂર્યના કિરણો સાથે અહી પડતી ખુશનુમા સવારે, ઔષધિયુક્ત ગ્રીન ટી નો કપ હાથમાં લઈ, તેની ચૂસ્કી સાથે 'બારદા ધોધ' ના વહેતા જળપ્રપાતનું સંગીત, તમારા માત્ર એક દિવસને જ નહીં, આવનારા ઘણા દિવસોને તરોતાજા કરી, અહીની યાદોને ચીર સ્મરણીય બનાવી દેશે, જેમાં કોઈ બે મત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp