અંબાજી મોહનથાળ પ્રસાદનો મામલો વકર્યો, કોંગ્રેસે કહ્યુ- ચીક્કી માફિયાઓને ફાયદો...

PC: khabarchhe.com

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ વર્ષોથી માઇ ભક્તોને આપવામાં આવે છે. જે પણ ભક્ત અંબાજી મંદિરે દર્શન કરવા આવે છે તે અચૂક પણે મોહનથાળનો પ્રસાદ લે છે. કેટલાક ભક્તો તો મોહનથાળના પ્રસાદ લીધા વિના અંબાજીની યાત્રાને અધૂરી માને છે. ત્યારે હવે, ભક્તોની શ્રદ્ધા સાથે સંકળાયેલ મોહનથાળના પ્રસાદને બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જો કે, આ નિર્ણય બાદ વિવાદ વકર્યો છે.

માહિતી મુજબ, સોમવારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ અને પ્રતિનિધિ મંડળ સહિત પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અંબાજી મંદિરે પહોચ્યા હતા. અહીં, તેમણે મોહનથાળ પ્રસાદ ચાલુ રાખવા અંગે રજૂઆત કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા હેમંત રાવલે મંદિરે પહોંચી સૌથી પહેલા માતાજીના દર્શન કર્યા હતા અને ત્યાર બાદ મીડિયા સાથે વાત કરી કહ્યું હતું કે, ચીક્કી માફિયાઓ અને પોતાના માનીતાઓને ફાયદો કરાવવા માટે મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ, મોહનથાળનો પ્રસાદ બંધ કરાવતા કરોડો લોકોમાં રોષની લાગણી છે.

મીડિયા અહેવાલ મુજબ, તેમણે આગળ કહ્યું કે, સત્તાધીશોના આ નિર્ણયથી અંબાજીમાં 300 જેટલી બહેનોની રોજગારી પર જોખમ વધ્યું છે. આ સાથે પ્રતિનિધિ મંડળે બનાસકાંઠા કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા મોહનથાળના પ્રસાદ અંગે લેવાયેલા નિર્ણયનો વિરોધ કર્યો હતો અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે અંબાજી મંદિરમાં ભક્તોને મોહનથાળનો પ્રસાદ આપવાની જૂની પરંપરા જાળવી રાખવા માગ કરી છે. આ સાથે પ્રતિનિધિ મંડળ દ્વારા 108 વાર જય અંબેની ધૂન બોલાવી આદેવન પત્ર આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp