1 એપ્રિલ: મજાક, મસ્તી અને રમૂજનો દિવસ...!
આમ તો આપણે કેલેન્ડરમાં જોઈએ તો વર્ષમાં એક પણ દિવસ એવો નથી હોતો કે તે દિવસ વિશેષ ન હોય. તેમાં પણ ઘણા દિવસો સવિશેષ હોવાને કારણે આપણને તે દિવસે જાહેર રાજા પણ મળે છે. પરંતુ આજે આપણે જે દિવસ વિષે વાત કરવા જઈ રહ્યા છે તે આપણા હાલના હાડમારી ભર્યા જીવનમાં ખુબ જ જરૂરી અને ઉપયોગી દિવસ છે. આજકાલ વ્યક્તિના ચહેરા પરથી સ્મિત (હાસ્ય) જાણે ગાયબ થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. દિવસે ને દિવસે આપણી જીવનશૈલી અને કાર્યપધ્ધતી તણાવયુક્ત બની રહી છે અને જેના પરિણામ સ્વરૂપે આપણી આસપાસના લોકોમાં જીવનશૈલીને લગતા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. આ સ્થિતિમાં તણાવમાંથી રાહત મેળવવા માટે આનંદ, મજાક, મસ્તી અને રમૂજ કરવી ખુબ જ જરૂરી છે ત્યારે આપણી રોજીંદી વ્યસ્તતા વચ્ચે આજે અચાનક જ કોઈ બાળક, સ્વજન, મિત્ર, પરિચિત અથવા કદાચ દુશ્મન પણ આવીને તમારી સાથે મજાક, મસ્તી, ટીખળ કે રમૂજ કરે તો ખોટું ન લગાડતા કારણ કે આજે ૧ એપ્રિલ છે. વિશ્વના અનેક દેશના લોકો આજે “એપ્રિલ ફૂલ્સ ડે” અથવા “ઓલ ફૂલ્સ ડે” તરીકે ઉજવશે. આજના દિવસે ઘણા લોકો તેમના સ્વજનો, મિત્રો તથા સહકર્મીઓ સાથે એક યા બીજી રીતે મજાક, મસ્તી કે ટીખળ કરી તેમને મૂર્ખ બનવવાનો પ્રયાસ કરશે. તો આજે “એપ્રિલ ફૂલ્સ ડે” વિષે જ થોડી વધુ વાત કરીએ.
1 એપ્રિલ રજાનો દિવસ કે કોઈ પ્રખ્યાત તહેવાર ના હોવા છતાં ભારત સહિત ઘણા દેશોમાં બહોળા પ્રમાણમાં જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. આજના દિવસે લોકો પોતાના મિત્રો, કુટુંબીજનો, પડોશીઓ અને ક્યારેક દુશ્મનો સાથે પણ રમૂજભરી ટિખળ કરે છે. સામાન્ય રીતે આ ટિખળમાં સામી વ્યક્તિને મૂર્ખ બનાવવાનો ઉદ્દેશ્ય હોય છે. પારંપરિક રીતે કેટલાક દેશોમાં આવી મજાક-મસ્તીનો દોર ફક્ત બપોર સુધી જ ચાલે છે. જેમકે, યુ.કે., ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કેનેડામાં જો કોઇ બપોર પછી આવી રમૂજ કરે તો તેને જ "એપ્રિલ ફૂલ" કહેવામાં આવે છે. પરંતુ બીજા દેશોમાં અને આપણા ભારતમાં પણ, આવી મજાક આખો દિવસ ચાલે છે. ૧ એપ્રિલે 'એપ્રિલ ફૂલ' દિવસ કેમ ઉજવવામાં આવે છે, તે અંગેનો ઇતિહાસ જોઈએ તો આ અંગે અનેક માન્યતાઓ પ્રચલિત છે. એક માન્યતા અનુસાર આ દિવસ 1381માં પહેલીવાર ઉજવવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે ઇંગ્લેન્ડના રાજા રિચાર્ડ દ્વિતિય અને બોહેમિયાની રાણી એની એ સગાઈની જાહેરાત કરી હતી. તેમની સગાઈની તારીખ ૩૨ માર્ચ ૧૩૮૧ નક્કી કરવામાં આવી. આ સમાચાર સાંભળીને લોકો ખૂબ જ ખુશ થયા અને બધાએ જશ્ન મનાવવાનું શરૂ કર્યું. પાછળથી તેમને ખબર પડી કે કેલેન્ડરમાં ૩૨ માર્ચની કોઈ તારીખ નથી, એટલે કે બધા મૂર્ખ બની ગયા છે ત્યારથી ૧લી એપ્રિલના રોજ “એપ્રિલ ફૂલ ડે” મનાવવાનું શરૂ થયું
“એપ્રિલ ફૂલ ડે” સંબંધિત બીજા મત મુજબ તેની શરૂઆત ફ્રાન્સથી થઈ. કહેવાય છે કે વર્ષ 1582માં ચાર્લ્સ પોપે જૂના કેલેન્ડરને બદલીને તેની જગ્યાએ નવું રોમન કેલેન્ડર લાગુ કર્યું હતું. તેમ છતાં ઘણા લોકોએ જૂના કેલેન્ડરને અનુસરવાનું ચાલુ રાખ્યું. એટલે કે જૂના કેલેન્ડરને અનુસરીને, તે મુજબ નવા વર્ષની ઉજવણી કરવાનું ચાલુ રાખ્યું. ત્યારથી “એપ્રિલ ફૂલ્સ ડે” ઉજવવાનું શરૂ થયું. ઈતિહાસકાર એપ્રિલ ફૂલને હિલેરિયા (આનંદ માટે લેટિન શબ્દ) સાથે પણ જોડે છે. એને સિબેલ સમુદાયના લોકો માર્ચના અંતમાં પ્રાચીન રોમમાં મનાવતા હતા. એમાં લોકો વેશ કાઢતા અને એકબીજાની અને મેજિસ્ટ્રેટ સુધીના લોકોની મજાક ઉડાવતા. તેને ઈજિપ્તની પ્રાચીન કહાનીઓ સાથે જોડવામાં આવે છે. કેટલાક લોકો એમ પણ કહે છે કે એપ્રિલ ફૂલનો સંબંધ વર્નલ ઈક્વોનોક્સ કે વસંતના આગમન સાથે છે. પ્રકૃતિ બદલાતી મોસમ સાથે લોકોને બેવકૂફ બનાવે છે.
ભારતમાં “એપ્રિલ ફૂલ્સ ડે” ની ઉજવણી અંગે વાત કરીએ તો કેટલાક અહેવાલો અનુસાર અંગ્રેજોએ ભારતમાં આ દિવસ 19મી સદીમાં ઉજવવાનું શરૂ કર્યું હતું. એપ્રિલ ફૂલની શરૂઆત અંગેની માન્યતાઓની જેમ તેને ઉજવવાની રીત પણ અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ છે. ફ્રાન્સ, ઈટલી, બેલ્ઝિટમમાં કાગળની માછલી બનાવી લોકોની પાછળ ચિપકાવી દેવામાં આવે છે અને મજાક કરવામાં આવે છે. ઈરાની ફારસી નવાવર્ષના ૧૩મા દિવસે એક-બીજા પર મજાક કરે છે, આ ૧-૨ એપ્રિલનો દિવસ હોય છે. ડેનમાર્કમાં પણ આ દિવસ મનાવવામાં આવે છે અને તેને મજ-કટ કહેવાય છે. ઉપરાંત સ્પેનિશ બોલતા દેશોમાં ૨૮ ડિસેમ્બરે એપ્રિલ ફૂલ મનાવવામાં આવે છે, જેને ડે ઑફ હોલી ઈનોસેંટ્સ કહેવાય છે. આમ, એપ્રિલ ફૂલ ડે ની શરૂઆત ક્યારે અને કઈ રીતે થઈ એ એક રહસ્ય જ છે. લોકો એકબીજાની સાથે મજાક કરે છે અને અંતે, ‘એપ્રિલ ફૂલ’ બનાવ્યા કહીને ખુદ જ કહી પણ દે છે કે આ એક મજાક હતી.
એપ્રિલ ફૂલને જનતા સુધી પહોંચાડવામાં અનેક બ્રાન્ડ્સ અને મીડિયા પણ પાછળ નથી રહ્યા. ભારતમાં તો 1964માં “એપ્રિલ ફૂલ” નામથી ફિલ્મ પણ બની ચૂકી છે, જેનું ગીત ‘એપ્રિલ ફૂલ બનાયા, ઉનકો ગુસ્સા આયા’. આ ગીતને આજે પણ ૧ એપ્રિલે ખૂબ યાદ કરવામાં આવે છે. જેમ જેમ સમય બદલાયો, એપ્રિલ ફૂલ મીડિયામાં પણ પ્રચલિત થઈ ગયું. 1957માં BBCએ રિપોર્ટ આપ્યો કે સ્વિસ ખેડૂતોએ નૂડલ્સનો પાક ઉગાડ્યો છે. એના પછી હજારો લોકોએ BBCને ફોન લગાવીને ખેડૂતો અને પાક વિશે પૂછપરછ કરી હતી. આજ કાલ આપણે લોકો સોશિયલ મીડિયાના યુગમાં રિયલને બાજુ પર મૂકીને રીલ્સના સહારે આનંદ કે મજાક માણતા થઇ ગયા છે ત્યારે આજે ૧ એપ્રિલે આપણી આસપાસના રીયલ લોકો કે જે આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે તેમની સાથે થોડી મજાક, મસ્તીને રમૂજ કરીએ અને તેમને રોજીંદા યંત્રવત જીવનના તણાવમાંથી થોડી રાહત આપી તેમના ચહેરા પર હાસ્ય લાવવાનો પ્રયત્ન કરીએ તથા આ મજાક મસ્તી કોઈના માટે જીવલેણ સાબિત ન થાય અને એપ્રિલ ફૂલ ડેની આડમાં આપણે કોઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ કે અન્ય કોઈ રીતે મજાક કરી તેમની લાગણી ન દુભાવીએ તેવી શુભેચ્છાઓ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp