સામાજિક દરજ્જાને અને ઇગોને માપવા માટેના પ્રયાસ

સોશ્યલ રેટિંગને કઇ રીતે માપી શકાય? સોશ્યલ રેટિંગ નક્કી કઇ રીતે થાય એ આપણે જાણ્યું. હવે એ જાણવાનું છે કે સોશ્યલ રેટિંગને શું ચોક્સાઇપુર્વક માપી શકાય? સાવ ગરીબ અને ખુબ શ્રીમંત વ્યક્તિઓના સોશ્યલ રેટિંગ વચ્ચેનો ફરક સમજવાનું મુશ્કેલ નથી. વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિઓના સોશ્યલ રેટિંગ વચ્ચેનો ફરક જાણવાનું મુશ્કેલ નથી, કારણ કે હવે એમની નેટવર્થની ગણતરી આસાનીથી થઇ શકે છે. એ ગણતરીઓને ધ્યાનમાં રાખીને વિશ્વના ટોપ ટેન સૌથી સમૃદ્ધ માણસોની યાદી અવારનવાર બહાર પડતી હોય છે. આ જ રીતે સૌથી વગદાર એવી પચાસ વ્યક્તિઓની યાદી પણ બહાર પડતી હોય છે. આ પ્રકારનાં બહોળાં રેટિંગ આસાનીથી આપી શકાય છે, પરંતુ સામાન્ય લોકોના સોશ્યલ રેટિંગને માપવાનું મુશ્કેલ છે. એક જ બિલ્ડીંગમાં રહેતા અને લગભગ એકસમાન રહેણીકરણી ધરાવતા બે મિડલ ક્લાસ ફેમિલીના સોશ્યલ રેટિંગ વચ્ચે કેટલો ફરક છે જાણવાનું મુશ્કેલ છે. જ્યારે કોઇ ગુંચવણભરી વાતને સમજવામાં તકલીફ પડી રહી હોય ત્યારે એના ઘટકોને છુટા પાડીને એમને નામ અથવા સંખ્યા આપી દેવાથી વાતને સમજવામાં સરળતા રહે છે. ઘટકોને વિવિધ વર્ગોમાં વિભાજીત કરી દેવાથી પણ કામ આસાન બની શકે.
હોર્સ રેસિંગમાં એટલે કે ઘોડાની રેસમાં ઘોડાની દોડવાની ઝડપને માપવા માટે દરેક ઘોડાને એની ક્ષમતાનું રેટિંગ આપવામાં આવે છે, જેના પરથી કયો ઘોડો અન્ય ઘોડા કરતાં કેટલો વધુ કે ઓછો ઝડપી છે એ જાણી શકાય. આ ઉપરાંત વિવિધ રેટિંગવાળા ઘોડાને એક થી પાંચ સુધીના વિવિધ ક્લાસમાં વહેંચી દેવામાં આવે છે, જેથી કામ વધુ સરળ બને છે. સામાજિક દરજ્જાને વિવિધ ક્લાસમાં વહેંચી દેવાથી એને સમજવાનું સરળ બની શકે. એક ઉદાહરણ જોઇએ. કોઇ સ્કુલના છઠ્ઠા ધોરણમાં પચાસ વિદ્યાર્થીઓ ભણે છે. પરીક્ષા પછી દરેકને એમની આવડત પ્રમાણે માર્ક્સ મળ્યા. હવે જો આપણે જાણવું હોય કે રોહન નામનો વિદ્યાર્થી કેતન નામના વિદ્યાર્થી કરતાં કેટલો ચડિયાતો અથવા નબળો છે તો આપણે શું કરીશું? સિમ્પલ. રોહન અને કેતને મળેલા માર્ક્સની તુલના કરીશું. જો રોહનને પાંસઠ ટકા મળ્યા છે અને કેતનને તોંતેર ટકા મળ્યા છે તો આપણે સ્પષ્ટ રીતે કહી શકીશું કે ભણવામાં કેતન રોહન કરતાં ચડિયાતો છે. કેટલો ચડિયાતો? આઠ ટકા ચડિયાતો. આ તુલના કરવાનું સરળ બન્યું કારણ કે વિદ્યાર્થીઓને ચોક્કસ સંખ્યામાં માર્ક્સ આપવામાં આવ્યા છે. આ માર્ક્સ એમની ક્ષમતા જાહેર કરે છે.
હવે આ વાતને જરા આગળ વધારીએ. આખી સ્કુલમાં વિવિધ ધોરણોના કુલ ત્રણ સો વિદ્યાર્થીઓ ભણે છે. દરેક ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઇ છે અને દરેકને માર્ક્સ પણ મળી ગયા છે. હવે જો કોઇ આપણને છઠ્ઠા ધોરણમાં ભણતા રોહન અને નવમાં ધોરણમાં ભણતા અજય વચ્ચે તુલના કરીને બેમાંથી કોણ ચડિયાતો છે એવો પ્રશ્ન પુછે તો શું કરવાનું? આનો જવાબ મેળવવાનું શક્ય જ નથી, કારણ કે બંનેના ધોરણો જ અલગ છે. બંનેના ક્લાસ જ અલગ છે. રોહનની જેમ જો અજયને પણ નવમાં ધોરણમાં પાંસઠ ટકા માર્ક્સ મળ્યા છે તો પણ એવો અંદાજ ન બાંધી શકાય કે બંને ભણવામાં એકસરખા હોંશિયાર છે, કારણ કે બંનેના ક્લાસ જ અલગ છે. શક્ય છે કે નવમાં ધોરણનું સ્ટાન્ડર્ડ ઉંચું હોય અને એમાં પચાસ ટકા માર્ક્સ લાવવાનું પણ મુશ્કેલ હોય. અલગ ક્લાસના બે વિદ્યાર્થીઓ વચ્ચે તુલના કરવાનું શક્ય નથી, પરંતુ એક જ ક્લાસના બે વિદ્યાર્થીઓ વચ્ચે તુલના કરવાનું શક્ય છે.
સ્કુલના વિદ્યાર્થીઓના ક્લાસની જેમ માણસના સોશ્યલ રેટિંગના ક્લાસ પણ નક્કી કરી શકાય. જેમ કે મિડલ ક્લાસ, શ્રીમંત ક્લાસ, અતિ શ્રીમંત ક્લાસ વગેરે. આ રીતે અલગ અલગ ક્લાસના લોકોને આપણે સાવ અલગ પાડી શકીએ અને એમના સોશ્યલ રેટિંગ વિશે પાયાની ધારણા પણ બાંધી શકીએ. જેમ કે મિડલ ક્લાસનું સોશ્યલ રેટિંગ ધરાવનાર વ્યક્તિની સરખામણી અતિ શ્રીમંત ક્લાસની વ્યક્તિ સાથે બિલકુલ ન થઇ શકે. આવા ક્લાસિફિકેશનની મુખ્ય ખાસિયત એ હોય છે કે કોઇ એક ક્લાસમાં જેમનો સમાવેશ થતો હોય એ લોકોના આપસના સોશ્યલ રેટિંગમાં બહુ મોટો ફરક ન હોય અને બે અલગ અલગ ક્લાસની વ્યક્તિઓ વચ્ચે સરખામણી કરવાનું મુશ્કેલ હોય. ઉદાહરણ. હોલીવુડના હીરો અને ગુજરાતના કોઇ ખેડુત વચ્ચે તુલના કરવાનું શક્ય નથી, કારણ કે એ બંનેના ક્લાસ સાવ જ અલગ છે. આવા ક્લાસીફિકેશનની બીજી વિશેષતા એ હોય કે એક જ ક્લાસમાં આવતા તમામ લોકોની માનસિકતામાં ઘણી સામ્યતા હોય છે. એમના વિચારો, આકાંક્ષાઓ, વિવિધ મુદ્દા વિશેની એમની પ્રતિક્રીયા પણ લગભગ એકસમાન હોય એવું ધારી શકાય છે. 'મિડલ ક્લાસ મેન્ટાલિટી' વિશે તમે જાણતાં જ હશો. એ આ જ પ્રકારના ક્લાસિફિકેશનનું પરિણામ છે. આમ સોશ્યલ રેટિંગને વિવિધ ક્લાસમાં વહેંચી દેવાથી એને સમજવામાં સરળતા પડે છે. આ ભાઇ લોઅર મિડલ ક્લાસના છે અને એ ભાઇ શ્રીમંત છે. આવા શબ્દો કાને અથડાયા પછી એ બંને વ્યક્તિના સામાજિક દરજ્જા વિશે વધુ વિચારવું નથી પડતું. કેટલાક લોકો પોતાની જ્ઞાતિ, વ્યવસાય, શોખ, વયજુથ વગેરેની એક્સક્લુઝિવ ક્લબ બનાવીને અલગ ક્લાસ ઉભા કરતાં હોય છે. શહેરોની જિમખાના ક્લાબ્સ તથા અન્ય સોશ્યલ ક્લબ્સ ખાસ ઉભા કરવામાં આવેલા ક્લાસના શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ લોકો પોતાની ક્લબ્સના મેમ્બર્સને એક્સક્લુઝિવ માને છે એમનું સોશ્યલ સ્ટેટસ ઉંચું હોવાનો દાવો કરે છે. આવી જ રીતે દક્ષિણ ગુજરાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોશિયેશન, કાંકરિયા ફ્રેન્ડ્સ સર્કલ, અજય દેવગણ ફેન્સ ક્લબ વગેરે જેવાં મંડળના સભ્યો પણ એમ માનતા હોય છે કે અમારો ક્લાસ અલગ છે. એમાં બીજા કોઇને પ્રવેશ નથી. અજય દેવગણ ફેન્સ ક્લબનો સભ્ય પોતાનું સોશ્યલ રેટિંગ સલમાન ખાનના ફેન કરતાં ઉંચું માનતો હોય અને કાંકરિયા ફ્રેન્ડ્સ સર્કલનો સભ્ય પોતાનું સોશ્યલ રેટિંગ સેટેલાઇટ ફ્રેન્ડ્સ સર્કલના સભ્ય કરતાં ઉંચું માનતો હોય.
સોશ્યલ રેટિંગને સમજવાની પ્રક્રીયા હજુ વધુ સરળ બનાવી શકાય. આપણે સોશ્યલ રેટિંગના ક્લાસ તો નક્કી કર્યા, પરંતુ એક જ ક્લાસની અંદર આવતા બધા લોકો વચ્ચેનો ફરક સમજવાનું હજુય મુશ્કેલ છે. જેમ કે મિડલ ક્લાસમાં અનેક લોકોનો સમાવેશ થતો હોય, પરંતુ એ બધા લોકોના વ્યક્તિગત રેટિંગમાં ફરક હોવાનો. એ ફરક કઇ રીતે સમજવો? આ સમસ્યાના ઉકેલ માટે એક યુક્તિ કરી શકાય. દરેક ક્લાસમાં કયા રેટિંગવાળા લોકોનો સમાવેશ થઇ શકે એ નક્કી કરી શકાય. અહીં આપણે ઘોડાની રેસમાં આપવામાં આવતાં રેટિંગની પદ્ધતિ અપનાવી શકીએ. ઘોડાની રેસમાં પાંચ ક્લાસ નક્કી કરવામાં આવ્યા હોય છે અને દરેક ક્લાસમાં કેટલુ રેટિંગ ધરાવતા ઘોડાનો સમાવેશ થઇ શકે એવું પણ નક્કી કરવામાં આવ્યું હોય છે. સગવડતા ખાતર આપણે સોશ્યલ રેટિંગના પણ પાંચ ક્લાસ નક્કી કરીએ. સૌથી ગરીબ અને નબળા લોકો માટેનો એક પુઅર ક્લાસ હોય, જેમાં ઝીરોથી વીસ સુધીનું રેટિંગ ધરાવતા લોકોનો સમાવેશ થાય. ત્યાર પછી લોઅર મિડલ ક્લાસમાં એકવીસથી ચાળીસ સુધીના રેટિંગવાળાને સમાવી લેવાય. ત્યાર પછી અપર મિડલ ક્લાસ આવે, જેમાં એકતાળીસથી સાંઇઠનું રેટિંગ ધરાવનારાને આવરી લેવાય. એની ઉપર શ્રીમંત ક્લાસ હોય, જેમાં એકસઠથી એંશી સુધીનું રેટિંગ ધરાવનારાનો સમાવેશ થાય અને સૌથી ઉપર અતિ શ્રીમંત ક્લાસ હોય, જેમાં એંશીથી ઉપના રેટિંગ ધરાવનારાને સામેલ કરી શકાય.
ક્લાસ અને રેટિંગને કોઠા દ્વારા સમજીએ: પુઅર ક્લાસ - ઝીરોથી વીસ સુધીનું રેટિંગ, લોઅર મિડલ ક્લાસ - એકવીસથી ચાળીસ સુધીનું રેટિંગ, અપર મિડલ ક્લાસ - એકતાળીસથી સાંઇઠનું રેટિંગ, શ્રીમંત ક્લાસ - એકસઠથી એંશી સુધીનું રેટિંગ, અતિ શ્રીમંત ક્લાસ - એંશીથી ઉપનું રેટિંગ.
વહેવારમાં કોઇ આવા ક્લાસીફિકેશનની કે સોશ્યલ રેટિંગની વાત નથી કરતું અને એવી વ્યવસ્થા અસ્તિત્વમાં પણ નથી. આ ફક્ત એક કલ્પના છે અને એના દ્વારા વ્યક્તિના સોશ્યલ રેટિંગનો વધુ ચોકસાઇથી અંદાજ લેવાનો આશય છે. ભવિષ્યમાં કદાચ કોઇ નિષ્ણાત સોશ્યલ રેટિંગને ચોકસાઇભર્યું રેટિંગ આપવાનો વિસ્તૃત પ્રોગ્રામ બનાવશે, પરંતુ અત્યારે તો વ્યક્તિના કાલ્પનિક ક્લાસ તથા એના કાલ્પનિક સોશ્યલ રેટિંગ પરથી એના સામાજિક દરજ્જાનો અંદાજ લગાવવાનું વિચારી શકાય. એક ઉદાહરણ. તમારા ઘરે કામ કરવા આવતા બહેનનનું સોશ્યલ રેટિંગ લોઅર મિડલ ક્લાસનું છે તો એમનું સોશ્યલ રેટિંગ એકવીસથી ચાળીસ વચ્ચેનું છે. હવે એમની રહેણીકરણી સારી છે, એમના પતિ રિક્ષા ચલાવે છે અને હવે ટેક્સી ચલાવવાનું કામ એમને મળ્યું છે. એમનો પુત્ર કોલેજમાં ભણે છે તો તમે એમનું સોશ્યલ રેટિંગ લોઅર મિડલ ક્લાસમાં, ટોચ પર એટલે કે લગભગ ચાળીસની આસપાસ ધારી શકો. અને એવું અનુમાન પણ કરી શકો કે થોડા સમય પછી એમનું સોશ્યલ રેટિંગ વધશે, પચાસની આસપાસ જશે અને પછી તેઓ અપર મિડલ ક્લાસમાં આવી જશે. જોકે એમનું સોશ્યલ રેટિંગ વધીને નેવું થઇ જશે અને તેઓ અતિ શ્રીમંત ક્લાસમાં આવી જશે એવુ અનુમાન અત્યારે તમે બિલકુલ ન લગાવી શકો.
અહીં એક વાત સમજી લઇએ. સોશ્યલ ક્લાસ અને રેટિંગ નક્કી કરવા માટે આપણે ધનસંપત્તિનો આધાર લીધો અને એ અનુસાર પુઅર ક્લાસ, મિડલ ક્લાસ વગેરે નક્કી કર્યા એની પાછળનું કારણ એ છે કે સોશ્યલ રેટિંગ નક્કી કરતી વખતે લોકો મોટે ભાગે ધનસંપત્તિને જ સૌથી વધુ મહત્વ આપતાં હોય છે. અહીં જાતપાત કે ક્લાસ ડિફરન્સને ઉત્તેજન આપવાનો આશય નથી. ફક્ત સગવડતા ખાતર આ ધારણા બાંધી છે. બીજી વાત એ કે માણસનો સામાજિક દરજ્જો હંમેશાં માટે એક જ સ્થિતિમાં નથી રહેતો. એમાં ફેરફાર થતા રહે છે. એમાં ચડઉતર થતી રહે છે. આથી જ સામાજિક દરજ્જાને સોશ્યલ રેટિંગ કહેવાનું જરુરી લાગ્યુ છે. હકીકતમાં સામાજિક દરજ્જો અને સોશ્યલ રેટિંગ બંને એક જ છે.
સંવેદનશીલ ઇગો રેટિંગને કઇ રીતે માપી શકાય? માણસનું સોશ્યલ રેટિંગ કઇ રીતે માપી શકાય એનો અંદાજ આપણે લીધો. હવે એ સમજવાનું છે કે સોશ્યલ રેટિંગને માપી શકાય તો એમાંથી જ પેદા થતા ઇગો રેટિંગને શું માપી શકાય? સોશ્યલ રેટિંગ નક્કી કરવા માટે ધનસંપત્તિનો માપદંડ નક્કી થયેલો હોય છે તો ઇગો રેટિંગ નક્કી કરવા માટે કયો માપદંડ અપનાવી શકાય? ઇગો રેટિંગ મુળ તો માણસના સોશ્યલ રેટિંગનું જ પ્રતિબિંબ હોય છે, પરંતુ સોશ્યલ રેટિંગ સંવેદનાહીન હોય છે અને એ ફક્ત માણસનું સોશ્યલ સ્ટેટસ દર્શાવે છે, જ્યારે ઇગો રેટિંગ માણસની સંવેદના દર્શાવે છે. માણસનું સોશ્યલ રેટિંગ પચાસ પર હોય તો એ એનો સામાજિક દરજ્જો છે, જ્યારે એ જ પચાસનું રેટિંગ જ્યારે પચાસના ઇગો રેટિંગમાં બદલાય ત્યારે એ માણસની માનસિક અવસ્થા, લાગણીઓ અને સંવેદનાઓ વ્યક્ત કરે છે. જો માણસનું ઇગો રેટિંગ સાંઇઠમાંથી પચાસ થયું હોય તો એ દુઃખની લાગણીનો અહેસાસ કરાવે છે અને જો એ ચાલીસમાંથી પચાસ થયું હોય તો એ આનંદની લાગણીનો અહેસાસ કરાવે છે. આમ ઇગો રેટિંગ એ લાગણીનું સ્તર છે. એને માપવાનું મુશ્કેલ છે.
આમ છતાં માનસિક અવસ્થા તથા લાગણીના પણ તમે વિવિધ સ્તર, વિવિધ ક્લાસ નક્કી કરી શકો અને અને દરેક ઇગો રેટિંગને તમે એ ક્લાસમાં વહેંચી શકો. જેમ કે માણસ ખુબ દુખી અને વિષાદમય હોય તો એના ઇગો રેટિંગને તમે સૌથી નીચેના ક્લાસમાં એટલે કે ક્લાસ ફાઇવમાં ગણી શકો. જો માણસ ખુબ જ આનંદમાં હોય તો એના ઇગો રેટિંગને તમે ક્લાસ વનમાં માની શકો. આ જ રીતે આનંદ અને વિષાદ વચ્ચેની વિવિધ લાગણીઓના ઇગો રેટિંગને તમે વિવિધ ક્લાસમાં વહેંચી શકો છો.
સોશ્યલ રેટિંગ માટે ધનસંપત્તિનો આધાર લઇને બે અંતિમ છેડાઓને આવરી લેતું પાંચ ક્લાસનું એક માળખું તૈયાર કર્યું હતું, જેમાં સૌથી નીચે ગરીબ ક્લાસ અને સૌથી ઉપર અતિ શ્રીમંત ક્લાસ નક્કી કર્યા હતા. હવે લાગણીના મુખ્ય માપદંડ તરીકે આનંદ અને પીડાને માનીને એના પણ ક્લાસ નક્કી કરી શકીએ, જેમાં સૌથી નીચેના ક્લાસમાં અતિશય પીડા હોય અને સૌથી ઉપરના ક્લાસમાં પરમ આનંદ હોય. આ બે અંતિમ છેડાના ક્લાસની વચ્ચે અન્ય ક્લાસને સમાવી શકાય. જેમ કે થોડી પીડા, ન પીડા ન આનંદ એવો નિર્લેપ ભાવ, થોડો આનંદ, વધુ આનંદ અને છેલ્લે પરમ આનંદ. એક વાર બરોબર ક્લાસીફિકેશન થઇ જાય એ પછી ક્લાસની અંદરનો ફરક જાણવા માટે વિવિધ ઇગો રેટિંગની સંખ્યા પણ આપી શકાય. જોકે આ બહુ જ અઘરું કામ છે અને ભવિષ્યમાં કોઇ આ વિશે વધુ અભ્યાસ કરીને આવો પ્રોગ્રામ તૈયાર કરશે ત્યારે એ શક્ય બનશે. અત્યારે તો આપણે વ્યક્તિના ઇગો રેટિંગને કાલ્પનિક આંકડો આપીને એમને બહોળા ક્લાસમાં ગોઠવીને સમજી શકીશું. ઉદાહરણ. સારી કંપનીમાં નોકરી કરતાં ઉમેશભાઇનું ઇગો રેટિંગ ત્રેસઠનું છે. અચાનક એમની નોકરી છુટી જાય છે. આઘાતજનક ઘટનાને પગલે એમનું ઇગો રેટિંગ ઘટીને પંચાવનનું થઇ જાય છે. ત્યાર પછી તેઓ ઘરે જાય છે. પરિવારજનો દુઃખી થાય છે. ઇગો રેટિંગ ઓર ઘટે છે. પછી મિત્રો તથા સગાંવ્હાલાને જાણ થાય છે. ઇગો રેટિંગમાં વધુ ઘટાડો થાય છે. નોકરી છુટ્યાના બે મહીના પછી પણ ઉમેશભાઇને નવી નોકરી મળતી નથી. હવે એમનું ઇગો રેટિંગ સાવ જ ઘટીને પાંત્રીસ પર આવી ગયું છે. કદાચ આખો ક્લાસ બદલાઇ ગયો છે. આ રીતે ઉમેશભાઇ પોતાની લાગણીઓ તથા ઇગો રેટિંગને મેનેજ કરતાં રહે છે.
અહીં એક મહત્વનો ફરક સમજવાની જરુર છે. સોશ્યલ રેટિંગના કાલ્પનિક આંકડા આપ્યા પછી બે વ્યક્તિઓ વચ્ચે એની સરખામણી કરી શકાય. જેમ કે પાંસઠનું સોશ્યલ રેટિંગ ધરાવનાર વ્યક્તિ પંચાવનના રેટિંગ ધરાવનાર કરતાં ચડિયાતી છે. આમ છતાં ઇગો રેટિંગના આંકડા પરથી તમે બે વ્યક્તિઓ વચ્ચે સરખામણી ન કરી શકો. વ્યક્તિના ઇગો રેટિંગની સરખામણી ફક્ત એના પોતાના જ અન્ય સમયના ઇગો રેટિંગ સાથે થઇ શકે. જેમ કે એ અત્યારે બહુ દુઃખી છે તો એ પોતાના ભુતકાળના સારા સમયને યાદ કરીને એ સમયના ઉંચા ઇગો રેટિંગ સાથે હાલના રેટિંગની સરખામણી કરી શકે. બે વ્યક્તિઓ વચ્ચે લાગણીની અનુભુતિની બાબતે સરખામણી ન થઇ શકે. દરેક વ્યક્તિની સંવેદનશીલતા અલગ અલગ હોય છે. કોઇ વ્યક્તિ ચાલીસના ઇગો રેટિંગમાં આનંદમય રહી શકે તો બીજી કોઇ વ્યક્તિને પંચાવનના રેટિંગમાં પણ શાંતિ ન હોય અને એ હતાશા અનુભવતી હોય.
હવે જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દરેક ક્ષેત્રમાં ક્રાન્તિ કરી રહ્યું છે ત્યારે ઇગો રેટિંગને માપવાનું કાર્ય કોઇ હાથમાં લેશે તો નિશ્ચિતપણે એમાં સફળતા મળશે અને પછી દરેક માણસના સોશ્યલ રેટિંગ અને ઇગો રેટિંગ બંનેને ચોકસાઇપુર્વક માપવાનું સરળ બની જશે. એને પગલે માણસની વર્તણુંકને સમજવાનું પણ વધુ આસાન બની જશે. આપણે આશા રાખીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp