મોરબી પૂલ દુર્ઘટનાઃ ભાજપના નેતા આવ્યા જયસુખના સમર્થનમાં, ભામાશા કહ્યો

PC: twitter.com

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં માંડ-માંડ જયસુખ પટેલ તંત્રના હાથમાં આવ્યો છે, ત્યાં તો તેના સમર્થકો પણ ઉભા થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર તેના સમર્થનમાં લોકો પોસ્ટ કરી રહ્યા છે કે, જયસુખ પટેલે સારા કામ કર્યા છે અને અમે તેમના સમર્થનમાં છીએ. આ સિવાય હવે ભાજપના નેતાએ પણ જયસુખ પટેલનું સમર્થન કર્યું છે. રાજકોટમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલિયાએ મોરબી ઘટનાના મુખ્ય આરોપીને ભામાશા તરીકે સંબોધ્યા હતા અને મીડિયાને જણાવતા બાવનજીએ કહ્યું હતું કે, હું જયસુખ પટેલના સમર્થનમાં છું.

ભાજપના નેતાએ કહ્યું હતું કે, સોશિયલ મીડિયામાં જયસુખ પટેલને ખોટા ચીતરાયા છે. તેમના સમર્થનમાં ન માત્ર ઉમિયાધામ સીદસર છે, પરંતુ અનેક NGO પણ તેમના સપોર્ટમાં છે. જયસુખ પટેલ અને તેમના પિતા ઓધવજીભાઈ પટેલની ગણના ગુજરાતના ભામાશાઓમાં થાય છે. કાયદો કાયદાનું કામ કરશે પણ જયસુખ પટેલને ખોટા ચીતરાઈ રહ્યા છે.  કમાણી કરવા તેમણે ઝૂલતા પુલનું સંચાલન નહોતું સંભાળ્યું.

જયસુખને સપોર્ટ કરતા પોસ્ટર વાયરલ

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદથી ભાગતા ફરતા આરોપી જયસુખ પટેલે મંગળવારે કોર્ટમાં સરેન્ડર કરી દીધું હતું. ત્યારબાદ પોલીસે કોર્ટમાં રિમાન્ડ માટે તેને રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. મોરબીમાં ઝુલતા પુલના રિપેરિંગમાં બેદરકારી રાખીને ખુલ્લો મૂકી દેવાતા ગયા વર્ષે 135 લોકોના મોત થઇ ગયા હતા. પોલીસની ચાર્જશીટમાં પણ 10માં આરોપી તરીકે ઓરેવા કંપનીના માલિક અને પુલનો કોન્ટ્રાક્ટ લેનારા જયસુખ પટેલના સપોર્ટમાં સોશિયલ મીડિયામાં અભિયાન ચાલી રહ્યું છે.

સોશિયલ મીડિયામાં હાલ કેટલાક પોસ્ટરો વાયરલ થઇ રહ્યા છે. જેમાં લખ્યું છે કે, ‘ઓ.આર. પટેલ જેમને મોરબીના ભમાષા તરીકે ઓળખવામાં આવે છે, તેમના પરિવારની વિચારધારા હંમેશાં સેવાની રહી છે. તેમના દીકરા જયસુખ પટેલનો સામાજિક પ્રવૃત્તિમાં સિંહફાળો રહ્યો છે. આવા ઉચ્ચતમ વિચારોવાળા 10-15 રૂપિયાની ટિકિટમાં કોઇ દિવસ ખોટું ના કરે. બાકી તો અકસ્માત તો હજારો થાય જ છે. તેનું દુઃખ સમાજના દરેક લોકોને છે. આવો સાથે મળીને જયસુખભાઇને સપોર્ટ કરીએ. આવા લખાણ સાથે જે તે વ્યક્તિનો ફોટો અને તેની નીચે હું મોરબીના સમાજ સેવક સાથે છું તેવું લખાણ છે.’

આ સાથે એક https://eventselfie.in/home/Jaysukh_patel નામની લિંક પણ વાયરલ થઇ રહી છે. જેના પર જઇને લોકો પોતાના ફોટો સાથે જયસુખ પટેલના સપોર્ટમાં આવા પોસ્ટરો બનાવી રહ્યા છે. એક બાજુ પોલીસે ચાર્જશીટમાં જયસુખ પટેલ પર ગંભીર આરોપો લગાવ્યા છે ત્યારે કેટલાક લોકો ખુલીને તેમના સમર્થનમાં આવીને બચાવ કરી રહ્યા છે. પોલીસ દ્વારા જયસુખ પટેલના રિમાન્ડની માગ કરી હતી અને સરકારી વકીલ સંજય વોરાએ ધારદાર દલીલ કરી હતી કે, જાન્યુઆરી 2020માં ઓરેવા કંપનીએ કલેક્ટરને એક લેટર લખીને કહ્યું હતું કે, આ પુલની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને અકસ્માતે તૂટી શકે તેમ છે.

ત્યારબાદ કોઇ પત્ર વ્યવહાર થયો અને કોન્ટ્રાક્ટ રિન્યૂ થયો ન હોવા છતા ઓરેવા ગ્રુપે મેન્ટેનન્સનું કામ ચાલુ રાખ્યું હતું. ઓરેવા કંપનીને ખબર જ હતી કે તે અકસ્માતમાં ગમે ત્યારે તૂટી જાય તેમ છે. છતા પણ જે મુખ્ય કેબલ બદલવાની જરૂર હતી એ કેબલ તાર બદલ્યા વિના નાના-નાના કોસ્મેટિક બદલાવ કરીને મેન્ટેનન્સનું કામ પુરૂ કરી દીધું હતું. તેનો અર્થ એવો થાય છે કે ભૂકંપમાં મકાન આખું હાલી ગયું હોય. તેની દીવાલો, સિલિંગ અને ફ્લોર સરખી કરવાની હતી ત્યારે તેમણે લાદી સરખી કરી એના જેવી વાત હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp