26th January selfie contest

સતત આનંદ માણવો અને પીડા નિવારવી એ માણસની અંદર ધરબાયેલી સૌથી પ્રબળ ઇચ્છા હોય છે

PC: Khabarchhe.com

કોઇપણ વિષયને વિગતમાં સમજવો હોય તો એ વિષય તેમ જ એની સાથે સંકળાયેલા વિષયોની પાયાની જાણકારી હોય તો કામ સરળ બને. ડ્રાઇવિંગ શીખવું હોય તો ટ્રાફિકના નિયમોની જાણકારી હોવી જરુરી છે. ઇગો, એના વિવિધ પાસાં તથા એની કામગીરીને સમજવાની સફરમાં આગળ વધતા પહેલા માનવજીવન તથા માણસની પ્રકૃતિ વિશે વિશેની કેટલીક મૂળભૂત સચ્ચાઇઓને સમજી લેવાનું જરુરી છે. આ ધારણાઓ તથા સચ્ચાઇની જાણકારી જીવનમાં અન્યત્ર પણ ઉપયોગી નીવડે એમ છે, છતાં ઇગોના અભ્યાસમાં એનો વિશેષ ઉપયોગ છે એટલે એને હંમેશાં યાદ રાખવી.

સર્વાઇવલઃ સૌથી મૂળભૂત ઇન્સ્ટિન્ક્ટ, સૌથી પહેલા આપણે સમગ્ર માનવજાત વિશેની પ્રાથમિક જાણકારી મેળવી લઇએ. માણસની પહેલી બેઝિક ઇન્સ્ટિંક્ટ સર્વાઇવલની છે અને એ બાબતે કોઇ વિવાદ નથી. સર્વાઇવલની ઇચ્છા એટલે કે જીવન ટકાવી રાખવાની, કોઇ પણ ભોગે મોતને ટાળવાની ઇચ્છા. જીજીવિષા. આથી જ્યારે પણ માણસનો જીવ જોખમમાં મુકાય એવી સ્થિતિ સર્જાય ત્યારે એ આપોઆપ પોતાનો જીવ બચાવવા માટેની યુક્તિઓ અજમાવવા માંડે છે. એ અંતઃસ્ફુરણાથી જીવ બચાવવાના પ્રયાસમાં લાગી જાય છે. માણસ જંગલમાંથી પસાર થઇ રહ્યો હોય અને સામે વાઘ આવે તો એ પળભરનો વિલંબ કર્યા વિના ઉંધી દિશામાં દોટ મુકશે. આ વિશેનું એક ઉદાહરણ બહુ જાણીતું છે. પાણીના પૂરમાં એક માતા પોતાના બાળકને ખભા પર ઉંચકીને ઉભી રહે છે અને બાળકનો જીવ બચાવવા માટે ઝઝુમતી રહે છે, પરંતુ પૂરના પાણી જ્યારે વધી જાય છે અને પોતાનો જીવ પણ જોખમમાં હોય એવું લાગે છે ત્યારે એ માતા પોતાના બાળકને પાણીમાં ફેંકી દે છે અને પોતાનો જીવ બચાવવાના પ્રયાસ કરવા લાગે છે. તો સર્વાઇવલ એ માણસની પહેલી કુદરતી ઇન્સટિંક્ટ.

વ્યક્તિ વિકાસ: માનવ ઉત્ક્રાન્તિના વિષયમાં ચાર્લ્સ ડાર્વિનના વિકાસવાદને વ્યાપક માન્યતા મળી છે. સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ અને નેચરલ સિલેક્શનના સિદ્ધાન્તોનો સાર એમ કહે છે કે જે સૌથી વધુ ફિટ છે એ જ આ સૃષ્ટિમાં ટકી શકે છે. જે જીવો બદલાતા સંજોગોને અનુરુપ થાય એ જ પોતાનું જીવન ટકાવી શકે છે. આનો અર્થ એ થાય કે સમયાનુસાર બદલાઇ ન શકે એવા નબળા જીવો સમય જતાં નાશ પામે અને સશક્ત જીવો જ પોતાની પેઢીઓને આગળ વધારી શકે. આ રીતે કોઇ પણ પ્રજાતિની આગામી પેઢીઓ વધુને વધુ સશક્ત બનતી હોય એવું માની શકાય. માનવજાતનો પણ વિકાસ આ જ રીતે થયો છે. માણસ હંમેશાં શ્રેષ્ઠતા પસંદ કરીને પોતાની આગળની પેઢીઓને વધુ વિકસીત બનાવતો રહે છે. સદીઓ પહેલા માણસો જેવા હતા એના કરતાં આજે એ ઘણા વધુ હોંશિયાર અને વધુ સક્ષમ બની ગયા છે. દરેક ક્ષેત્રમાં અદભુત પ્રગતિ કરીને માણસે પોતાનું જીવન સરળ તથા સગવડભર્યું બનાવ્યું છે. આજે માણસે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં એટલી પ્રગતિ કરી છે, જેની એક સદી પહેલા કોઇએ કલ્પના નહીં કરી હોય. આપણી આસપાસનું જ ઉદાહરણ લઇએ તો થોડા દાયકાઓ પહેલા સરેરાશ લોકો બહુ હોંશિયાર નહોતા. ગામમાં બેચાર ડાહ્યા માણસો હોય એવું મનાતું. આજે આપણી આસપાસના બધા જ લોકો સ્માર્ટ બની ગયા હોય એવું લાગે. માણસની દરેક નવી પેઢી પોતાની આગલી પેઢી કરતાં વધુ સ્માર્ટ હોય છે.

આપણી માનવજાત એટલે કે હોમો સેપિયન્સ વિશે ઇઝરાયલના યુવા ફિલોસોફર યુવાલ હરારીએ લખેલા પુસ્તકમાં માનવજાતની કેટલીક ખાસિયતો વર્ણવી છે, જેમાં એમણે માનવજાને અતિ ક્રુર અને સ્વાર્થી ગણાવી છે. માનવજાત પોતાના હરીફોને કચડીને, ખતમ કરીને આગળ વધતી રહી છે. આ રીતે ક્રુરતા એ માનવજાતની મૂળભૂતપ્રકૃતિ છે. બીજી તરફ માણસમાં સામુહિક વિકાસની ભાવના પણ મોજુદ છે એટલે જરુર પડે ત્યારે એ અન્ય માણસો સાથે સહકાર સાધીને સામુહિક વિકાસ કરતો રહે છે. આ કારણસર જ માણસ આટલી પ્રગતિ કરી શક્યો છે અને આને લીધે જ મોટી સંસ્કૃતિઓ વિકસી છે.

ફ્રોઇડની થિયરી: ઇગો વિષય માનસશાસ્ત્રનો છે એટલે આ ક્ષેત્રની એક સૌથી મોટી થિયરીને ટુંકમાં સમજી લઇએ. ઓસ્ટ્રિયન સાઇકો એનાલિસ્ટ સિગ્મન્ડ સિગ્મન્ડ ફ્રોઇડે પોતાના વર્ષોના અભ્યાસ દરમિયાન માણસના વ્યક્તિત્વને સમજવાની કોશિષ કરી હતી. ફ્રોઇડની થિયરી જરા ગુંચવણ ભરી છે, પરંતુ આપણે એને સરળ રીતે સમજીએ. ફ્રોઇડે ઇગોના ત્રણ સ્વરૂપ ગણાવ્યા છે. સૌથી પહેલા આવે ઇડ એટલે કે માણસની મૂળભૂત વૃત્તિઓ, કુદરતી આવેગો. માણસના મનમાં કુદરતી રીતે જે પેદા થાય છે એ ઇચ્છાઓ. માણસને જે શારીરિક આનંદ તથા તત્કાળ આનંદની ઇચ્છા થાય એ ઇડ છે. ઇડને પ્લેઝર પ્રિન્સિપલ તરીકે રજુ કરવામાં આવ્યું છે. પ્લેઝર પ્રિન્સિપલને ફ્રોઇડ લાઇફ પ્રિન્સિપલ તરીકે રજુ કરે છે. ફ્રોઇડ ઇગોના બીજા સ્વરૂપને સુપર ઇગો ગણાવે છે, જે માણસની નૈતિકતાને જાગ્રત કરે છે. ઇડ જ્યારે કોઇ ઇચ્છા પ્રગટ કરે ત્યારે એ નૈતિક રીતે કેટલી યોગ્ય કે અયોગ્ય છે એ વિશેની વિચારણા આ સુપર ઇગો કરે છે. ઇડની ઇચ્છાઓ પુરી કરવામાં આવે તો એની સામે સામાજિક પ્રતિક્રીયા કેવી હોય અને એનું પરિણામ શું આવી શકે એનો વિચાર સુપર ઇગો કરે છે. જો એ નૈતિક રીતે યોગ્ય ન લાગે તો એના પર પ્રતિબંધ લગાવવાનું સૂચન સુપર ઇગો કરે છે. સુપર ઇગો હંમેશાં લાલબત્તી બતાવે છે. ઇગોનું ત્રીજું સ્વરુપ રિયાલિટિ પ્રિન્સિપલ તરીકે રજુ થાય છે અને એનું નામ ઇગો જ છે. એ માણસને વાસ્તવિક રીતે વિચારતો કરે છે. કુદરતી આવેગોની ઇચ્છાપુર્તિ બાબતે ઇડ તથા સુપર ઇગો વચ્ચે ચાલતાં સંઘર્ષનું એનાલિસિસ કરીને આખરી નિર્ણય લેવાનું કામ ઇગો કરે છે. મીઠાઇની દુકાન પાસેથી પસાર થતી વ્યક્તિને એ મીઠાઇ ત્યારેને ત્યારે ખાવાની ઇચ્છા થઇ જાય, કોઇને પુછ્યા વિના મીઠાઇનો ટુકડો પોતાના મોંમાં મુકી દેવાની તીવ્ર ઇચ્છા થઇ જાય તો એ એનું ઇડ છે, આ સંજોગોમાં એનો સુપરઇગો તરત જ એને કહેશે કે એમ ન કરાય. ઇડ પોતાની ઇચ્છાની તીવ્રતા બતાવીને સુપર ઇગોના સુચનનો પ્રતિકાર કરશે. આ રીતે બંને વચ્ચે સંઘર્ષ ચાલશે. છેવટે ઇડ તથા સુપર ઇગો બંનેના સૂચનોનું એનાલિસિસ કરીને ઇગો માણસને જણાવશે કે સુપર ઇગોની વાત સાચી છે. આ રીતે કોઇની દુકાન પરથી પૂછ્યા વિના મીઠાઇ ઉઠાવીને ન ખવાય. પ્રચલીત માન્યતામાં તો ઇગો વિલન જ છે, પરંતુ ફ્રોઇડના કહેવા અનુસાર ઇગો માણસની ભલાઇ માટે કામ કરે છે. મૂળભૂત વૃત્તિઓથી માણસને નુકસાન ન થાય એ માટે ઇગો એને વાસ્તવિકતાથી વાકેફ કરે છે અને એના પર અંકુશ રાખતા શીખવે છે. પુખ્ત વ્યક્તિઓની મેમરીમાં સુપર ઇગોએ નક્કી કરેલા અસંખ્ય સામાજિક નીતિનિયમો સંઘરેલા પડ્યા હોય છે એટલે દરેક વાતે ઇગોએ નવેસરથી એનાલિસિસ નથી કરવું પડતું. સભ્ય સમાજમાં ઇડ પરના મોટા ભાગના અંકુશ આપોઆપ અને સહજ રીતે જ આવી જતા હોય છે.

પ્લેઝર પ્રિન્સિપલની કમાલ: ફ્રોઇડની થિયરીનો સૌથી અગત્યનો ભાગ પ્લેઝર પ્રિન્સિપલનો છે અને માણસના વ્યક્તિત્વ પર એની જબરજસ્ત અસર રહેતી હોય છે. ઇગોને સમજવામાં પ્લેઝર પ્રિન્સિપલ જેટલો ઉપયોગી બીજો કોઇ સિદ્ધાન્ત નથી. તો આ સિદ્ધાન્ત વિશે ધ્યાનથી વાંચો. ફ્રોઇડે પ્લેઝર પ્રિન્સિપલ વિશે ઘણી સ્પષ્ટતાઓ કરી છે. સિગ્મન્ડ ફ્રોઇડે પ્લેઝર પ્રિન્સિપલને લાઇફ ઇન્સ્ટિંક્ટ તથા ઇગોને રિયાલિટી પ્રિન્સિપલ તરીકે રજુ કર્યા છે. ફ્રોઇડ કહે છે કે પ્લેઝર પ્રિન્સિપલ હેઠળ માણસની અંદર હંમેશાં તત્કાળ આનંદ ભોગવવાની ઝંખના રહેતી હોય છે અને એ પીડાથી દુર રહેવાની ઇચ્છા ધરાવતો હોય છે. ફ્રોઇડના માનવા અનુસાર આનંદ મેળવવાની તથા પીડાથી દુર રહેવાની આ ઇન્સ્ટિન્ક્ટમાં લિબિડો એટલે સેક્સ માટેની ઇચ્છા મુખ્ય છે. ફ્રોઇડ માને છે કે પ્લેઝર એટલે કે આનંદ માણવા માટેની ઇચ્છા જ માણસના જીવનનું મુખ્ય પ્રેરક બળ છે. એ જ એની એનર્જીનો, ઉર્જાનો સ્ત્રોત છે.

પ્લેઝર પ્રિન્સિપલ માણસના અસ્તિત્વનું એક બહુ મોટું સત્ય છે અને આજે પણ આપણે અનેક પરિસ્થિતિઓમાં આ પ્રિન્સિપલને લાગુ પડતો જોઇએ છે. સભ્ય સમાજમાં કુદરતી આવેગોને અંકુશમાં રાખવાના માણસ સતત પ્રયાસ કરતો હોય છે, છતાં અવારનવાર માણસ એ કુદરતી આવેગો સામે હારી જતો હોય છે. ધર્મના ઓઠાં હેઠળ થતાં સેક્સ કૌભાન્ડોથી માંડીને કોર્પોરેટ જગતના સોફિસ્ટિકેટે સેક્સ કૌભાન્ડોના મુળમાં આ પ્લેઝર પ્રિન્સિપલ જ છે. જેમને આપણે બહુ જવાબદાર માનતા હોઇએ એવા આબરુદાર લોકો પણ ક્યારેક કુદરતી આવેગો સામે હારી જતાં હોય છે. પ્લેઝર પ્રિન્સિપલનો વ્યાપ સર્વત્ર છે અને એની અસર સર્વાંગી છે. વિશ્વના સૌથી તાકાતવાન દેશ અમેરિકાના પ્રમુખ પોતાના શારીરિક આવેગને અંકુશમાં રાખી શકતા ન હોવાને કારણે એક મોટું સેક્સ કૌભાન્ડ કરી બેસે છે. પરિણામે હોદ્દા પરથી એમણે રાજીનામું આપવું પડે છે. આ છે પ્લેઝર પ્રિન્સિપલનો પ્રતાપ. બીજું ઉદાહરણ સમજીએ. આજે દુનિયાભરના મેદસ્વી લોકો પોતાની ખાણીપીણીનું નિયમન કરવાની કોશિષ કરતા હોય છે, ડાયેટિંગ કરવાની કોશિષ કરતા હોય છે, પરંતુ મોટા ભાગનાને સફળતા મળતી નથી. ડાયેટિંગ કઇ રીતે કરવું એ વિશે સલાહ આપતા, એની ટેકનિકો સમજાવતા અસંખ્ય પુસ્તકો છપાય છે, એના વિડિયો યુટ્યુબ પર દરરોજ જોવાય છે, એ વિશેના સેમિનાર અને વર્કશોપ પણ યોજાય છે, છતાં મોટા ભાગના લોકોને એમાં કોઇ ફાયદો થતો નથી. કારણ ફક્ત એ કે પોતાની મનભાવતી ખાણીપીણીમાં જે આનંદ મળે છે એને લોકો જતો નથી કરી શકતા. મનભાવતા સ્વાદ સામે લોકો વિવશ થઇ જાય છે. મેદસ્વીતા ઘટાડવા માટે લોકો કસરત કરવા પણ તૈયાર નથી કારણ કે કસરત કરવાનું માણસને ગમતું નથી અને ન ગમતું કામ કરવું એ પીડા છે. પ્લેઝર પ્રિન્સિપલ કહે છે કે માણસ સતત આનંદ મેળવવા મથતો રહે છે તેમ જ પીડાથી દુર ભાગતો ફરે છે. પ્લેઝર પ્રિન્સિપલના આ સિદ્ધાન્તને હંમેશાં યાદ રાખવો, કારણ કે જીવનમાં ડગલે ને પગલે એની અસર જોવા મળે છે અને ઇગોને સમજવામાં તો એ બહુ જ ઉપયોગી નીવડે છે.

પ્લેઝરનો નાનો ભાઇ એટલે કમ્ફર્ટ: પ્લેઝર પ્રિન્સિપલમાં આપણે આનંદ પામવાની અને પીડાથી બચવાની વાત કરી, એમાં એક વધુ મુદ્દો સમજવા જેવો છે. કમ્ફર્ટ એટલે સુવિધા, સગવડ એ પ્લેઝરના નાના ભાઇ જેવું પરિબળ છે. માણસને આનંદ ન મળે તો એ કમ્ફર્ટ અથવા સુવિધાથી કામ ચલાવી લે છે. આનંદની ગેરહાજરીમાં માણસ જાતજાતની સુવિધાઓની ઇચ્છા રાખતો હોય છે. એ જ રીતે અગવડતા તથા અસુવિધાને નિવારવાના પ્રયાસ કરતો રહે છે. થોડા વર્ષો પહેલા અમદાવાદમાં એક વિચિત્ર ઘટના બની હતી. એક પરિણીત પુરુષ પોતાની પથારીગ્રસ્ત વૃદ્ધ માતાને મકાનની અગાસી પર લઇ ગયો અને પછી ત્યાંથી પોતાની માતાને ધક્કો મારીને નીચે ફેંકી દીધી હતી. આમ તો કોઇ આ વાત માની ન શકે, પરંતુ સીસીટીવીમાં આ સાબિત થઇ ગયું હતું. પુત્રે પણ ગુનો કબુલી લીધો હતો એટલે લોકોએ આઘાત સાથે એ વાત સ્વીકારી. નોંધવા જેવી વાત એ હતી કે માતાની બિમારીથી અને એની સેવાચાકરી કરીને પુત્ર તથા એની પત્ની એવા કંટાળી ગયા હતા કે આખરે એમણે આવો ક્રુર નિર્ણય લીધો હતો. અહીં એ પુત્રના પગલાંને સાર્થક ઠેરવવાનો પ્રયાસ નથી, પરંતુ આપણે એ સ્વીકારવું પડે કે સતત અગવડતાભર્યું જીવન માણસને આવું પગલું ભરવા માટે મજબુર કરી શકે છે. પ્લેઝર પ્રિન્સિપલનો પ્રભાવ માની ન શકાય એટલો પ્રબળ હોય છે. આજકાલ મોટા ભાગના પરિવારોમાં જે ઘર્ષણ અને તંગીદીલી સર્જાય છે એની પાછળનું મુખ્ય કારણ કમ્ફર્ટ એટલે કે સુવિધા અથવા અસુવિધા હોય છે. આજના સમયમાં પરિવારોમાં પૈસા અથવા ઘરકામ માટે તકરારો નથી થતી. હવે પરિવારજનો પોતાની મરજી મુજબ ઘરમાં જીવવા માટે આક્રમક બનતા હોય છે અને એના કારણે ઝઘડા થતાં હોય છે. મોડર્ન પત્નીને સાસુ સસરાની જુની લાઇફ સ્ટાઇલ પસંદ નથી એટલે એ સુવિધા અનુભવે છે અને ઘરમાં ટેન્શન છવાયેલું રહે છે. માતાપિતાને સંતાનોની આધુનિક લાઇફસ્ટાઇલ અસુવિધાનજક લાગે છે.

કમ્ફર્ટ એટલે કે સુવિધા માટે માણસ વિશેષ પ્રયાસ નથી કરતો. એ આવી પડેલી પરિસ્થિતિમાં કોઇક પસંદગી કરવાની બાબત હોય છે. કોઇ પણ સ્થિતિમાં નેક્સ્ટ બેસ્ટ માટે સહમત થઇ જવું એ અગવડતાની સામે સગવડ સ્વીકારી લેવાની વૃત્તિ છે અને એ પ્લેઝર પ્રિન્સિપલનું જ પરિણામ છે. મૂળ વાત પ્લેઝર પ્રિન્સિપલની તીવ્ર અસરની છે. કમ્ફર્ટનું મહત્વ જીવનમાં એટલું બધુ વધી ગયું છે કે એ માટે લોકો ગમે એવા આદર્શોને છોડવા તૈયાર થઇ જાય છે. ભણવા માટે અથવા નોકરી માટે વિદેશ ગયેલા યુવાનો ત્યાંની કમ્ફર્ટેબલ લાઇફથી એવા ટેવાઇ જાય છે કે પછી ત્યાં કાયમ માટે વસવાટ કરવાનું નક્કી કરી લે છે. દેશમાં રહેતા વૃદ્ધ માતાપિતા પણ સંતાનોના ભલા માટે એમ જ વિચારે છે કે ભલે આપણે એકલા રહીશું, પણ સંતાનો તો સુખસગવડ અને આરામની જિંદગી જીવી શકશે ને. તો ઇગોને સમજવામાં પ્લેઝર પ્રિન્સિપલની આ સમજ બહુ જ ઉપયોગી નીવડવાની છે. એ સતત યાદ રાખવાનું છે કે માણસ આનંદ માણવાની, કમ્ફર્ટમાં રહેવાની તથા પીડાને નીવારવાની સતત કોશિષમાં રહેતો હોય છે.

ટુંકસાર: તો આ થઇ માણસજાત અને એક વ્યક્તિ તરીકે માણસની ખાસિયતો વિશેની કેટલીક મૂળભૂત વાતો. આપણે જોયું સર્વાઇવલ એ દરેક માણસની સૌથી મૂળભૂત ઇન્સ્ટિન્ક્ટ છે. ત્યાર પછી ડાર્વિનના વિકાસવાદ અનુસાર માનવજાત સતત પોતાનો વિકાસ કરતી રહી છે અને એમાં જે સૌથી ફિટ છે એ ટકી રહે છે અને એ રીતે માણસની આગામી પેઢી બહેતર બનતી રહે છે. સર્વાઇવલ પછીની માણસની સૌથી મુળભુત ઇન્સ્ટિન્ક્ટ પ્લેઝર માટેની એટલે કે તત્કાળ આનંદ પામવાના છે તેમ જ પીડા નિવારવાની છે.
આગામી પ્રકરણમાં આપણે તપાસીશું ઇગોને સમજવાના પહેલા પગથિયાંને. એટલે કે માણસના સેલ્ફ એસ્ટીમને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp