જામીન અરજીની માગ કરતા જયસુખના વકીલે કહ્યું- જે બન્યું તે અજાણતા બની ગયું છે
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રૂપના એમડી જયસુખ પટેલે મોરબી કોર્ટમાં રેગ્યૂલર જામીન અરજી કરી હતી, જેમાં આજે બચાવ પક્ષ અને સરકારી વકીલે સામસામી દલીલો કરી હતી. જે સાંભળી જામીન અરજી પરનો હુકમ બાકી રાખ્યો છે.
મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલે મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. અગાઉ વચગાળાની જામીન અરજી નામંજૂર થયા બાદ કોર્ટમાં પૂરક ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી અને બાદમાં જયસુખ પટેલે રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે જામીન અરજી પર આજે બચાવ પક્ષના વકીલ ઋતુરાજ નાણાવટીએ દલીલો કરી હતી કે, મોરબીની જનતાના હિતમાં બ્રિજ ખુલ્લો મૂક્યો હતો અને જે કંઈ બન્યું છે તે અજાણતા બની ગયું છે. વકીલે કહ્યું કે, સર્ટિફિકેટ લેવાની વાત તેમ જ પુલ પર મુલાકાતીઓની સંખ્યા જેવા મુદ્દાનો કરારમાં ક્યાય ઉલ્લેખ જ નથી.
નગરપાલિકા તરફથી ઝૂલતો પુલ સોપવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ જે કલમ 304 લગાવવામાં આવી છે તે ગુનો બનતો જ નથી. કરાર મુજબ રિપેરિંગ કરવામાં આવ્યું હતું. લોકો જીવ ગુમાવે તેવો કોઈ હેતું નહોતો અને મોટો કોઈ આર્થિક ફાયદો પણ ઝૂલતો પુલમાં મળે તેમ નહોતું. તમામ જવાબદારી ઓરેવા ગ્રૂપ પર નાખવામાં આવી છે, જે ગેરવ્યાજબી હોવાની વકીલે દલીલ કરી હતી.
જ્યારે બીજી તરફ સરકારી વકીલ સંજયભાઈ વોરાએ દલીલો કરી હતી કે, તાર કટાયેલા હતા તે બદલ્યા નથી. વર્ષ 2008થી ઓરેવા ગ્રૂપ ઝૂલતા પુલની જવાબદારી સાંભળી રહ્યા છે અને 6 મહિના બંધ રાખી રિનોવેશન કર્યું હતું. પરંતુ, તેમાં કટાયેલા તાર કેમ નજરે પડ્યા નહિં અને તેનું રિનોવેશન કેમ કર્યું નથી?. મોરબી કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી હતી અને હુકમ આપવાનો બાકી રાખ્યો છે, જે હુકમ એક કે બે દિવસમાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ઝૂલતો પુલ કેસની સુનાવણીમાં 31 માર્ચની મુદત આપવામાં આવી છે, ત્યારે 31 માર્ચે મુદતના દિવસે જયસુખ પટેલની જામીન અરજી પર હુકમ આવે છે કે નહિ તે જોવું રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp